Sat,17 October 2026,5:46 am
Print
header

રાજકોટ- અમદાવાદમાં હાઈટેક કૌભાંડ: લોનના નામે ખેડૂતોની જમીન પચાવી પાડતું કોલ સેન્ટર ઝડપાયું

  • Published By
  • 2026-09-26 17:56:05
  • /
  • સાટાખતના નામે જમીનનો દસ્તાવેજ કરાવીને રૂ. 1.07 કરોડ પડાવ્યાં
  • 14 મહિલા કર્મચારીઓ સ્ક્રિપ્ટ વાંચી ખેડૂતોને ફસાવતી હતી
  • અમદાવાદમાં પણ દરોડા, 8 જિલ્લાના 32 ખેડૂતોના દસ્તાવેજો જપ્ત

રાજકોટઃ જિલ્લા પોલીસે ખેડૂતોને સરળતાથી એગ્રીકલ્ચરલ લોન આપવાની લાલચ આપીને તેમની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના  ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ અને અમદાવાદમાં ધમધમતા હાઈટેક કોલ સેન્ટરો પર દરોડા પાડીને પોલીસે મુખ્ય સૂત્રધાર અલ્પેશ ગોપાલભાઈ દોંગાને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યાં મુજબ, સરપદડ ગામના એક નાણાંભીડ ભોગવતા ખેડૂતને વચેટીયા હિરેન લુણાગરીયા મારફતે અલ્પેશ દોંગા પાસે મોકલવામાં આવ્યાં હતા. આરોપીઓએ ખેડૂતની 9 વીઘા જમીન પર સાટાખતના બહાને પડધરી સબ- રજિસ્ટ્રાર કચેરીએ સંપૂર્ણ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. ખેડૂતને રૂ. 5.50 લાખ આપ્યાં બાદ તરત જ રૂ.50,000 એડવાન્સ વ્યાજ પેટે વસૂલી માસિક 5% વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. બાદમાં દસ્તાવેજ રદ કરવાના બદલે જાનથી મારી નાખવાની તેમજ લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદોની ધમકી આપી ખેડૂત પાસેથી કુલ રૂ. 1.07 કરોડ પડાવી લીધા હતા.

પડધરી પોલીસે બાતમીને આધારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર બિલ્ડિંગમાં દરોડા કર્યાં હતા.ત્યાં કાચના કેબિનવાળી એક ઓફિસમાં 14 મહિલા કર્મચારીઓ ખાસ તૈયાર કરાયેલી સ્ક્રિપ્ટ વાંચી ખેડૂતોને ફોન પર વિશ્વાસમાં લેતી હતી. આ ટેલિકોલર્સ સાચા નામ છુપાવી બાલાજી લોન કે ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના નામે ખેડૂતોને 7/12 પર રૂ. 2 કરોડ સુધીની લોન આપવાનું કહીને જાળમાં ફસાવતી હતી. આ સમગ્ર કામગીરીનું સંચાલન ટ્રસ્ટ નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા થતું હતું.

ટોળકી અમદાવાદના ગોતા-જગતપુર ખાતે ગણેશ ગ્લોરી બિલ્ડિંગમાં પણ સમાન કોલ સેન્ટર ચલાવતી હોવાનું ખુલતા ત્યાંથી મોબાઈલ, કોમ્પ્યુટર અને રોકડ સહિત રૂ.1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તપાસ દરમિયાન રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણાના 32 જેટલા ખેડૂતોના 7/12, 8-અ, બોજા પત્રક, સહી વાળા 25 કોરા ચેક તેમજ ‘શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ’ની પ્રચાર પત્રિકાઓ મળી આવી છે.

મુખ્ય આરોપી અલ્પેશ દોંગા સામે અગાઉ રાજકોટ, ગોંડલ, જેતપુર, મેટોડા અને પડધરી પોલીસ મથકોમાં વ્યાજખોરી, ગેરકાયદે નાણાં ધીરધાર, આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ધાકધમકી જેવા 13 ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. અન્ય આરોપીઓ અક્ષીત અકબરી અને પીયૂષ વીરડીયા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ સાયબર નિષ્ણાતો દ્વારા વોટ્સએપ ડેટા અને કાગળોની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch