Sat,18 May 2024,4:16 pm
Print
header

Part- 1 ગુજરાતમાં GST ની બોગસ પેઢીઓનો રાફડો ફાટ્યો, કૌભાંડોમાં દેશમાં ગુજરાત નંબર-2 પર આવી ગયું, ભાજપના માનીતા અધિકારીઓને કારણે આ શક્ય બન્યું !!

(સ્ટોરીઃ મહેશ.R પટેલ)

અમદાવાદઃ કેન્દ્ર સરકારે સ્વીકારવું પડ્યું છે કે ગુજરાતમાં જીએસટીની બોગસ પેઢીઓનો રાફડો ફાટ્યો છે, કરોડો રૂપિયાની બોગસ આઇટીસી જઇ રહી છે, હવે દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ બોગસ પેઢીઓ ગુજરાતમાં છે, આપણું ગુજરાત કૌભાંડોમાં નંબર-2 પર પહોંચી ગયું છે, હજારો કરોડ રૂપિયાના ગેરકાયદેસર ટ્રાન્જેક્શન ગુજરાતમાં થઇ રહ્યાં છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ આ મામલે લાચાર દેખાઇ રહી છે.

હવે જીએસટી કૌભાંડોમાં ગુજરાત નંબર-2 પર

સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં જીએસટી ગેરરીતિના 2589 કેસો સામે આવ્યાં છે, મહારાષ્ટ્ર આ બાબતે 2716 કેસો સાથે નંબર-1 પર છે, 1123 કેસો સાથે હરિયાણા ત્રીજી નંબર પર છે, ચોથા નંબર પર 1098 કેસો સાથે પશ્વિમ બંગાળ છે, દેશમાં જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓએ 18000 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખાના કેસ શોધી કાઢ્યાં છે.

AI ટુલ્સનો ઉપયોગ કરીને ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓને પણ પકડવા જોઇએ !!

કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં બોગસ પેઢીઓ અને આઇટીસી પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સરકારને નુકસાન કરતી બોગસ પેઢીઓ શોધીને આરોપીઓને ઝડપી પાડવા માટે AI ટુલ્સનો ઉપયોગ વધારવા કહેવામાં આવ્યું છે, જો કે AI ટુલ્સને કારણે ગુજરાતમાં ઘણી બોગસ પેઢીઓનો પર્દાફાશ થયો છે, પરંતુ ગુજરાતમાં ખાસ કરીને સ્ટેટ જીએસટીના ઉચ્ચ અધિકારીઓના કૌભાંડીઓ સાથે સંબંધ મામલે પણ AI ટુલ્સનો ઉપયોગ કરવા કહેવું જોઇએ. કારણ કે હજારો કરોડોના કૌભાંડો મિલિભગત સિવાય શક્ય નથી.
 
થોડા જ સમયમાં ભાજપના માનીતા અધિકારીઓનાં રાજમાં કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી ચોરી લેવામાં આવ્યાં છે અને આ અધિકારીઓ તમાશો જોતા રહ્યાં છે, બોગસ પેઢીઓ પકડાઇ તો માસ્ટર માઇન્ડ ગુમ, ઘણા કેસોમાં ઉંડી તપાસ ન કરવા માટે લાંચ લેવામાં આવતી હોવાના અનેક આક્ષેપો થયા છે.અધિકારીઓ કૌભાંડીઓની કતપુતળી બની ગયા હોવાનું કેટલાક ઇમાનદાર અધિકારીઓ જણાવી રહ્યાં છે, જેઓ ઓફિસમાં કામ કરતા હોવા છંતા આ બધું જોવા લાચાર બની ગયા છે.

શું અધિકારીઓની મિલિભગત વગર હજારો કરોડ રૂપિયાના કૌભાંડો શક્ય છે ??

સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં આટલી બધી બોગસ પેઢીઓ કંઇ રીતે બની ગઇ ?? પેઢીનો નંબર આપતા પહેલા ખુદ જીએસટીના અધિકારીઓ-કર્મચારીઓએ સ્થળ પર જઇને તપાસ કરવાની હોય છે, તમામ વેરિફિકેશન કરવાનું હોય છે તેમ છંતા 2-5 હજાર રૂપિયામાં કૌભાંડીઓ પેઢીઓ બનાવી નાખે છે, ભ્રષ્ટાચારીઓ નાની રકમથી ખુશ થાય છે અને આટલી નાની રકમથી કરોડો રૂપિયાના કૌભાંડો થઇ જાય છે, સ્ટેટ જીએસટીમાં વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા અધિકારી જ ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારને છેતરી રહ્યાં છે, કૌભાંડોના મોટા આંકડાઓની માયાજાળમાં ગુજરાત સરકાર ફસાઇ ગઇ છે, ટેક્સ રિકવરી શું તે સૌથી મોટો પ્રશ્ન છે ?? અધિકારીઓ કૌભાંડીઓ પાસેથી રિકવરી કરવામાં નિષ્ફળ દેખાઇ રહ્યાં છે

સ્ટેટ જીએસટી વિભાગમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની દખલગીરી જરૂરી

ગુજરાતમાં બોગસ પેઢીઓ થકી સરકારી તિજોરી ખાલી કરાઇ રહી છે, કૌભાંડીઓ કોઇ મદદ વગર આટલા મોટા કૌભાંડો કરી નાખે છે અને મહિનાઓ પછી તે પેઢીઓ પકડાય છે, આ વાત તમારા પણ માન્યામાં નહીં આવે, આરોપીઓ પકડાય છે અને થોડા સમયમાં જામીન પર જેલની બહાર આવીને ફરીથી આવા જ ધંધા શરૂ કરી દે છે, કોઇ પણ કૌભાંડ આટલી સરળતાથી થઇ જાય તે માનવામાં આવતું નથી, ભાજપ સરકારે આ મામલે સીટની રચના કરવી જોઇએ અને ભ્રષ્ટ ભાગીદારીઓ કરીને બેઠેલા અધિકારીઓને હટાવવા જોઇએ.

હાલમાં જ નારોલના એક કેસમાં ઉંડી તપાસ ન કરવા ખેલ પાડી દેવાયો હોવાની ચર્ચા

હાલમાં જ નારોલના એક બોગસ બિલિંગ કેસમાં કેટલાક વ્યક્તિઓને પૂછપરછ માટે જીએસટી વિભાગના અધિકારીએ બોલાવ્યાં હતા અને આ કૌભાંડમાં બિલ લેનારાઓની તપાસ રોકી દેવા અથવા આડા રસ્તે ચઢાવી દેવા એક મોટી ડિલ થઇ હોવાની ચર્ચાઓ થઇ રહી છે, આવા તો અનેક કેસ છે જે દબાઇ જાય છે અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, તપાસના નામે ઓફિસ બોલાવીને કૌભાંડીઓ પાસેથી પૈસા ખંખેરી લેવામાં આવે છે, જ્યારે સરકારી તિજોરીમાં કંઇ જ નથી આવતું.

શું જીએસટી કૌભાંડોમાં અધિકારીઓની ભાગીદારીની ચર્ચાઓ સાચી છે ??

ગુજરાત પોસ્ટ ન્યૂઝ પાસે કેટલાક સંદિગ્ધ કૌભાંડીઓની માહિતી છે, જેઓએ અધિકારીઓની સાથે મિલીભગતથી કરોડો રૂપિયાના કૌભાંડો કરી નાખ્યાં હોવાની ચર્ચાઓ છે, કેટલાક કૌભાંડીઓ જેલમાં પણ જઇને આવ્યાં છે, તેમ છંતા જીએસટી બોગસ બિલોના કૌભાંડો અટકતા નથી, જો ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર ઇચ્છે છે તો તેમને આ તમામ પુરાવા આપવા અમે તૈયાર છીએ, પરંતુ જો સરકાર આ ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલા ભરવાની ખાતરી આપતી હોય તો જ આ શક્ય છે.

જીએસટી મોબાઇલ સ્ક્વોર્ડના ભ્રષ્ટાચારમાં આશ્રમ રોડ પરની ઓફિસના અધિકારીઓની સ્પષ્ટ સંડોવણી

રાજ્યમાં રોજની કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઇ રહી હોવાનો અંદાજ છે, બિલ વગર અથવા ખોટા બિલોને આધારે વાહનોમાં કરોડો રૂપિયાના માલની હેરાફેરી થઇ રહી છે, ખાસ કરીને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ગેરકાયદેસર રીતે માલની હેરાફેરી થાય છે, જેમાં તમાકુ, સોપારી, ગુટખામાં મોટા પાયે ટેકસ ચોરી થઇ રહી છે, ભાવનગર, વિજાપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ જેવા શહેરોમાંથી બિલ વગર લોખંડના સળિયાની ગાડીઓની અવર જવર વધી છે, આ બધા કૌભાંડોમાં આશ્રમ રોડ પર આવેલી સ્ટેટ જીએસટી ઓફિસના કેટલાક અધિકારીઓની સંડોવણીની ચર્ચાઓ છે, એક કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે જો અમે દિલ્હીના કોઇ ગુટખાવાળાની ગાડીને પકડીએ છીએ તો અમારા  સિનિયરનો ફોન આવી જાય છે, અમારા ગાડી છોડવી પડે છે. આવા તો અનેક કિસ્સા છે જેમાં અમદાવાદમાં બેઠેલા અધિકારીઓ મલાઇ ખાઇ રહ્યાં છે.

ટાઇલ્સની ગાડીઓમાં પણ મલાઇ ખાધી

થોડા સમય પહેલા એક અધિકારીની બદલી થઇ છે, જેમને શામળાજી બોર્ડર પર ટાઇલ્સની ગાડીઓમાંથી બહુ મલાઇ ખાધી છે, તેમને ટાઇલ્સના મોટા વેપારીઓની સેવા પણ ફરી છે, જો કોઇ નીચેનો કર્મચારી ટાઇલ્સની બિલ બગરની ગાડી પકડતો હતો, તો તેના પર થોડી જ વારમાં ફોન આવી જતો હતો, ન છૂટકે ગાડી છોડવી પડતી હતી, આવી જ રીતે શામળાજી બોર્ડર પર પાનમસાલા, ગુટખાના પણ હપ્તા ભ્રષ્ટ અધિકારીઓ ખાઇ રહ્યાં જ છે. ગુજરાત પોસ્ટ ન્યૂઝ પાસે કેટલાક ટ્રાન્સપોર્ટરોની માહિતી છે કે જેઓ આ હપ્તાખોરીને પ્રોત્સાહન આપે છે. જેને લઇને ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ કરવામાં આવશે. સંડોવાયેલા અધિકારીઓ, ટ્રાન્સપોર્ટરો અને દલાલોના નામ ખુલ્લા પાડવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch