Sun,19 May 2024,2:31 pm
Print
header

PM મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન, લોકોને પણ વધુ મતદાન કરવાની કરી અપીલ, મોદી નાગરિકોને પણ મળ્યાં

અમદાવાદઃ ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. સુરતની બેઠક ભાજપે પહેલા જ બિનહરીફ જીતી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપની નિશાન શાળામાં વહેલી સવારે મતદાન કર્યું હતું. પીએમ કાર દ્વારા મતદાન મથક પહોંચ્યાં હતા. અહીં ગૃહમંત્રી અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતુ, દરમિયાન મોદી અને અમિત શાહ રસ્તા પર ચાલીને પોલિંગ બૂથ પર પહોંચ્યાં હતા. પીએમ મોદીએ લોકોને બને એટલું વધુ મતદાન કરવાની અપીલ કરી હતી અને તેઓ નાગરિકોનેે મળ્યાં હતા.

પીએમ મોદીએ તેમના એક્સ હેન્ડલ પર કહ્યું કે આજે યોજાઈ રહેલ ચૂંટણીના તબક્કામાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી, લોકશાહીના આ મહાપર્વમાં આપની સક્રિય ભાગીદારી ચોક્કસપણે ચૂંટણીને વધુ ગતિશીલ બનાવશે.

અમદાવાદમાં મતદાન બાદ પીએમ મોદીએ કહ્યું, આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. હું દેશવાસીઓને વિનંતી કરીશ કે લોકશાહીમાં મતદાન કરવું એ સામાન્ય દાન નથી. આપણા દેશમાં મતદાનનું અલગ મહત્વ છે. એ જ ભાવના સાથે દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ.ચૂંટણી પ્રચાર હજુ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેશે. ગુજરાતમાં મતદાર હોવાના કારણે હું અહીં નિયમિત મતદાન કરું છું. હું કાલે રાત્રે જ અમદાવાદ આવ્યો હતો. હવે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણા જવાનું છે. હું ગુજરાત અને દેશના મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

વોટિંગ બાદ પીએમ મોદી પોલિંગ બૂથની બહાર આવ્યાં અને લોકોને મળ્યાં. પીએમ મોદીએ ત્યાં સમર્થકોનું અભિવાદન કર્યું અને લોકોને ઓટોગ્રાફ પણ આપ્યાં હતા. મોદીની એક ઝલક મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.

અમદાવાદની પ્રાથમિક શાળાઓમાં સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી છે. મતદારો મતદાન કરવા લાઈનમાં ઉભા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારો 24 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાંં છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહ રાજ્યમાં 2014 અને 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની આશા રાખે છે.

આદિવાસી પ્રભુત્વ ધરાવતી ભરૂચ બેઠક પર ભાજપ ઈન્ડિયા બ્લોક સામે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે આ સીટ AAPને આપી છે. અહીં AAPએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. તેમની સ્પર્ધા ભાજપના મનસુખ વસાવા સામે છે, જેઓ 1999થી આ બેઠક જીતી રહ્યાં છે. વસાવા 2019માં 3.3 લાખ મતોની સરસાઈથી જીત્યા હતા. ભરૂચ બેઠક એક સમયે કોંગ્રેસના સ્વ. નેતા અહેમદ પટેલ પાસે હતી. તેઓ પ્રથમ વખત 1977માં ચૂંટણી જીત્યા અને 1980 અને 1984માં ફરી જીત્યા. તેઓ 1989 સુધી સંસદમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરતા રહ્યાં હતા.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ સહિત ગોવાની 2 બેઠકો બેઠકો પર મતદાન થશે. મતદાન માટે જઈ રહેલી અન્ય બેઠકોમાં આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકોનો સમાવેશ થાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch