Fri,19 April 2024,9:13 pm
Print
header

Corona Virus Special Series Part-1, “કોરોના આખી દુનિયાને થંભાવી દેવાનો છે” ચીનની મહિલાની ભવિષ્યવાણી સાચી પડી

સત્યજીત પટેલ, અમદાવાદ

વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીનો ફોટો

સ્થળઃ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, વુહાન, હુબેઇ પ્રાંત- ચીન. તારીખ 30 ડિસેમ્બર 2019 નો એ દિવસ. સાંજના લગભગ સાતેક વાગ્યાનો સમય થયો હશે ત્યાં જ કોઇ અજ્ઞાત વાઇરસથી પીડીત એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ્સ પરિક્ષણ અર્થે અહીંની લેબોરેટરીમાં આવે છે. ગણતરીની મિનીટોમાં જ તે સેમ્પલ્સ પર કેટલાક પરિક્ષણો હાથ ધરવામાં આવે છે. થોડા સમય બાદ ઇન્સ્ટિટ્યૂટની લેબમાં હાજર વાયરોલોજીના નિષ્ણાંત રિસર્ચરોના ચહેરા પર કોઇ અજ્ઞાત ભય ફરી વળે છે. તેમના ચહેરા પીળા પડી જાય છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરને આખી બાબતથી વાકેફ કરે છે અને સમગ્ર ઇન્સ્ટિટ્યૂટમાં દહેશતનો માહોલ છવાઇ જાય છે.

ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પળનો પણ વિલંબ કર્યા વગર કોઇને ફોન લગાવે છે. વુહાનથી 839 કિ.મી. દૂર ચીનની રાજધાની બેઇજિંગમાં કોન્ફરન્સ એટેન્ડ કરી રહેલાં એક મહિલાનો મોબાઇલ ફોન રણકી ઉઠે છે. આ મહિલા પોતાના મોબાઇલના ડિસપ્લે પર વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીના ડિરેક્ટરનું નામ જુએ છે. ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તે મહિલાના બોસ છે. મહિલા તરત જ કોન્ફરન્સમાંથી બહાર દોડી આવે છે. સામે છેડેથી ડિરેક્ટરનો આદેશ છૂટે છે, “તું તારા બધાં જ કામ પડતાં મૂકીને તાકીદે અહીં વુહાન આવી જા. તારે એક નવા ઇવીલ (વાઇરસ)ની ઓળખ પાકી કરવાની છે....”

વુહાનમાં કોરોનાના દર્દીઓ અચાનક જ રસ્તા પર ઢળી પડતા હતા.

ડિરેક્ટરના અવાજમાં કોઇ આવનારી આપત્તિને પામી ગયેલાં તે મહિલા કોન્ફરન્સ પડતી મૂકીને તરત જ બેઇજિંગથી વુહાન પરત આવવા રવાના થાય છે. બેઇજિંગથી વુહાન પાછા ફરતી વખતે ફ્લાઇટમાં આ મહિલા ચિંતામાં ડૂબી જાય છે. તેમનું મન વિચારે ચઢી જાય છે. તેમની આંખો સમક્ષ ચીનમાં 2002 માં ફેલાયેલા સાર્સ વાઇરસનાં (સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-શ્વસનતંત્રની બિમારી ફેલાવતો વાઇરસ) રોગચાળાની ભયાનકતા તરી આવે છે. “ શું આ નવો દુશ્મન ચામાચિડિયામાંથી ફેલાતા વાઇરસ (વિષાણુ)ની ફેમિલીનો જ સભ્ય હશે ? ભગવાન કરે ને આવું ન હોય. કદાચ વુહાનનો મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ખોટો હોય તેવું પણ બને. મધ્ય ચીનમાં વુહાન જેવા વસ્તીથી ભરચક શહેરને કોણ બચાવશે ? હે ભગવાન !!!!! ” આ મહિલા સતત પ્રાર્થના કરી રહ્યાં હતાં. ચીનના દક્ષિણના ઉષ્ણકટિબંધીય પ્રદેશો ગુઆંગડોંગ, ગુઆંગઝી અને યુનાન તો પશુઓમાંથી અને ખાસ કરીને ચામાચિડિયાંમાંથી ફેલાતા કોરોના વાઇરસ માટે હાઇરિસ્ક ધરાવતાં શહેરોની યાદીમાં ટોચના સ્થાને આવતાં હતાં. આ મહિલાની ચિંતાઓ વધતી જતી હતી. તેના ચહેરા પર તે સ્પષ્ટ રીતે વાંચી શકાતી હતી. વુહાન શહેર પર ભયંકર વાવાઝોડાની માફક કોઇ મોટું જોખમ ઝળુંબી રહ્યું હતું. અને તે ચીન બાદ આખી દુનિયાને ઝપટમાં લેવાનું હતું. “ અમારી લેબમાંથી તો આ વાઇરસ ફેલાયો નહીં હોય ને???....” તે મહિલાના શરીરમાંથી ભયનું લખલખુ પસાર થઇ ગયુ.

દુનિયામાં એકમાત્ર એન્ટાર્કટિકા પ્રદેશ જ હજુ સુધી કોરોનાથી બચી શક્યો છે.

એપ્રિલની 1 તારીખ, વર્ષ 2020. આખી દુનિયા થંભી ગઇ છે.એકમાત્ર એન્ટાર્કટિકાને બાદ કરતાં દુનિયાના બધા જ ખંડોના 195 દેશોમાં કોરોના વાઇરસ જંગલની આગની જેમ ફેલાઇ ગયો છે. લાખો લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ ગયું છે. દુનિયામાં 45 હજારથી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે અને આ આંકડો તેજીથી વધી રહ્યો છે. રોજેરોજ હજારો લોકો કોરોનાની ઝપટમાં આવી રહ્યાં છે. આખી દુનિયા આ અભૂતપૂર્વ સંકટ સામે લડી રહી છે. પાછલા દસકાઓમાં જોવા મળેલી સૌથી ભીષણ વૈશ્વિક મહામારીઓ પૈકીની આ એક છે. વૈજ્ઞાનિકો ઘણા લાંબા સમયથી ચેપી રોગચાળાઓના દરમાં આવેલા ઉછાળાની આગાહીઓ કરી રહ્યા હતા. ખાસ કરીને ચીન અને ભારત જેવા વસ્તીથી ફાટફાટ થતા વિકાસશીલ દેશોમાં કે, જ્યાં માણસો અને જાનવરો વચ્ચેનો સીધો સંપર્ક પહેલેથી જ સહજ છે ત્યાં આવો રોગચાળો ધગધગતા જ્વાળામુખીની જેમ ફાટી નીકળવાની તૈયારીમાં જ હતો. ત્યાં જ વુહાનમાં...
  
વર્ષ 2019 ના ડિસેમ્બરના અંતમાં ચીનનાં પેલા મહિલા જેની ચિંતા કરી રહ્યાં હતાં તેણે હવે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. માત્ર ચીનનું વુહાન જ નહીં, આજે આખી દુનિયામાં કોવિડ-૧૯, કોરોના વાઇરસ રીતસરનો આતંક મચાવી રહ્યો છે. પરંતુ ચીનનાં એ મહિલા કોણ હતા ? તેમને દુનિયા ઉપર આવનારી આફતની આગોતરી જાણ કેવી રીતે થઇ ગઇ હતી ?  
(ક્રમશઃ)

સ્પેશિયલ સિરિઝ ભાગ-2 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/corona-virus-Series-vaccine-16-years-reaserch-laboratory-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-3 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/virus-corona-china-forest-bats-animals-gujaratpost-samachar

સ્પેશિયલ સિરિઝ ભાગ-4 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/Corona-Virus-cave-bats-covid-19-laboratory-international-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-5 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/corona-special-china-villages-bats-jungle-virus-covid-international-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-6 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/Corona-Virus-Special-part-6-covid-19-pig-america-china-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-7 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/covid-19-virus-special-part-7-world-5-thousand-virus-news

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch