Sat,27 April 2024,4:58 am
Print
header

Corona Virus Special Series Part 7, હજુ દુનિયામાં 5,000થી વધુ અજ્ઞાત કોરોના વાઇરસ સ્ટ્રેઇન્સ શોધાવાની બાકી

સત્યજીત પટેલ, અમદાવાદ

2012માં મર્સ (મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) વાઇરસ ફેલાયો હતો. જેથી સાઉદી અરેબિયા સહિતના મધ્યપૂર્વના દેશોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયેલી ચામાચિડિયાંજન્ય વાઇરસની મહામારી પાછલાં 26 વર્ષોમાં જોવા મળેલી મહા મારીઓમાં સૌથી ભીષણ હોવાનું સાબિત થઇ ચૂક્યું છે. આ વાઇરસે માણસને ઘૂંટણીએ ટેકવી દીધો છે. તુચ્છ જંતુઓની જેમ માણસો મરી રહ્યાં છે. કોઇ વાઇરસના કારણે દુનિયાની મોટીમોટી અર્થવ્યવસ્થાઓને આવો એકસામટો અને લાંબા ગાળા માટે અપંગ બનાવી દેતો મરણતોલ ફટકો અગાઉ ક્યારેય વાગ્યો નથી. આ પહેલાં 1994માં ઘોડાઓમાંથી હેન્ડ્રા વાઇરસ ફેલાયો હતો. પછી 1998માં નિપાહ વાઇરસ, 2002માં સાર્સ વાઇરસ, 2012માં મર્સ (મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) અને ત્યાર પછી 2014માં ઇબોલા આવ્યો. અલબત્ત આ બધા વાઇરસનો ફેલાવો સિમિત હતો અને તેમના પર બહુ જ જલદી કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં આખી ધરતી પર ફેલાઇ જવાની ક્ષમતાની બાબતમાં નોવેલ કોરોના વાઇરસે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. 

આફ્રિકાના દેશોમાં 2014માં ઇબોલા વાઇરસ ફેલાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

શું આ બધા વાઇરસના ફેલાવા પાછળ માત્ર પશુ-પક્ષીઓ જ જવાબદાર છે ? જવાબ છે ના. ચામાંચિડિયાંને લોકો શાપિત માને છે. પરંતુ આ જ ચામાચિડિયાં આપણી આસપાસની જૈવવિવિધતા વધારવામાં મદદરૂપ થતાં હોય છે. તેઓ જીવાત ખાય છે. આમ કરીને તેઓ ખેતીપાકને બચાવે છે અને આપણી ઇકોસિસ્ટમને જાળવી રાખે છે. તેઓ છોડવાંની પરાગાધાનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તેઓ કદાપી માણસ પાસે નથી આવતાં. પરંતુ જ્યારે માણસ પોતાનો કોઇને કોઇ સ્વાર્થ સાધવા માટે તેમના સંપર્કમાં આવે છે અને બસ ત્યારે જ નવી સમસ્યા ઉભી થાય છે.

ભવિષ્યમાં આવનારા પ્રકોપથી બચવાના ઉપાય

ચીનના વુહાનમાં સ્થિતિ સામાન્ય થતાં વાઇરોલોજીસ્ટ શી ઝેંગ લીએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 16-16 વરસોથી દેશવ્યાપી વાઇરસ ખોજનાં અનેક અભિયાનની આગેવાની લેનારા ચીનનાં બેટવુમને હવે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હવે ફિલ્ડની કામગીરી નવયુવાનો સંભાળશે અને તેઓ વુહાનની લેબમાં રિસર્ચને લગતી બાબતો જોશે. તેઓ કહે છે, “શો મસ્ટ ગો ઓન. અત્યાર સુધી અમે જે વાઇરસની ખોજ કરી છે તે તો એક મોટી હિમશીલાના ટોચકાં સમાન છે. આ ધરતીના અન્ય દેશોમાં ફેલાયેલી હજારો-લાખો ગુફાઓમાં વસતી ચામાચિડિયાઓની અનેક પ્રજાતિઓ શોધાવાની હજુ બાકી છે. ચીન સિવાય દુનિયાના અન્ય દેશોમાં વૈશ્વિક રીતે ફેલાયેલાં ચામાચિડિયાંઓમાં છૂપાયેલા ખતરનાક એવા 5,000થી પણ વધુ અજ્ઞાત કોરોના વાઇરસ સ્ટ્રેઇન્સની ખોજ કરવાની તાતી જરૂરીયાત છે. આ માટે આખી દુનિયાની સરકારોએ અને ત્યાંના વૈજ્ઞાનિકોએ આગળ આવવું પડશે. આ માટે ખૂબ જ સુવ્યવસ્થિત, બૃહદ અને વધુ તીવ્રતા સાથે વિશ્વવ્યાપી પ્રોજેક્ટ શરૂ કરવા પડશે. વિષાણુઓ (વાઇરસ) માણસને શોધે તે પહેલાં જ માણસ તેમને શોધી કાઢે તે જરૂરી છે.”      

કોરોના વાઇરસે યુરોપને ઠપ કરી દીધું છે. મોટી સંખ્યામાં લોકોના મોત થયાં છે. ઇટાલીમાં તો મૃતદેહોનો નિકાલ કરવા માટે સેનાની મદદ લેવી પડી રહી છે.

જ્યાંથી કોરોના વાઇરસ દુનિયામાં ફેલાયો છે તે ચીનના વુહાન શહેરમાં સવા બે મહિનાના લોખંડી લોકડાઉન બાદ ક્રમિક રીતે પ્રતિબંધો હટાવવાનું શરૂ થતાં જનજીવન ધીમેધીમે થાળે પડી રહ્યું છે. સામ્યવાદી ચીની સૈન્યના હવાલે કરાયા બાદ ઘરોમાં ફરજિયાત કેદ કરી દેવામાં આવેલી વુહાનની એક કરોડ દસ લાખની વસ્તી હવે ખુલ્લી હવામાં શ્વાસ લેતી થઇ છે. એક તરફ જ્યાં વુહાન માટે કપરો કાળ પુરો થયો છે ત્યાં બીજી તરફ ભારત સહીત આખી દુનિયાની વસ્તીને આ વાઇરસ હંફાવી રહ્યો છે. અલબત્ત આ કપરો સમય પણ કાયમી રહેવાનો નથી. આ કાળ પણ પસાર થઇ જવાનો છે. કોરોના વાઇરસ પર પણ અંકુશ મેળવી લેવાશે. કેમ કે, માનવજાતને પરાસ્ત કરી શકે તેવી હેસિયત આ ધરતીના અન્ય કોઇ જીવ પાસે નથી. ઇતિહાસ આવી સેંકડો ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સૂક્ષ્મ જીવાણુ-વિષાણુજન્ય આવી ઘણી મહામારીઓ આવી અને સાથે લાખો-કરોડોની સંખ્યામાં માનવખુવારી કરતી ગઇ પરંતુ માણસનું અસ્તિત્વ મીટાવી નથી શકી એ હકીકત સૌએ યાદ રાખવાની જરૂર છે. 

દુનિયામાં ચામાચિડિયાંઓની વિવિધ પ્રજાતિઓમાં પાંચ હજારથી વધુ કોરોના વાઇરસ છૂપાયેલા પડ્યા છે જેની હજી સુધી શોધ જ થઇ નથી. આ વાઇરસ ગમે ત્યારે હુમલો કરી શકે છે.

વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી કે જ્યાં બેટવુમન શી ઝેંગ લી કામ કરે છે ત્યાં હાલ શાંતિ પ્રવર્તી રહી છે. ચીનની આ સંસ્થામાં દુનિયામાં ઉત્પાત મચાવનારા ખતરનાક વિષાણુઓના રિસર્ચનું કામ થાય છે. પરંતુ દુનિયાના અન્ય દેશોને ચીનની આ સંસ્થાની કામગીરી બાબતે સંદેહ છે. આ સંદેહ પાછળ કેટલાક નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવી રહેલો તર્ક પણ સમજવા જેવો છે. આજે આખી દુનિયા ઠપ થઇ ગઇ છે. દુનિયાના મેટ્રો સીટી સુમસામ થઇ ગયાં છે. ભારતના દિલ્હી, મુંબઇ, કોલકાત્તા, ચેન્નઇ, બેંગલુરૂને જોઇ લો. આ શહેરોને તમે ક્યારેય શાંત જોયા છે? એટલું જ નહીં, બર્લીન, પ્રાગ, હેલસિંકી, બુડાપેસ્ટ, એમ્સટરડેમ, વોર્સો, પેરિસ, ન્યુયોર્ક, રોમ, લંડન, ઢાકા, ઇસ્લામાબાદ, કરાંચી, કાબુલ, કોલંબો, કાઠમાંડુ, કૈરો, જાકાર્તા, ટોકિયો, ઓમાન, દુબઇ, લક્ઝમબર્ગ, મેક્સિકો સીટી, તેહરાન, દોહા, મેડ્રીડ, બેંગકોક જેવાં ૨૪ કલાક ધમધમતાં દુનિયાનાં રાજધાની શહેરોમાં પણ સન્નાટો વ્યાપી ગયો છે. જ્યારે ચીનનું રાજધાની શહેર બૈજિંગ આજે પણ ખુલ્લુ છે. ત્યાં ધંધા, રોજગાર, ઓફિસો, સરકારી કચેરીઓ, કોર્પોરેટ હાઉસ, ફેક્ટરીઓ, ઉદ્યોગો રાબેતા મુજબ જ ચાલુ છે. બીજી તરફ આખી દુનિયા થંભી ગઇ છે. વુહાનમાં કોરોના વાઇરસ ફેલાવાનું શરૂ થયું ત્યારે એક તબક્કે તો આ સંસ્થાના વાઇરોલોજીસ્ટ શી ઝેંગ લીને પણ ફાળ પડી હતી કે, કોરોના વાઇરસ અહીંથી તો ફેલાયો નહીં હોય ને? કોને ખબર? ચીને દુનિયાને ચેતવણી આપવા પ્રયોગ કરી જોયો હોય તેવી પણ આશંકા કેટલાક વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે. દુનિયા સાવધાન રહે, કેમ કે ચીન કંઇ પણ કરી શકે છે!!! 
(સમાપ્ત)

સ્પેશિયલ સિરિઝ ભાગ-1 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/Corona-Virus-Special-Series-china-woohan-city-world-all-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-2 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/corona-virus-Series-vaccine-16-years-reaserch-laboratory-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-3 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/virus-corona-china-forest-bats-animals-gujaratpost-samachar

સ્પેશિયલ સિરિઝ ભાગ-4 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/Corona-Virus-cave-bats-covid-19-laboratory-international-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-5 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/corona-special-china-villages-bats-jungle-virus-covid-international-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-6 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/Corona-Virus-Special-part-6-covid-19-pig-america-china-news

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch