Wed,24 April 2024,6:28 pm
Print
header

Corona Virus Special Series Part 6, અમેરિકામાં લાખો એકર જમીનમાં ફેલાયેલાં ડુક્કર ફાર્મમાંથી વાઇરસ ત્રાટકવાની દહેશત

સત્યજીત પટેલ, અમદાવાદ

એ વાત હવે સ્પષ્ટ થઇ ચૂકી છે કે, કોરોના વાઇરસ વુહાનના કુખ્યાત પશુ બજારમાંથી જ ફેલાયો છે.

ચીનના વુહાનમાં ગત વર્ષે ડિસેમ્બર માસથી કોરોના વાઇરસનો ચેપ ફેલાવાનો શરૂ થયો હતો ત્યારથી વાઇરોલોજીસ્ટ શી ઝેંગ લી અને તેમની ટીમ રાત-દિવસ કામ કરી રહી છે. કોરોનાના દર્દીઓના નમૂના મેળવીને તેઓ આ વાઇરસની પ્રકૃતિ અને ચાલ પર નજર રાખી રહ્યાં છે અને તેનો રોજેરોજનો રિપોર્ટ સરકારને આપી રહ્યાં છે. પાછલાં 16 વરસોનાં સંશોધનનો બહોળો અનુભવ તેમને કામ લાગી રહ્યો છે. વુહાનમાં કોરોના વાઇરસનો કેર ફાટી નીકળ્યો ત્યારથી તેમની ટીમ પ્રચંડ દબાણ વચ્ચે કામ કરી રહી છે. ચીનના બેટવુમન આજે એવા દુશ્મન સામે લડી રહ્યાં છે, જેની ખોજ પાછળ તેમણે તેમના જીવનના સોળ વરસ ખર્ચી કાઢ્યાં છે.

શી ઝેંગ લી અને તેમની ટીમે 7 જાન્યુઆરી 2020ના રોજ ચીનની સરકારને એક રિપોર્ટ સુપરત કર્યો હતો.જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વુહાનમાં જોવા મળેલા કોરોના વાઇરસ અને યુનાન પ્રદેશની ગુફામાં અમારી રિસર્ચ ટીમે હોર્સશૂ બેટ પ્રજાતિના ચામાંચિડિયામાંથી શોધી કાઢેલા કોરોના વાઇરસ વચ્ચે 96 ટકા સામ્યતા છે. તેમનો આ રિપોર્ટ વિખ્યાત સામયિક “નેચર”માં ફેબ્રુઆરી-2020ના અંકમાં પણ પ્રસિદ્ધ થયો છે. મતલબ સાફ છે. આખી દુનિયામાં કાળો કેર વરતાવી રહેલા કોરોના વાઇરસનું જન્મસ્થાન ચીન છે. ચીનમાંથી આવેલા કોરોના વાઇરસે આખી દુનિયામાં આતંક મચાવી દીધો છે. એ વાત હવે સ્પષ્ટ થઇ ચૂકી છે કે, કોરોના વાઇરસ વુહાનની કુખ્યાત પશુ બજારમાંથી જ ફેલાયો છે. શી ઝેંગ જેવા ચીનના જ સંશોધનકારો દબાયેલા અવાજે પણ પરોક્ષ રીતે આ વાતને સમર્થન આપે છે.

ગત વર્ષે ડિસેમ્બરથી વુહાનમાં કોરોના વાઇરસ ફેલાવાનું શરૂ થયું ત્યારથી શી ઝેંગ લી અને તેમની ટીમ રાત-દિવસ કામ કરી રહી છે.

શાકભાજી બજારમાં જેમ ગાજર, મૂળા, બટાકાનાં બજાર ભરાય તેમ વુહાનના પશુ બજારમાં ચામાચિડિયાં, સિવેટ (નોળીયા જેવું પ્રાણી), પેંગોલિન્સ, બેજર્સ (બિલાડી જેવું પ્રાણી) અને મગર જેવા પ્રાણીઓનાં બજાર ભરાય છે. ગ્રાહક પસંદ કરે તે પ્રાણીને તેની નજર સમક્ષ કાપીને તેનું માંસ વેચવામાં આવે છે. આ બજાર કોરોના વાઇરસનો ચેપ ફેલાઇ જવા માટે આદર્શ સ્થળ સાબિત થયું છે. આ વાઇરસ ચામાચિડિયાંમાંથી સીધો જ માણસોમાં પ્રવેશ્યો હોય તેવો પણ એક અંદાજ છે. પેંગોલિન્સ નામનાં જાનવર આ વાઇરસનાં કેરિયર (વાહક) રહ્યાં હોય તેવું પણ શક્ય છે. કેમ કે, ચીનમાં પેંગોલિન્સની ગેરકાયદે હેરાફેરી વ્યાપક પ્રમાણમાં થઇ રહી છે. પેંગોલિન્સમાંથી સાર્સ- કોવિડ-2, કોરોના વાઇરસ મળી આવ્યો છે. થોડાક સમય પહેલાં ત્યાંના કસ્ટમ્સ વિભાગે દક્ષિણ ચીનમાંથી સ્મગલર્સ પાસેથી પેંગોલિન્સનાં માંસનો ટનબંધ જથ્થો જપ્ત કર્યો હતો તે બાબત પણ સૂચક મનાય છે.ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા અચાનક જાગેલી ચીનની સરકારે ગત 24મી ફેબ્રુઆરીએ એક આદેશ બહાર પાડીને વન્યજીવોના વેપાર અને આવા જીવોના માંસના વેચાણ પર કાયમી પ્રતિબંધ ફરમાવી દીધો છે.

પેંગોલિન્સમાંથી સાર્સ- કોવિડ-2, કોરોના વાઇરસ મળી આવ્યો છે. થોડા સમય પહેલાં ત્યાંના કસ્ટમ્સ વિભાગે દક્ષિણ ચીનમાંથી સ્મગલર્સ પાસેથી પેંગોલિન્સનાં માંસનો ટનબંધ જથ્થો જપ્ત કર્યો હતો.

ચીનમાં વન્યજીવોના વેચાણનું માર્કેટ 76 અબજ ડોલરનું હોવાનું માનવામાં આવે છે. આ ધંધા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક કરોડ ચાળીસ લાખ લોકો સંકળાયેલા હોવાનું કહેવાય છે. બીજી તરફ આ પ્રતિબંધના વાસ્તવિક અમલ વિશે શંકાઓનાં વાદળ ઘેરાયેલાં છે. આની પાછળ એવી દલીલ આપવામાં આવે છે કે, ચીનના લોકોની ખાનપાનની સંસ્કૃતિ વર્ષોથી ચાલી આવતી પ્રાચીન માન્યતાઓ ઉપર આધારીત છે. હજારો વર્ષોથી ચીનના દક્ષિણના પ્રદેશોમાં વન્યજીવોના માંસનું ભોજન કરવું એ તેમની સાંસ્કૃતિક પરંપરા રહી છે. હજારો વર્ષોથી ચાલી આવતી વિચિત્ર એવી આ રૂઢિ-પરંપરાઓને રાતોરાત બદલી દેવી એ ચીનની સરકારના હાથની વાત હરગીઝ નથી.

ચીનના લોકોની ખાન-પાનની વિચિત્ર પરંપરાઓનો ભોગ દુનિયાના અન્ય દેશો બન્યા હોવાનો ઇતિહાસ રહ્યો છે. વર્ષ 2016માં ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ક્વિનગ્યુઆંગ શહેરમાં આવેલાં ચાર ડુક્કર ફાર્મમાં વાઇરસ ફેલાયો હતો. જેમાં 25,000 ડુક્કર મોતને ભેટ્યાં હતાં. 2002ની સાલમાં ચીનમાં સાર્સ વાઇરસ સૌપ્રથમવાર ફાટી નીકળ્યો હતો ત્યાંથી આ સ્થળ માત્ર 60 માઇલ જ દૂર આવેલું છે.તે સમયે ડુક્કરોમાંના વાઇરસની ઓળખ શી ઝેંગ લી મારફતે કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું હતું કે, ચામાંચિડિયાંમાં મળતા કોરોના વાઇરસ અને ડુક્કરોમાં દેખાયેલા વાઇરસ વચ્ચે 98 ટકા સામ્યતા છે. ચીનમાં ડુક્કર ઉછેર કેન્દ્રોનો મોટો બિઝનેસ છે. ડુક્કર (સ્વાઇન)નું માંસ ત્યાં છૂટથી ખવાય છે. ડુક્કર અને માણસની રોગપ્રતિકાર પ્રણાલી (ઇમ્યુન સિસ્ટમ) મોટેભાગે સમાન છે. આથી વાઇરસ ડુક્કરમાંથી માણસમાં અને માણસમાંથી ડુક્કરમાં આસાનીથી પ્રવેશી શકે છે. સ્વાઇન (ડુક્કર) ફ્લુ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આજે સ્વાઇન ફ્લુ આખી દુનિયામાં ફેલાઇ ગયો છે. સ્વાઇન ફ્લુનુ ઉદ્ગમસ્થાન પણ ચીન છે. નોંધનીય છે કે, ડુક્કરોમાંથી આ વાઇરસ માણસ ઉપરાંત ઉંદર, મરઘાં તેમજ મકેક (માંકડા)માં પણ પ્રવેશી શકે છે.આ વાત ખુદ ચીનની ઝેઝીયાંગ યુનિવર્સિટીની રિસર્ચ ટીમે પુરવાર કરી છે. ચીન ઉપરાંત અમેરિકામાં બહુ જ વિશાળ ક્ષેત્રે એકરોનાં એકરોમાં ફેલાયેલાં ખેતરોમાં ડુક્કર ઉછેર ફાર્મનો બિઝનેસ મોટાપાયે ચાલી રહ્યો છે.ત્યારે હવે ડુક્કરોમાંથી નોવેલ કોરોના વાઇરસ અમેરિકી દેશોમાં ગમે ત્યારે તરખાટ મચાવશે તેવો અંદેશો પણ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે...... 

ચીન ઉપરાંત અમેરિકામાં બહુ જ વિશાળ ક્ષેત્રે એકરોનાં એકરમાં ફેલાયેલાં ખેતરોમાં ડુક્કર ઉછેર ફાર્મનો બિઝનેસ મોટાપાયે ચાલે છે. ત્યારે હવે ડુક્કરોમાંથી નોવેલ કોરોના વાઇરસ અમેરિકી દેશોમાં ગમે ત્યારે તરખાટ મચાવશે તેવો અંદેશો નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.

(ક્રમશઃ)

સ્પેશિયલ સિરિઝ ભાગ-1 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/Corona-Virus-Special-Series-china-woohan-city-world-all-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-2 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/corona-virus-Series-vaccine-16-years-reaserch-laboratory-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-3 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/virus-corona-china-forest-bats-animals-gujaratpost-samachar

સ્પેશિયલ સિરિઝ ભાગ-4 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/Corona-Virus-cave-bats-covid-19-laboratory-international-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-5 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/corona-special-china-villages-bats-jungle-virus-covid-international-news

સ્પેશિયલ સિરિઝ ભાગ-7 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/covid-19-virus-special-part-7-world-5-thousand-virus-news

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch