Sat,27 April 2024,9:11 am
Print
header

સુરત બાદ અમદાવાદમાં પણ BRTSનો કહેર, અકસ્માતમાં 2 સગા ભાઇઓનાં મોતથી લોકોમાં આક્રોશ

અમદાવાદ: સુરતમાં ત્રણ લોકોનાં મોત બાદ BRTSએ અમદાવાદમાં પણ અકસ્માત સર્જ્યો છે, શહેરના પાંજરાપોળ વિસ્તારમાં BRTSએ 2 સગાં ભાઇઓને અડફેટે લીધા અને બંનેના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે, બંને ભાઇઓ બાઇક પર નોકરી જઇ રહ્યાં હતા ત્યારે BRTSના ડ્રાઇવરે તેમના પર બસ ચઢાવી દીધી હતી અને તે બસ મુકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો અહી ભેગા થઇ ગયા હતા, આવા બેફામ ડ્રાઇવિંગ કરનારાઓનો વિરોધ નોંધાવ્યો હતો, લોકોએ BRTS બસ પર પથ્થરમારો કર્યો હતો, નજરે જોનારા લોકોએ જણાવ્યું કે બાઇક પર બંને ભાઇઓ જઇ રહ્યાં હતા ત્યારે BRTSનો ડ્રાઇવર બેફામ રીતે સિગ્નલ તોડીને જઇ રહ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો.

હીરાભાઇ રામનો 26 વર્ષીય મોટો પુત્ર નયન રામ તાલાળા ICICI બેંકમાં નોકરી કરતો હતો, તેને તાલીમ હોવાથી તે અહીયા આવ્યો હતો, નાનો પુત્ર જયેશ રામ ગાંધીનગર સચિવાલયમાં મહિલા અને બાળ વિભાગમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે, જયેશના પત્ની દાણીલીમડા ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે, ત્યારે આ અકસ્માતને કારણે બંને ભાઇઓના પરિવાર પર આફત આવી પડી છે, જનતા દ્વારા પણ માંગ કરાઇ છે કે જવાબદાર ડ્રાઇવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

નોંધનિય છે કે ગઇકાલે સુરતમાં BRTS બસે એક પરિવારને અકસ્માત કર્યો હતો,જેમાં એક વ્યક્તિ, તેમનો પુત્ર અને ભત્રીજાનું મોત થઇ ગયું છે, અને આજે પણ આવી જ ઘટના અમદાવાદમાં બની છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar