Thu,02 May 2024,3:32 am
Print
header

શું GST બોગસ બિલિંગ કૌભાંડોથી CM વિજય રૂપાણી અજાણ છે ? માત્ર બદલીઓનો દેખાડો કરવાથી ટેક્સ ચોરીની રકમ વસૂલી શકાશે !

મહેશ આર પટેલ, એડિટર 

શું મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કૌભાંડથી અજાણ છે !

કેમ નથી પકડાતો કૌભાંડી નિલેશ નટુ પટેલ ?

શું માધવ કોપરના માલિકોને બચાવવાનો તખ્તો તૈયાર છે !

હવે ED ની તપાસના એંધાણ, કરોડો રૂપિયાના ખોટી રીતે ટ્રાન્જેક્શન થયા
 
અમદાવાદઃ ભાજપના રાજમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ બિલિંગના કૌભાંડોએ માજા મુકી દીધી છે. સતત કૌભાંડોનો આંકડો વધી રહ્યો છે. હાલના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો 2 હજાર કરોડ રૂપિયા કરતા પણ ઉપર જાય તો નવાઇ નહીં હોય,ભાવનગરની માધવ કોપર લિમિટેડ સહીતની અનેક કંપનીઓએ બોગસ બિલો બનાવીને સરકારમાંથી કરોડો રૂપિયાની આઇટીસી પાસ કરાવી લીધી છે. બિલ બગરનો માલ વેચવો અને માત્ર કાગળ પર ધંધો બતાવીને સરકારને ચૂનો લગાવવામાં આવી રહ્યો છે. જેમાં હવે સરકારને સારૂં બતાવવા માટે અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓ કરાઇ રહી છે, અહીં સવાલ એ છે કે માધવ કોપરનો માસ્ટર માઇન્ડ કૌભાંડી નિલેશ નટુ પટેલ હજુ પણ બહાર ફરી રહ્યો છે અને નાની માછલીઓ ફસાઇ ગઇ છે,એવી જ રીતે ઉચ્ચ અધિકારીઓ જવાબદારીમાંથી છટકીને નીચેના અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓ કરી રહ્યાં છે. જેમાં કૌભાંડીઓ સાથે ન જોડાયેલા કેટલાક કર્મચારીઓએ આક્રોશ દર્શાવીને જીએસટી વિભાગમાં રજૂઆત કરી છે કે તેમન કોઇ પણ પ્રકારના વાંક વગર કેમ બદલીઓ કરીને તેમને હેરાન કરાઇ રહ્યાં છે.

શું બદલીઓથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરીની રિકવરી થશે !

જીએસટી વિભાગમાં પહેલા એસટીઆઈ અને હવે ડીસી લેવલના અધિકારીની બદલીઓ કરી નાખવામાં આવી છે અંદાજે 50 જેટલા કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે, જેમાં કેટલાક ઇમાનદાર અધિકારીઓ પર આ કૌભાંડના છાટા ઉડ્યાં છે, જો કે અહીં સૌથી મોટો સવાલ એ છે કે માત્ર બદલીઓ કરવાથી માધવ કોપર જેવી કંપનીએ 137 કરોડ રૂપિયા ઘરભેગા કર્યાં છે તે તમામ રકમ શું હવે સરકારી તિજોરીમાં તાત્કાલિક પાછા આવશે ! કે પછી કૌભાંડનો લાભ લેવા અને 
સરકારની વાહવાહી કરવા માત્ર આ બધો દેખાડો થઇ રહ્યો છે. બીજી નોંધવા જેવી બાબત એ છે કે હજુ સુધી કરોડો રૂપિયાના કૌભાંડમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ) ની એન્ટ્રી કેમ નથી થઇ ?

કરોડો રૂપિયાનું કૌભાંડ થયું ત્યાં સુધી કમિશનર ઓફિસને ગંધ પણ ન આવી !

હાલમાં જ જીએસટી બોગસ બિલિંગના અંદાજે 2 હજાર કરોડ રૂપિયાના કૌભાંડો સામે આવ્યાં છે જેમાં સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન છે ગુજરાત પોસ્ટ ન્યૂઝે અગાઉ પણ લખ્યું હતુ કે ભાવનગર અને અલંગમાંથી બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો ચાલી રહ્યાં છે અને સ્ટેટ જીએસટી કમિશનર ઓફિસને છેક હવે કરોડો રૂપિયા ચાઉં થઇ ગયા પછી જ ખબર પડે છે ! તેનો સીધો મતલબ છે કે અમદાવાદ કમિશનર કચેરીમાં બેસતા કોઇ ઉચ્ચ અધિકારી બોગસ બિલિંગના કૌભાંડીઓને સપોર્ટ કરી રહ્યાં છે, કારણ કે આટલું મોટું કૌભાંડ થઇ જાય અને તેની ફરિયાદ બાદ જ પગલા લેવામાં આવે છે, તે માન્યામાં આવે તેમ નથી, અત્યાર સુધી કેમ આ કૌભાંડ પકડવામાં જીએસટી ઇન્ટેલિજન્સ નિષ્ફળ રહ્યું તેની વિજય રૂપાણી સરકારે તપાસ કરાવવી જરૂરી છે. કારણ કે આજે સામાન્ય વ્યક્તિ ટેક્સ ભરી રહ્યો છે અને મોટા કૌભાંડીઓ અધિકારીઓને મલાઇ ચખાડીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યાં છે. અહીં કૌભાંડો પર કૌભાંડો આવતા હવે તો વિજય રૂપાણી સરકારની છબી પણ ખરડાઇ રહી છે સત્ય સામે આવે તે જરૂરી છે.

માધવ કોપરને ખરેખર મદદ મળી ગઇ છે !

અંદાજે 137 કરોડ રૂપિયા પોતાના ખિસ્સામાં કરનાર માધવ કોપરના માસ્ટર માઇન્ડ હજુ સુધી જીએસટી વિભાગની પક્કડમાં નથી અને પક્કડમાં આવશે તો પણ બધુ ગોઠવાઇ ગયું હોવાની ચર્ચાઓ છે, સુરતના જાણીતા એક ડાયમંડના ઉદ્યોગપતિ આરોપીઓને મદદ કરી રહ્યાં હોવાની ચર્ચા છે આ ઉદ્યોગપતિનું ભાજપ સરકારમાં સારૂં ચાલે છે. જેથી સરકારના ગુનેગારો હવે બિંદાસ બની રહ્યાં છે. હાલમાં બદલીઓ માત્ર એક મોટું નાટક હોય તેવું કહી શકાય.

માધવ સાથે જોડાયેલી તમામ કંપનીઓની તપાસ ટલ્લે ચઢી જશે !

અગાઉ પણ ઇલેકટ્રો થર્મ જેવી કંપનીઓના કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી ચુક્યાં છે પણ છેલ્લે લાભ લેનારી અન્ય કંપનીઓની તપાસ જ નથી થતી અને ટેક્સ વસૂલીમાં પણ જીએસટી વિભાગ ઢીલાશ મુકી દે છે તેવી જ રીતે માધવ સાથે જોડાયેલી ભાવનગર, અલંગ, ગાંધીનગર, સુરત, અમદાવાદ અને અન્ય શહેરોની કંપનીની પુરીપુરી તપાસ થશે છે કે કેમ તે અગત્યનું છે, ચર્ચાઓ છે કે માધવાના કૌભાંડીઓને કોઇ મદદ કરે છે જેથી ટૂંક સમયમાં જ આ કૌભાંડ પણ ભૂલાવી દેવામાં આવશે અને માત્ર તેની સંપત્તિમાં હાલ પુરતી ટાંચ મુકવાના નાટકો તૈયાર થઇ રહ્યાં છે.

કરોડપતિ અધિકારીઓની ACB તપાસ આપો

મહિનાઓમાં જ અલંગ-ભાવનગરમાં નોકરી કરનારા કેટલાક અધિકારીઓ કરોડપતિ બની ગયા છે કેટલાક ટ્રાન્સપોર્ટરો અધિકારીઓને ઇનોવા જેવી લક્ઝુરીયર્સ કાર અને અન્ય સુવિધાઓ પુરી પાડી રહ્યાં છે સાથે જ તેમની સંપત્તિના પુરાવા હોવા છંતા જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ કેમ તેમના ભ્રષ્ટ કરોડપતિ  અધિકારીઓ સામો ખાતાકીય કે પછી એસીબી તપાસ નથી કરાવતા, અત્યાર સુધી બોગસ બિલિંગના હજારો કરોડના કૌભાંડો સામે આવ્યાં છે પરંતુ તેમાં છેલ્લા ફસાય છે ડોક્યુમેન્ટ આપનારા સામાન્ય લોકો, જ્યારે કૌભાંડીઓ પણ એવા માણસો ઉભા કરી દે છે જેઓ પોતાના માથે બધુ લઇને ગુનો કબૂલીને જેલમાં જતા રહેતા હોય છે.

માધવ કોપર કૌભાંડમાં સામૂહિક બદલીઓ, તો અગાઉના કૌભાંડોમાં ચૂપકીદી કેમ ?

માધવ કોપરનું કૌભાંડ સામે આવ્યાં પછી સ્ટેટ જીએસટી કમિશનર ઓફિસે અનેક કર્મચારીઓની બદલીઓ કરીને પોતાનું નાક બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે, જરૂરી વાત એ છે કે અગાઉ પણ આવા કૌભાંડો આવ્યાં છે, તો આ સમયે કેમ કોઇ યોગ્ય કડક કાર્યવાહી નથી કરાઇ અને હવે મોટા પાયે બદલીઓ થઇ રહી છે.

સીએમ વિજય રૂપાણી આ કૌભાંડથી અજાણ છે ?
 
માધવ કોપર જેવી અનેક કંપનીઓનો કૌભાંડનો આંકડો ગણીએ તો તે હજારો કરોડો રૂપિયામાં થાય છે ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કૌભાંડથી અજાણ છે ? શું સ્ટેટ જીએસટી વિભાગની ઓફિસમા વર્ષોથી મલાઇ ખાઇ રહેલા કેટલાક અધિકારીઓને ભાજપ સરકાર છાવરી રહી છે ? કૌભાંડો પર કૌભાંડ થઇ રહ્યાં છે અને ભાજપ સરકાર માત્ર બદલીઓના ઓર્ડર જોઇને માત્ર સંતોષ માની રહી છે. આખરે કેમ ઉચ્ચ કક્ષાએ કોઇ ફેરફાર નથી કરાતા તે સૌથી મોટો સવાલ છે. કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી જનતા માનનીય સંવેદનશીલ  મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વિનંતી કરીને આવા કૌભાંડો અટકાવવાની, આરોપીઓને કડક સજા કરાવવાની તથા ભ્રષ્ટ અધિકારીઓને બરતરફ કરવાની માંગ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch