Sat,17 October 2026,5:53 am
Print
header

ગુજરાત ભાજપના આ સાંસદે ગરબામાં માત્ર સનાતનીઓને જ પ્રવેશ આપવા પોલીસ કમિશનરને લખ્યો પત્ર

  • Published By
  • 2026-09-30 16:52:07
  • /

સુરતઃ નવરાત્રીના પાવન પર્વની શરૂઆત સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ‘રેન્ટ એ પાર્ટનર’ (ગરબા પાર્ટનર ભાડે આપવા) નામની એક સંદિગ્ધ પોસ્ટને કારણે વિવાદ ઊભો થયો છે. આ મામલે સુરતના સાંસદ મુકેશ દલાલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ પોસ્ટ પાછળ અન્ય ધર્મના લોકો દ્વારા સનાતન ધર્મની યુવતીઓને ફસાવવાનું મોટું ગુનાહિત કાવતરું હોવાની આશંકા દર્શાવી છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા તેમણે પોલીસ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાંસદ મુકેશ દલાલે પોલીસ કમિશનરને પત્ર લખીને આ પોસ્ટ ચલાવનારા તત્વો, તેમની પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો અને તેમના વાસ્તવિક ઇરાદાને શોધી કાઢીને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે તેમણે હિન્દુ સમાજના યુવક-યુવતીઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતી આવી લોભામણી જાહેરાતોથી દૂર રહે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડીમાં ન ફસાય.

નવરાત્રી ગ્રાઉન્ડમાં પ્રવેશ અંગે સાંસદે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ગરબા રમવા આવતા તમામ ખેલૈયાઓની ઓળખ (આઈડી કાર્ડ) ચકાસવી એ ગરબા આયોજકોની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે. યોગ્ય ઓળખ ચકાસણી બાદ માત્ર અને માત્ર સનાતન ધર્મના લોકોને જ ગરબા પંડાલમાં પ્રવેશ મળવો જોઈએ.

ઓર્કેસ્ટ્રામાં અન્ય ધર્મના કલાકારો રાખવા અંગેના વિરોધ પર તેમણે જણાવ્યું કે, આયોજકોએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અને જો ઓર્કેસ્ટ્રામાં પણ અન્ય ધર્મના લોકો ન હોય તો તે વધુ યોગ્ય રહેશે. ખેલૈયાઓમાં કોઈ અન્ય ધર્મી ન ઘૂસે તેની તકેદારી રાખવી અનિવાર્ય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch