Tue,21 May 2024,6:25 pm
Print
header

Prajwal Revanna: ડ્રાઈવર સાથેની લડાઈ, પેન ડ્રાઈવ વિશેનું કાળું સત્ય, આ રીતે બહાર આવ્યું રેવન્નાનું સેક્સ સ્કેન્ડલ

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલથી સમગ્ર દેશમાં સનસનાટી

બેગ્લુરુઃ કર્ણાટકની હાસન લોકસભા સીટના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વીડિયો કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રજ્વલ રેવન્નાનો પૂર્વ ડ્રાઈવર સામે આવ્યો. આ ડ્રાઈવર લગભગ 15 વર્ષથી રેવન્નાના ઘરે પરિવારના સભ્યની જેમ રહેતો હતો, સાંસદની કાર ચલાવતો હતો. ડ્રાઈવરનું નામ કાર્તિક છે. તેને દાવો કર્યો છે કે જે પેન ડ્રાઈવને લઈને આટલો બધો વિવાદ ચાલી રહ્યો છે તે વાસ્તવમાં પહેલા તેની પાસે હતી.

કાર્તિકે કહ્યું કે મેં ઘણા વર્ષો સુધી રેવન્ના અને પ્રજ્વલ સાથે કામ કર્યું છે. મારી સાથે થયેલી હિંસા, અમારી જમીન છીનવી લેવી, મારી પત્ની પર થયેલા હુમલાને કારણે મેં એક વર્ષ પહેલાં નોકરી છોડી દીધી હતી. હું રેવન્ના સામે કાયદાકીય લડત લડવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન હું દેવરાજ ગૌડાને મળ્યો હતો, જે ભાજપના નેતા છે. જેમ જેમ ગૌડા સાથે વાતચીત આગળ વધી, મેં તેમને રેવન્ના વિશે જણાવ્યું હતુ. પછી તેમને મને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું. પરંતુ તેમને મારો કેસ ન લડ્યો તેથી હું બીજા વકીલ પાસે ગયો હતો.

ગૌડાએ ડ્રાઈવરને વિશ્વાસમાં લઈને પેન ડ્રાઈવ લીધી હતી

ગૌડાએ કાર્તિક પાસેથી રેવન્નાના કથિત કાળા કામોથી ભરેલી પેન ડ્રાઈવ લઈ લીધી હતી. કાર્તિકનો દાવો છે કે તેણે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશને પણ અશ્લીલ વીડિયો ધરાવતી પેન ડ્રાઈવ આપી હતી. જો કે કોંગ્રેસના નેતાઓ તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

આ વીડિયોમાં પહેલીવાર પ્રજ્વલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 1 જૂન, 2023 ના રોજ પ્રજ્વલે બેંગલુરુ સિવિલ કોર્ટમાં ઘણી મીડિયા કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિરોધીઓ દ્વારા ફેક ન્યૂઝ, ફેક વીડિયો, મોર્ફ કરેલા ફોટા પ્રસારિત થવાનો ભય છે.

રેવન્નાએ જ પહેલીવાર વીડિયો-ફોટોનો ઉલ્લેખ કર્યો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેવન્નાએ કોર્ટમાં જે લોકોનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં તેમનો પૂર્વ ડ્રાઈવર પણ સામેલ હતો. ડ્રાઈવર કાર્તિકે માર્ચ 2023માં રેવન્ના પરિવારની નોકરી છોડી દીધી હતી. જે ડ્રાઈવર તેના ઘરે ઘણા વર્ષોથી કામ કરતો હતો તેની પાસે રેવન્નાના મોબાઈલ ફોન અને અન્ય ઘણા ઉપકરણો હતા. તે પરિવારનો સભ્ય બની ગયો હતો અને તેથી ઘરના દરેકને તેના પર ઊંડો વિશ્વાસ હતો. ગત વર્ષે ડ્રાઈવર અને રેવન્ના વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ પછી તેણે નોકરી છોડીને રેવન્નાને વીડિયોને લઈને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

ડ્રાઇવરે ફરિયાદ નોંધાવી હતી

ડિસેમ્બર 2023 માં ડ્રાઇવરે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને તેને રેવન્ના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યાં હતા. ડ્રાઇવરે આરોપ લગાવ્યો હતો કે પ્રજ્વલ અને તેની માતાએ તેનું અને તેની પત્નીનું અપહરણ કર્યું હતું, કારણ કે તેઓ 13 એકર જમીન પડાવી લેવા માંગતા હતા.

શું છે આરોપો ?

 

આ સમગ્ર મામલો રેવન્નાના ઘરે કામ કરતી હાઉસ હેલ્પની પોલીસ ફરિયાદ દ્વારા સામે આવ્યો હતો. મહિલાએ એચડી રેવન્ના અને તેમના પુત્ર પ્રજ્વલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પોલીસે IPC કલમ 354 (A) (યૌન ઉત્પીડન), 354 (D) (પીછો કરવો), 506 (ધમકાવવી) અને 509 (ભાષણ અથવા હાવભાવ દ્વારા મહિલાની ગરિમાનું અપમાન) હેઠળ કેસ નોંધ્યો છે. પીડિતાના પતિ એચડી રેવન્નાની દૂધની ડેરીમાં મજૂર તરીકે કામ કરે છે. પીડિતા એચડી રેવન્નાની પત્ની ભવાનીની સંબંધી છે.

 

પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે 2019માં તેને રેવન્નાના પુત્ર સૂરજ રેવન્નાના લગ્ન દરમિયાન કામ કરવા માટે બોલાવવામાં આવી હતી. ત્યારથી તે અહીં કામ કરતી હતી. તેનો આરોપ છે કે રેવન્ના તેને રૂમમાં બોલાવતો હતો. ત્યાં વધુ છ મહિલા કર્મચારીઓ હતી. પ્રજ્વલ રેવન્નાના ઘરે આવતા તમામ મહિલાઓ ડરી જતી હતી. ઘરમાં કામ કરતા પુરૂષોને સાવચેત રહેવા કહેતા હતા.

જ્યારે રેવન્નાની પત્ની ત્યાં ન હતી ત્યારે તે તેને સ્ટોર રૂમમાં બોલાવતો હતો અને ફળ આપવાના બહાને તેને શરીર પર સ્પર્શ કરતો હતો. તેઓ સાડીની પિન કાઢી નાખતા હતા અને તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. જ્યારે મહિલાઓ રસોડામાં કામ કરતી હતી, ત્યારે પ્રજ્વલ આવીને તેમને પાછળથી ગળે લગાડતો અને પેટ પર મુક્કો મારતો હતો. મહિલાએ દાવો કર્યો છે કે પ્રજ્વલ તેની પુત્રીને વીડિયો કોલ કરતો હતો અને તેની સાથે ચેનચાળા કરવાનો પ્રયાસ કરતો હતો. જે બાદ તેમની પુત્રીએ પ્રજ્વલનો નંબર બ્લોક કરી દીધો હતો.

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલે સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં રેવન્નાની અલગ-અલગ યુવતીઓ સાથેની 200થી વધુ અશ્લીલ વીડિયો ક્લિપની માહિતી સામે આવી છે. તપાસ એજન્સીને એક પેન ડ્રાઈવ મળી આવી છે જેમાં રેવન્ના સંબંધિત અશ્લીલ વીડિયો છે. હવે જનતા દળ સેક્યુલર (JDS) એ કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch