સત્યજીત પટેલ, અમદાવાદ
હોર્સશૂબેટ પ્રજાતિનાં ચામાચિડિયાં કે જે ચીનમાં યીલીંગની ગુફાઓમાં મળી આવે છે. આ ચામાચિડિયાંમાં સાર્સ અને કોરોના વાઇરસ હોવાનું ટીમે શોધી કાઢ્યું હતું.
નાનીંગ નજીક આવેલી યીલીંગની ગુફાઓમાંથી રાત્રે હજારો કાળાં ઓળાં ખોરાકની શોધ માટે નીકળતાં એક તબક્કે તો રિસર્ચ ટીમના સભ્યો પણ ગભરાઇ ગયાં. તે બધાં ચામાચિડિયાં હતાં. જેમાં કેટલાંક દૂર્લભ પ્રજાતિનાં હતાં. દક્ષિણ એશિયાના ગાઢ જંગલોમાં પહાડો પર ફેલાયેલી સાંકડી ગુફાઓને પોતાનું નિવાસસ્થાન બનાવનારાં અને મોટેભાગે નાના જંતુઓ પર નભતાં હોર્સશૂ બેટ (ઘોડાની નાળ જેવી મુખાકૃતિ ધરાવતા ચામાચિડિયાની પ્રજાતિ) પણ જોવા મળ્યાં હતાં. જંગલમાં રહેતા ત્યાંના આદિવાસી લોકો પાસેથી મળતી મહત્વની ટીપ્સના આધારે શી ઝેંગ અને તેમની ટીમ કલાકોના કલાકો સુધી ચામાચિડિયાંની કોલોનીઝની શોધખોળ કરતી. કેટલીકવાર તો સાંકડી ગુફાઓમાં લાઇમસ્ટોનના અણીદાર પત્થર પેટ પર ભોંકાતા હોવા છતાં આવી સ્થિતિમાં રિસર્ચ ટીમ આ રહસ્યમય જીવની પ્રતિક્ષામાં લાગેલી રહેતી. તે વર્ષ 2004 હતું. આ પ્રકારે ટીમ જોરશોરથી કામ કરી રહી હતી. એક જ સપ્તાહના અંતે શી ઝેંગ અને તેમની ટીમે નાનીંગ પાસે એવી 30 જેટલી ગુફાઓ શોધી કાઢી કે જે બેટ (ચામાચિડિયાં) કોલોનીઝ માટે આદર્શ નિવાસસ્થાન હતી.
ચીનમાં ગુઆંગડોંગને વન્યજીવોની તસ્કરીનું મોટુ કેન્દ્ર માનવામાં આવે છે. આવાં જંગલી જીવો ખતરનાક વાઇરસના વાહક હોય છે.
આ શોધ અભિયાન એવાં કેટલાક અભિયાનનો એક ભાગ હતું, જે 21મી સદીમાં માનવજાત માટે સૌપ્રથમ મોટો ખતરો સર્જનાર સાર્સ વાઇરસ જેવા જ ખતરનાક વાઇરસની ખોજ સાથે સંકળાયેલું હતું. ચીનના લોકોની ખાન-પાન સાથે સંકળાયેલી સંસ્કૃતિ ખૂબ જ વિચિત્ર છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ તેવી ચીજ-વસ્તુઓનો તેમણે તેમના આહારમાં સમાવેશ કરેલો છે. આથી દુનિયાના લોકોને ચીનાઓ પ્રત્યે ભારે સૂગ છે. પરંતુ બીજી તરફ ચીનમાં શી ઝેંગ લી જેવા કેટલાક એવા પણ સંશોધનકાર છે, જેમણે પોતાના રિસર્ચ દ્વારા માનવજાતને બહુ જ મોટુ પ્રદાન કર્યું છે. વર્ષ 2004માં શી ઝેંગ અને તેમની ટીમ તેમના વાઇરસ ખોજ અભિયાનમાં વ્યસ્ત હતી તે સમયગાળામાં હોંગકોંગસ્થિત એક અન્ય રિસર્ચ ટીમને સૌપ્રથમ એવી ચોંકાવનારી માહિતી જાણવા મળી કે, નોળિયા જેવા દેખાતા અને મોટેભાગે એશિયા અને આફ્રિકાના ઉષ્ણકટિબંધીય જંગલોના મૂળ નિવાસી એવા સીવેટ નામના જંગલી જીવની હેરાફેરી સાથે સંકળાયેલા ગુઆંગડોંગના તસ્કરો સાર્સ કોરોના વાઇરસનો શિકાર બન્યા છે.
ઓસ્ટ્રેલિયામાં 1994માં ઘોડાઓમાં હેન્ડ્રા વાઇરસ ફેલાયો હતો. પછી માણસોનો તેનો ચેપ લાગ્યો હતો. ઘોડાઓમાં આ વાઇરસ ચામાચિડિયાંમાંથી આવ્યો હતો.
સાર્સ વાઇરસનો પ્રકોપ ફેલાયો તે પહેલાં દુનિયાને કોરોના વાઇરસ વિશે બહુ જ ઓછી જાણકારી હતી. કોરોના વાઇરસનું સૌથી સામાન્ય લક્ષણ શરદી છે. આથી તેના ચેપનો ભોગ બનેલા દર્દી શરૂઆતમાં તેને ગંભીરતાથી લેતા નથી. પરંતુ 2002માં સાર્સ વાઇરસનો પ્રકોપ ફેલાવાનું શરૂ થયું ત્યારે જ વૈજ્ઞાનિકો ચેતી ગયા હતા. ત્યાર બાદ સાર્સ વાઇરસની ફેમિલીના અને સાર્સ જેવી જ પ્રકૃતિ (જિનેટિક બંધારણ) ધરાવતા અન્ય ડેડલી વાઇરસની ખોજ શરૂ કરી દેવામાં હતી. ચામાચિડીયાં દ્વારા મનુષ્યોમાં ફેલાતા સાર્સ, કોરોના જેવા વાઇરસની ભયાનકતા દર્શાવતી હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ “કન્ટેજિયન” દર્શકોનું ધ્યાન આકર્ષવામાં ખૂબ સફળ રહી હતી. આ ફિલ્મમાં દુનિયાને આવા ખતરનાક વાઇરસનો સામનો કરવા તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. સાર્સ કોરોના વાઇરસમાં ખૂબ જ ટૂંકા ગાળામાં આખી દુનિયામાં ફેલાઇ જવાની ક્ષમતા છે. 2002માં ચીનમાં સાર્સ ફેલાયો ત્યારે આ વાત સાબિત થઇ ગઇ હતી.
વન્યજીવોની તસ્કરી અને તેમના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા ચીનના ગુઆંગડોંગના તસ્કરોને જ્યારે આ નવા વાઇરસનો ચેપ લાગ્યો હતો ત્યારથી જ સંશોધનકારોએ તેની જડ સુધી પહોંચવાનું નક્કી કરી લીધું હતું. બીજી તરફ શી ઝેંગ લી અને તેમની ટીમને આ ઘટના બાદ મહત્વની કડી મળી ગઇ હતી. ગુઆંગડોંગના તસ્કરો સીવેટ નામના નોળિયા જેવા દેખાતા પ્રાણીની હેરાફેરી સાથે સંકળાયેલા હતા. ચીનમાં આ પ્રાણીનાં માંસ તેમજ તેના બીજા અંગોનો દવાઓની બનાવટમાં વ્યાપક ઉપયોગ થતો હોઇ તેની માગ વધુ છે. સીવેટના સંસર્ગમાં આવનારા તસ્કરોને આ જીવમાંથી કોઇ અજ્ઞાત વાઇરસનો ચેપ લાગ્યો હતો. પરંતુ સવાલ એ હતો કે સીવેટમાં આ વાઇરસ ક્યાંથી આવ્યો હતો? શું સીવેટને ચામાચિડિયાંમાંથી વાઇરસનો ચેપ લાગ્યો હતો? શી ઝેંગ અને તેમની ટીમે આ રહસ્ય પરથી પરદો ઉઠાવવાનો હતો. અલબત્ત આ અગાઉ ચેપી રોગચાળાની બે મોટી દૂર્ઘટનાઓએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. 1994ની સાલમાં ઓસ્ટ્રેલિયામાં ઘોડાઓમાંથી હેન્ડ્રા વાઇરસનો ચેપ માણસોમાં ફેલાયો હતો. ત્યાર બાદ મલેશિયામાં 1998માં નિપાહ વાઇરસ ફાટી નીકળ્યો હતો, જે ડુક્કરોમાંથી માણસોમાં ફેલાઇ ગયો. આ બંને ચેપી રોગજન્ય બિમારીઓનું ઉદ્ગમસ્થાન ફ્રુટ ઇટિંગ બેટ્સ (ફળ ખાતાં ચામાચિડિયાં) હતાં. ઘોડા અને ડુક્કર તો હોસ્ટ (યજમાન) એટલે કે એક માધ્યમ માત્ર હતાં. મતલબ કે ઘોડા અને ડુક્કરોને ચામાચિડિયાંમાંથી ચેપ લાગ્યો હતો. આ મહત્વની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રિસર્ચ ટીમ આગળ વધી રહી હતી.
વાઇરસનો ચેપ લાગી જવાની પૂરી શક્યતાઓ હોવા છતાં બેટવુમન અને તેમની ટીમે ચામાચિડિયાંમાંથી સેમ્પલ્સ એકઠા કરવાનું મોટું જોખમ લીધું હતું.
વાઇરસની ખોજના એ પ્રથમ વર્ષ એટલે કે 2004ની સાલમાં શી ઝેંગ અને તેમની ટીમને જ્યારે પણ ચામાચિડિયાની ગુફા મળી આવતી ત્યારે તેને ચિન્હીત કરી લેવામાં આવતી. ત્યાર બાદ સાંજ પહેલાં તે ગુફાના પ્રવેશદ્વાર આગળ જાળ (નેટ) લગાવવામાં આવતી. રાત પડ્યે ચામાચિડિયાં ખોરાકની શોધમાં ગુફાની બહાર નીકળે તેનો તેઓ ઇંતજાર કરતાં. આ પ્રકારે ટીમ દિવસ-રાત કામ કરતી હતી. એકવાર ચામાચિડિયાં જાળમાં સપડાય પછી ટીમ દ્વારા તેમના લોહી અને લાળ ઉપરાંત મળનાં સેમ્પલ્સ લેવામાં આવતાં. ચામાચિડિયાંનાં પેશાબનાં સેમ્પલ્સ લેવા માટે ટીમ સવારે ફરીથી ગુફામાં આવતી. ચામાચિડિયાંમાંથી સેમ્પલ્સ લેવાનું કામ ખૂબ જ જોખમી હતું. સહેજ ચૂક થાય અને ચામાચિડિયું કરડી જાય તેવી પરિસ્થિતિમાં ખતરનાક વાઇરસનો ચેપ લાગી જવાનું મોટું જોખમ ડગલે ને પગલે તેમની રાહ જોતું હતું. મોતને હાથમાં લઇને ટીમ આ પ્રકારે દિવસ-રાત કામે લાગેલી હતી. પરંતુ તેમના માટે સફળતા હજુ દૂર હતી....
(ક્રમશઃ)
સ્પેશિયલ સિરિઝ ભાગ-1 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/Corona-Virus-Special-Series-china-woohan-city-world-all-news
સ્પેશિયલ સિરિઝ ભાગ-2 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/corona-virus-Series-vaccine-16-years-reaserch-laboratory-news
સ્પેશિયલ સિરિઝ ભાગ-4 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/Corona-Virus-cave-bats-covid-19-laboratory-international-news
સ્પેશિયલ સિરિઝ ભાગ-5 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
સ્પેશિયલ સિરિઝ ભાગ-6 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/Corona-Virus-Special-part-6-covid-19-pig-america-china-news
સ્પેશિયલ સિરિઝ ભાગ-7 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/covid-19-virus-special-part-7-world-5-thousand-virus-news
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33