Fri,26 April 2024,8:16 am
Print
header

President elections 2022, યશવંત સિન્હા હશે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર- Gujarat post

વાજપેયી કેબિનેટમાં વિદેશ પ્રધાન રહી ચૂક્યાં છે

ચંદ્રશેખરની કેબિનેટમાં 1990 થી જૂન 1991 સુધી નાણાં પ્રધાન તરીકે સેવા આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે.વિપક્ષ તરફથી યશવંત સિન્હા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે. આ પહેલા યશવંત સિન્હાએ ટ્વીટ કર્યું હતું કે ટીએમસીમાં મને જે સન્માન અને પ્રતિષ્ઠા આપવામાં આવી છે તેના માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હવે સમય આવી ગયો છે કે જ્યારે મોટા રાષ્ટ્રીય હેતુ માટે મારે પક્ષથી દૂર રહીને વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને ખાતરી છે કે પાર્ટી મારા પગલાંને સ્વીકારશે.

શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલ કૃષ્ણ ગાંધીએ વિપક્ષની ઓફર ઠુકરાવી હતી. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ રાષ્ટ્રપતિ પદ માટે તેમનું નામ સૂચવવા બદલ વિપક્ષી નેતાઓનો આભાર માન્યો હતો પરંતુ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી. હવે વિપક્ષે યશવંત સિન્હાને મેદાનમાં ઉતાર્યાં છે. યશવંત સિન્હા ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ નેતા પણ છે. દેશના પૂર્વ નાણાં  પ્રધાન હોવા ઉપરાંત તેઓ અટલ બિહારી વાજપેયીની કેબિનેટમાં વિદેશ પ્રધાન પણ રહી ચૂક્યાં છે.

યશવંત સિન્હા 1960 માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી હતી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યાં પછી તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું હતુ.

યશવંત સિંન્હાએ 1984માં ભારતીય વહીવટી સેવામાંથી રાજીનામું આપ્યું અને જનતા પાર્ટીના સભ્ય તરીકે સક્રિય રાજકારણમાં જોડાયા હતા. 1986માં તેઓ પક્ષના અખિલ ભારતીય મહાસચિવ તરીકે નિયુક્ત થયા હતા, 1988માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

1989 માં જનતા દળની રચના પછી તેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત થયા હતા. તેમણે ચંદ્રશેખરની કેબિનેટમાં નવેમ્બર 1990 થી જૂન 1991 સુધી નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch