Sat,27 April 2024,8:27 am
Print
header

SVPમાં ડોક્ટરો સાથે જ ભેદભાવ ? 16 વગદાર ઇન્ટર્ન ડોક્ટરોને કોવિડ ડ્યૂટી નહીં સોંપવાનો ખેલ !

ખુદ કોરોના ફાઇટર્સ ડોક્ટરોને માનસિક હેરાનગિત !

SVP હોસ્પિટલ ફરીથી વિવાદમાં

તમે વગ ધરાવતા ડોક્ટર છો તો કોરોનાના ફિલ્ડવર્કની ડ્યૂટીથી બચી શકશો ! 

ઉંચી ઓળખાણ ધરાવો છો તો તમને મળશે ડ્યૂટીની મનમાણી જગ્યા !

લગાવો ઓળખાણ !  

અમદાવાદઃ શહેરમાં આવેલી કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે, આ વખતે અહી કામ કરનારા કોરોના ફાઇટર્સ ડોક્ટરો જ ખુદ તેમના ઉચ્ચ અધિકારીઓનો શિકાર બની રહ્યાં છે. 

એનએચએલ-એસવીપીમાં વહાલાં-દવલાંની નીતિથી ઉગ્ર રોષઃવગદાર ઇન્ટર્ન ડોક્ટરોને કોવિડ ડ્યૂટી નહીં સોંપવાનો ખેલ, હોસ્પિટલ તંત્રનું ભેદી મૌન 

કોરોના મહામારીમાં દાખલ થયેલા દર્દીઓની બદતર હાલત થવા બદલ પંકાઇ ગયેલી અમદાવાદની એસવીપી હોસ્પિટલની એનએચએલ મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીને ઇન્ટર્ન ડોક્ટરોને કોવિડ ડ્યુટી સોંપવામાં અખત્યાર કરેલી વહાલાં-દવલાંની નીતિ સામે ભારે રોષ ફેલાઇ ગયો છે. કોવીડ ડ્યૂટી અંતર્ગત ફિલ્ડમાં જઇને લોકોનાં સેમ્પલ કલેક્શન ઉપરાંત હલકી ક્વોલિટીની પીપીઇ કીટ, ડ્યુટી દરમિયાન સમયસર ન અપાતાં ફૂડ પેકેટ, ડ્યુટી ઇન્સેન્ટીવ જેવા અનેક પ્રશ્ને કોલેજ મેનેજમેન્ટ સદંતર નિષ્ફળ પુરવાર થયું હોવાની વિગતો ઇન્ટર્ન ડોક્ટરોના સૂત્રોમાંથી જાણવા મળી છે.

એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ગત તારીખ 19-03-2020થી 149 જેટલા ડોક્ટરો આ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે. આ ઇન્ટર્ન ડોક્ટરોને હોસ્પિટલના જુદા-જુદા વોર્ડ, ઓફિસ વર્ક, ઓપીડી, ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ, મેડિસિન વિભાગ જેવા વિભાગોમાં ગ્રુપ બનાવી વિભિન્ન કામગીરી સોંપવામાં આવી હતી. ઉપરાંત મ્યુનિ. સંચાલિત નગરી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં પણ કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ કોરોના વાઇરસનો રોગચાળો ફેલાયા બાદ અને તેમાં પણ અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ જાહેર થયા બાદ સમગ્ર સ્થિતિ બદલાઇ ગઇ હતી અને ઇન્ટર્ન ડોક્ટરોને કોવિડની ડ્યૂટી પણ સોંપવામાં આવી હતી.

એસવીપીના સૂત્રોમાંથી મળેલી જાણકારી મુજબ 149 ઇન્ટર્ન્સનાં ગ્રુપ પાડી રોટેશન પ્રમાણે તેમને કોવિડની કામગીરી કરવાની આવી છે. જેમાં શહેરનાં સામુદાયિક હેલ્થ સેન્ટર્સ, જોધપુર, સરખેજ સહિતના વોર્ડનાં અર્બન હેલ્થ સેન્ટરોમાં જઇને તેઓ ફરજ બજાવતાં હોય છે. પરંતુ સૌથી જોખમી કામગીરી ફિલ્ડમાં જઇને કોરોનાના સંભવિત દર્દીઓને શોધીને તેમનાં સેમ્પલ્સ મેળવવાની છે. આ માટે રોજ સવારે નવ વાગ્યાની આસપાસ એસવીપી હોસ્પિટલથી ડોક્ટરોનાં ગ્રુપ પાડી તેમને સેમ્પલ્સ એકત્ર કરવા માટે સરદારનગર, અમરાઇવાડી, દૂધેશ્વર, દરિયાપુર, વટવા જેવા વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવે છે. ગત 19 માર્ચથી કોવિડની કામગીરી શરુ થઇ છે તેને લગભગ ચારેક માસનો સમય થવા આવ્યો છે, પરંતુ આ 149 ડોક્ટરો પૈકી લગભગ 16 જેટલા વગદાર ઇન્ટર્ન ડોક્ટરોના એક ગ્રુપના ભાગે આજદિન સુધી જોખમી ગણાતી કોવિડ ડ્યુટી અંતર્ગત ફિલ્ડમાં જઇને લોકોનાં સેમ્પલ એકત્ર કરવાની કામગીરી આવી જ નથી તેવા આક્ષેપો થઇ રહ્યા છે. જે 16 ઇન્ટર્ન્સને જોખમી સેમ્પલ કલેક્શનની ડ્યુટીમાંથી સિફતપૂર્વક દૂર રાખવામાં આવ્યાં છે, તેઓ વગદાર અને સંપન્ન પરિવારોનાં સંતાનો છે માટે એનએચએલ-એસવીપીના ડોક્ટર સંદીપ મલ્હાન તેમને છાવરી રહ્યાં હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. 

કોવિડ ડ્યુટી અંતર્ગત ફિલ્ડમાં જઇને સેમ્પલ કલેક્શનની જોખમી કામગીરીમાંથી છટકબારી શોધવા આ 16 ઇન્ટર્ન્સ પઢાવેલા પોપટની જેમ અગાઉથી લખાયેલી સ્ક્રીપ્ટ મુજબ નીતનવી બહાનાબાજી કોલેજ મેનેજમેન્ટ સમક્ષ રજુ કરતા હોય છે....મારાં ઘરડાં દાદીને કોરોના થયો છે...અમારા ફ્લેટમાં આજે જ કોરોનાનો કેસ આવ્યો છે...મેં ઓપરેશન કરાવ્યું છે...મને તાવ આવ્યો છે...જેવાં અનેક પ્રકારનાં જુઠ્ઠાણાં ચલાવી રહ્યા છે. જો કે, સૌથી આઘાતજનક વાત તો એ છે કે, આ હકીકતની જાણ છતાં મેડિકલ કોલેજ મેનેજમેન્ટ તરફથી આ 16 ડોક્ટરોની આવી બહાનાબાજી સ્વીકારવામાં આવી રહી છે. આ ખેલ છેલ્લા લગભગ ચારેક માસથી ચાલી રહ્યો છે. પરંતુ ઇન્ચાર્જ ડીન ડો.પ્રતીક પટેલે આ 16 ઇન્ટર્ન્સની ચાલાકી સામે રહસ્યમય રીતે મૌન ધારણ કરી લીધુ છે, આ 16 ઇન્ટર્ન્સ કોણ છે ? તેઓ ક્યા માલેતુજાર પરિવારો સાથે સંકળાયેલા છે ? ઇન્ચાર્જ ડીન ડો.પ્રતીક પટેલ શા માટે આ 16 વગદાર ઇન્ટર્ન્સને છાવરી રહ્યા છે ? તે પણ તપાસ માગી લેતો વિષય હોવાના સવાલ ઉઠી રહ્યાં છે. રાજ્યનો આરોગ્ય વિભાગ આની ઝીણવટભરી તટસ્થ તપાસ કરાવે તો કોલેજ મેનેજમેન્ટના ટોચના સત્તાધીશોના કૌભાંડ બહાર આવે તેમ હોવાનું સૂત્રોનું માનવું છે. 

બીજી તરફ જીવના જોખમે રોજે-રોજ ફિલ્ડમાં જઇને કોવિડ ડ્યુટી નિભાવી રહેલા બાકીના 133 ઇન્ટર્ન્સ ડોક્ટરોની ધીરજ કોલેજ મેનેજમેન્ટના આ અન્યાયી અને જોહુકમીભર્યા વલણ સામે ખૂટી પડી છે. પરંતુ તેઓ સામાન્ય પરિવારોમાંથી આવે છે. કોલેજ મેનેજમેન્ટની અન્યાયી બાબતનો પણ ખૂલીને વિરોધ કરવાનું શું પરિણામ આવે તેનાથી તેઓ સારી રીતે વાકેફ છે. આથી તેઓ જાહેરમાં આવી રહ્યાં નથી. પરંતુ તેમનામાં ઉકળી રહેલો ચરુ જ્યારે જ્વાળામુખીના વિસ્ફોટની જેમ ફાટશે ત્યારે ઇન્ચાર્જ ડીન ડો.પ્રતિક પટેલ, ડો.સંદીપ મલ્હાન (સુપ્રિટેન્ડેન્ટ) અને અને કોલેજ મેનેજમેન્ટે જવાબ આપવા ભારે પડી જશે તેવી શક્યતાઓ પણ જોવાઇ રહી છે.

સૂત્રો મુજબ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઇને દરેક ઇન્ટર્ન રોજના લગભગ 30થી 50 સેમ્પલ્સ એકત્ર કરતા હોય છે. નિયમ મુજબ, સેમ્પલ કલેક્શન સમયે દરેક ઇન્ટર્નની સાથે બે નર્સિંગ સ્ટાફ હોવો જરુરી છે. પરંતુ આ નિયમનો પણ છડેચોક ભંગ થઇ રહ્યો છે. ઘણીવાર નર્સિંગ સ્ટાફ જ અપાતો નથી. જેથી ઇન્ટર્ન ડોક્ટરે આ કામગીરી પોતે એકલાએ બજાવવાની આવે છે. આવા સમયે કોરોનાનો ચેપ લાગી જવાનું જોખમ સૌથી વધુ હોય છે. ભલે તેઓ સામાન્ય પરિવારોમાંથી આવતા હોય પરંતુ તેઓ પણ કોઇના લાડકવાયા તો છે જ. ત્યારે આવી માનવીય સંવેદના પણ કોલેજ મેનેજમેન્ટે નેવે મુકી દીધી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. તેમને પીપીઇ શૂટ પણ હલકી કક્ષાના આપવામાં આવે છે. ઘણીવાર શૂટની ઝીપ પણ તૂટી ગયેલી હોય છે. તેમને અપાતા એન 95 માસ્કમાંથી દૂર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. સેમ્પલ કલેક્શન માટે સવારના નવ વાગ્યાથી જોતરાયેલા આ ઇન્ટર્ન્સને સમયસર ફૂડપેકેટ પણ મળતાં ન હોવાની માહિતી જાણવા મળી છે. કોરોના વોરિયર્સ સાથે આવો ભેદભાવ શા માટે થઇ રહ્યો છે તે વાત સામાન્ય લોકોની સમજની બહાર છે.

ગુજરાત સરકારે ઇન્ટર્ન ડોક્ટરો માટે 25 હજાર રુપિયાનું માસિક ડ્યુટી ઇન્સેન્ટિવ નક્કી કરી ફાળવી પણ દીધું છે, પરંતુ એનએચએલ મેડિકલ કોલેજ મેનેજમેન્ટના ટોચના સત્તાધીશોની ઢીલી નીતિના પરિણામે આજદિન સુધી ડોક્ટરોના ખાતામાં ઇન્સેન્ટિવનાં પૈસા જમા થયા નથી તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
એલજી, સોલા સિવિલ તેમજ બી.જે. મેડિકલ કોલેજમાં ડ્યુટી નક્કી કર્યાં પછી બે મહિને રોટેશન પ્રમાણે ફરજ બજાવવાની આવતી હોય છે, પરંતુ એનએચએલ મેડિકલ કોલેજ મેનેજમેન્ટની અન્યાયી નીતિના પરિણામે આ ઇન્ટર્ન ડોક્ટરોના ભાગે સતત કામગીરી રહ્યાં કરે છે. જ્યારે કેટલાક વગદાર ડોક્ટરો કોલેજના ટોચના સત્તાધીશો સાથે સેટિંગ કરીને આવી કામગીરીમાંથી આજદિન સુધી છટકતા આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 149 ઇન્ટર્ન પૈકી કેટલાએ ફિલ્ડમાં જઇને સેમ્પલ કલેક્શનની કોવિડ ડ્યુટી બજાવી છે અને કોને કોને આવી જોખમી કામગીરીમાંથી શા માટે મુક્તિ આપવામાં આવી છે તેની તટસ્થ તપાસ થાય તો તેનો રેલો મેડિકલ કોલેજ મેનેજમેન્ટના ટોચના સત્તાધીશો સુધી પહોંચે તેમ હોવાનું સૂત્રોનું માનવું છે.

આ બાબતે જ્યારે એનએચએલ-એસવીપી હોસ્પિટલના ઇન્ચાર્જ ડીન ડો. પ્રતીક પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ડો.મલ્હાન સાથે વાત કરવા જણાવ્યું હતુ, ડો.મલ્હાન સાથે ટેલિફોનીક સંપર્ક કરતા તેમને ગલ્લાતલ્લા કર્યાં હતા અને ઉડાઉ જવાબ આપ્યો હતો. આવી વાતો ફોન પર નહીં થાય તેમ કહીને ફોન મુકી દીધો હતો. પોલ ખુલી જવાના ડરથી એસવીપી તંત્ર છેલ્લા 4 મહિનાનું ડોક્ટરોનું ડ્યૂટીનું લિસ્ટ આપવા પણ તૈયાર નથી.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar