Fri,26 April 2024,11:45 pm
Print
header

GST કૌભાંડ, રૂ.100 કરોડના બોગસ બિલિંગ કેસમાં અધિકારીઓની સંડોવણીની તપાસ તેજ

વર્ષોથી એક જ જગ્યાએ બેઠેલા અધિકારીઓને કારણે કૌભાંડોને વેગ મળે છે 

રૂ.100 કરોડનું GST કૌભાંડ સામે આવ્યું 

બોગસ બિલિંગ કેસમાં અધિકારીઓની સંડોવણીની તપાસ  

સુરતઃ રાજ્યમાં જીએસટીના બોગસ બિલિંગના કૌભાંડો અટકાવાનું નામ નથી લઇ રહ્યાં છે, કોરોનાની મહામારીમાં પણ બોગસ બિલોના કૌભાંડો સામે આવી રહ્યાં છે, થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં રૂપિયા 200 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં 4 લોકોની ધરપકડ થઇ છે અને હવે સુરતમાં 100 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે તપાસ તેજ બની રહી છે. આ સમગ્ર કૌભાંડ મિલિભગતથી આદરીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે.

આ કંપનીઓનાં નામ ખુલ્યાં 

આ કૌભાંડમાં ક્રિષ્ના કોર્પોરેશન, જયરાજ ટ્રેડર્સ, જીએસઆર ટ્રેડિંગ, જય એન્ટરપ્રાઇઝ, શ્રી એન્ટરપ્રાઇઝ, શિવ ટ્રેડર્સ, યશ એન્ટરપ્રાઇઝ, નવનિધિ કોર્પોરેશન, શિવમ કાર્ટિંગ, સ્વસ્તિક કોર્પોરેશન, શ્રીજી ટ્રેડિંગ, દર્શ કોર્પોરેશન, કનૈયા ટિમ્બર, માધવ સેલ્સ, અનેરી કોર્પોરેશન, શિવમ એન્ટરપ્રાઇઝ અને શિવ શક્તિ મેટલ્સ જેવી કંપનીઓના નામ સામે આવ્યાં છે અને તેની તપાસ થઇ રહી છે. 

હાલના કૌભાંડમાં ઉમંગ પટેલ નામના વ્યક્તિની મોટી સંડોવણી છે અને તેની પૂછપરછમાં અધિકારીઓના નામે સામે આવી શકે છે, આ કૌભાંડ કેટલાક અધિકારીઓની સંડોવણી સાથે કરવામાં આવ્યું હોવાની પુરેપુરી શક્યતા છે. બિલ્ડર લોબીમાં ચાલી રહેલા બોગસ બિલિંગના આ કૌભાંડમાં કેટલાક આરોપીઓએ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઇ લીધાનું જાણવા મળ્યું છે. સુરત અમદાવાદમાં અગાઉ પણ આવા બોગસ બિલિંગના કૌભાંડો સામે આવ્યાં છે અને તેમાં પણ અધિકારીઓની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતુ.

હાલમાં સુરત અને અમદાવાદમાં બોગસ બિલિંગનો રાફડો ફાટ્યો છે, મોટાભાગના કિસ્સાઓમાં અધિકારીઓની સંડોવણી ચર્ચાઇ રહી છે, પરંતુ પુરાવાના અભાવે અધિકારીઓ બચી જતા હોય છે, ભાવનગર અને અલંગના અગાઉનાં 6200 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં એક ઉચ્ચ અધિકારીની સંડોવણી સ્પષ્ટ હતી. પરંતુ ભાજપ સરકાર માત્ર બદલીઓ કરીને આડકતરી રીતે આવા કૌભાંડી અધિકારીઓને બચાવી રહી છે. 

અમે તમને જણાવી દઇએ કે બોગસ બિલિંગ કૌભાંડમાં માત્ર કાગળો પર જ બિઝનેસ થાય છે અને આરોપીઓ સરકારમાંથી આઇટીસી પાસ કરાવીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરાવે છે. ઘણા કિસ્સાઓમાં વર્ષોથી એક જ જગ્યાએ બેઠેલા અધિકારીઓને કારણે આવા કૌભાંડો અટકી રહ્યાં નથી. અમદાવાદની આશ્રમરોડ પરની જીએસટી ઓફિસમાં પણ આવા જ અધિકારીને કારણે કૌભાંડોને વેગ મળી રહ્યો છે અને તેમને સચિવાલયથી સીધું જ રક્ષણ મળી રહ્યું હોવાની ચર્ચા છે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar