Sat,20 April 2024,5:46 pm
Print
header

તલમાં ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને કરે છે કંટ્રોલ

તલ ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તલના સેવનથી ગંભીર બીમારીઓનો ખતરો ઓછો થાય છે. દેશમાં સ્વાસ્થ્યની સાથે સાથે તલનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. મકરસંક્રાંતિના તહેવાર પર તલ-ગોળ અને ખીચડીનું દાન કરવામાં આવે છે. ઠંડીની ઋતુમાં શરીરને આંતરિક હૂંફ આપવા માટે તલના સેવનની ભલામણ કરાય છે. આ ઋતુમાં તલ અને ગોળથી બનેલા લાડુ ખાવાની પરંપરા રહી છે. તલના ઘણા સંભવિત સ્વાસ્થ્ય લાભો છે. તેનો ઉપયોગ હજારો વર્ષોથી લોક ચિકિત્સામાં કરવામાં આવે છે. તલ હૃદય રોગ, ડાયાબિટીસ અને સંધિવા જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડવાની સાથે પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

પાચન માટે ફાયદાકારક ફાઇબરનું પ્રમાણ

તલમાં ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. ત્રણ ચમચી (30 ગ્રામ) તલમાંથી લગભગ 3.5 ગ્રામ ફાઇબર મેળવી શકાય છે. તલના નિયમિત સેવનથી શરીરમાં ફાઇબરની માત્રા વધે છે, જે પાચન સ્વાસ્થ્ય માટે ખાસ ફાયદાકારક છે. ફાયબર તમને હૃદયરોગ, અમુક પ્રકારના કેન્સર, મેદસ્વીપણું અને ટાઇપ-2 ડાયાબિટીસના જોખમથી બચાવવામાં મદદ કરે છે. 

કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડમાં ફાયદાકારક
 
નિયમિતપણે તલ ખાવાથી કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર ઓછું કરવામાં મદદ મળી શકે છે. આ હૃદય રોગ માટેના મુખ્ય જોખમી પરિબળો છે. તલમાં 15 ટકા સેચ્યુરેટેડ ફેટ, 41 ટકા પોલીઅનસેચ્યુરેટેડ ફેટ અને 39 ટકા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. પોલીઅનસેચ્યુરેટેડ અને મોનોઅનસેચ્યુરેટેડ ચરબીવાળી વસ્તુઓનું વધુ સેવન કોલેસ્ટ્રરોલ ઘટાડીને હૃદયરોગને અટકાવી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તલ ફાયદાકારક છે

લોહીમાં શર્કરાની સમસ્યા ઓછી કરવા, ડાયાબિટીસની અન્ય જટિલતાઓ સામે રક્ષણ આપવા માટે પણ તલનું સેવન ફાયદાકારક છે. તલમાં કાર્બ્સ ઓછા પ્રમાણમાં હોય છે અને તેમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે, જે ડાયાબિટીસમાં ફાયદાકારક છે. આ બીજમાં પિનોરાસિનોલ નામનું કમ્પાઉન્ડ હોય છે જે પાચક એન્ઝાઇમ માલ્ટેઝની ક્રિયાને અવરોધીને રક્ત શર્કરાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તલ વધુ સારી રોગપ્રતિકારક શક્તિમાં મદદ કરે છે

ઈમ્યુન સિસ્ટમને વધારવામાં તલ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ઝિંક, સેલેનિયમ, કોપર, આયર્ન, વિટામિન-બી6 અને વિટામિન ઇ હોય છે. આ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ફાયદાકારક છે.તેમાં રહેલું જસત સફેદ રક્તકણોને વધારીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાને કારણે ચેપી રોગો સામે રક્ષણ મેળવવું સરળ બને છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar