Sat,27 July 2024,3:57 pm
Print
header

આજે છેલ્લા તબક્કાનું મતદાન ચાલુ, પીએમ મોદીએ લોકોને કરી ખાસ અપીલ, યોગીજીએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં આજે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તમામ તબક્કાની મતગણતરી 4 જૂને થશે. આ તબક્કામાં વારાણસી સંસદીય ક્ષેત્રમાં પણ મતદાન થઈ રહ્યું છે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે.

આ તબક્કામાં, કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ, પંજાબની તમામ 13 લોકસભા બેઠકો, હિમાચલ પ્રદેશની ચાર, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ અને ઝારખંડની ત્રણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઓડિશાની બાકીની 42 વિધાનસભા બેઠકોની ચૂંટણી અને હિમાચલ પ્રદેશની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ એક સાથે છે.

આ દિગ્ગજો મેદાનમાં છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બે કેન્દ્રીય મંત્રી આરકે સિંહ અને અનુરાગ ઠાકુર મેદાનમાં છે. આ તબક્કામાં ચાર ફિલ્મ કલાકારો મેદાનમાં છે, જેમાં કંગના રનૌત, રવિ કિશન, પવન સિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યાં છે.

પીએમ મોદીએ લોકોને કરી ખાસ અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે. X પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે મતદાન થવાનું છે. હું આ તબક્કાના તમામ મતદારોને લોકશાહીના આ મહાન તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે આપણા યુવા અને મહિલા મતદારો રેકોર્ડ સંખ્યામાં આગળ આવશે અને તેમનો મત આપશે. ચાલો આપણે સાથે મળીને આપણી લોકશાહીને વધુ ગતિશીલ બનાવીએ.

ગૃહમંત્રી અમતિ શાહે લોકોને કરી ખાસ અપીલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહે 7માં તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા રાજ્યોના મતદારોને ખાસ અપીલ કરી છે. તેમણે લોકોને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ કરી છે.

મંગળવારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સતત બીજી વખત મહિલા મતદાતાઓની સંખ્યા પુરૂષો કરતા 3 ટકા વધુ હતી. પાંચમા તબક્કામાં પણ પુરૂષો કરતાં મહિલાઓ વધુ મતદાન મથકો પર પહોંચી હતી. 25 મેના રોજ ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 58 સંસદીય મતવિસ્તારો માટે મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યાં અનુસાર, છઠ્ઠા તબક્કામાં 61.95 ટકા પુરૂષ મતદારો અને 64.95 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.

જેપી નડ્ડા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે મતદાન કર્યું

લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મતદાન કર્યું છે. લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર અને AAPના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે જલંધરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. ગોરખપુરથી ભાજપના ઉમેદવાર રવિ કિશન લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન કરવા માટે ગોરખપુરના એક મતદાન મથક પર પહોંચ્યા હતા. ગોરખપુર સીટ પર બીજેપીના રવિ કિશન, સપાના કાજલ નિષાદ અને બસપાના જાવેદ અશરફ વચ્ચે મુકાબલો છે.

બિહારમાં આ તબક્કામાં સાસારામ, નાલંદા, પટના સાહિબ, પાટલીપુત્ર, અરાહ, બક્સર, કરકટ અને જહાનાબાદમાં મતદાન છે, જ્યાં લગભગ 1.62 કરોડ મતદારો 134 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. કેન્દ્રીયમંત્રી આરકે સિંહ અરાહથી જીતની 'હેટ્રિક' બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ સાંસદ રવિશંકર પ્રસાદ પટના સાહિબથી ઉમેદવાર છે. તેઓ કોંગ્રેસના પ્રવક્તા અંશુલ અભિજીતનો સામનો કરી રહ્યાં છે. મીસા ભારતી પાટલીપુત્રમાં ત્રીજી વખત પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. બીજેપી સાંસદ રામકૃપાલ યાદવ આ સીટ પર જીતની 'હેટ્રિક' બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસાના સમાચાર છે. જાદવપુર લોકસભા હેઠળના ભાંગરમાં આજે સવારે બોમ્બ વિસ્ફોટ થયો હતો. ટીએમસી અને આઈએસએફ વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch