Sat,27 July 2024,11:11 am
Print
header

ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જર હત્યા કેસઃ કેનેડા પોલીસે ચોથા ભારતીય સંદિગ્ધની કરી ધરપકડ

ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં નવી માહિતી સામે આવી છે. કેનેડા પોલીસે આ કેસમાં ચોથા શંકાસ્પદની ધરપકડ કરી છે. કેનેડા સ્થિત સીબીસી ન્યૂઝના અહેવાલને ટાંકીને આ માહિતી બહાર આવી છે. નોંધનીય છે કે નિજ્જરની 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી.

આરોપીની ઓળખ થઈ હતી

આરોપીની ઓળખ 22 વર્ષીય અમનદીપ સિંહ તરીકે થઈ છે. બ્રિટિશ કોલંબિયામાં ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (આઈએચઆઈટી) અનુસાર અમનદીપ સિંહ પહેલાથી જ ઓન્ટારિયોમાં પોલીસ કસ્ટડીમાં હતો. IHIT એ પુરાવા એકત્ર કર્યાં છે અને અમનદીપ સિંહ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ લગાવવા માટે પૂરતી માહિતી મેળવી છે.

અમનદીપ સિંહ એક ભારતીય નાગરિક છે જે કેનેડામાં બ્રેમ્પટન, ઓન્ટારિયો, સરે, બ્રિટિશ કોલંબિયા અને એબોટ્સફોર્ડમાં પોતાનો સમય વિતાવે છે. તપાસકર્તાઓએ ચાલી રહેલી તપાસ અને કોર્ટ પ્રક્રિયાઓને ટાંકીને ધરપકડની વધુ વિગતો જાહેર કરી નથી. કેનેડિયન પોલીસે એડમોન્ટનમાં ત્રણ ભારતીય નાગરિકો કરણ બ્રાર, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કર્યાંના દિવસો બાદ આ વાત સામે આવી છે. ત્રણેય સામે હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે હરદીપ સિંહ નિજ્જરને 2020માં ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી જાહેર કર્યો હતો. ગયા વર્ષે જૂનમાં સરેમાં ગુરુદ્વારામાંથી બહાર આવતાં જ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર કેનેડાની ધરતી પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતે આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યાં હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર કેનેડા આ હત્યા પર પોતાનો દાવો સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરી શક્યું નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch