Wed,19 February 2025,8:02 pm
Print
header

BZ કૌભાંડમાં શાળાના આચાર્યની ધરપકડ, 1 કરોડ રૂપિયાનું કમિશન અને મર્સિડિઝ કાર મળી હતી

સાબરકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ BZ કૌભાંડમાં એક પછી એક આરોપીઓની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. આ કેસમાં મોડાસા તાલુકાના ભેમાપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે કામ કરતા અને બીઝેડ ગ્રુપના સૌથી મોટા એજન્ટ વિનોદ પટેલની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. 

BZ ગ્રુપના મુખ્ય એજન્ટ તરીકેની ભૂમિકા ભજવનાર આચાર્યની સંડોવણી બહાર આવતાં સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડમાં આરોપી વિનોદ પટેલે મોડાસામાં BZની ફ્રેન્ચાઈઝી લીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રૂ.1 કરોડનું કમિશન અને મર્સિડીઝ કાર

ફ્રેન્ચાઇઝી દ્વારા 1300 રોકાણકારોને BZ ફાયનાન્સિયલ સર્વિસિસની મોડાસા શાખામાં અંદાજે 70 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતુ, તેના બદલામાં ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વિનોદ પટેલને એક કરોડ રૂપિયાનું કમિશન અને મર્સિડીઝ કાર આપવામાં આવી હતી. BZ કૌભાંડમાં CIDએ અત્યાર સુધીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે.

આ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ અલગ-અલગ વેબસાઈટ બનાવીને પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી અને 11232 રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જેમાંથી 6866 લોકોને કુલ 172.59 કરોડ રૂપિયા ચૂકવાયા નથી.

આ કેસની તપાસ કરી રહેલી CID ક્રાઈમની ટીમે મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે કામ કરતા વિનોદ પટેલની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પકડાયેલ આરોપી પોતે આચાર્ય અને શિક્ષક હોવાથી અરવલ્લી અને સાબરકાંઠાના અનેક શિક્ષકો તેના સંપર્કમાં હતા.

ઘણા નિવૃત અને કાર્યકારી શિક્ષકોએ તેમની સુવિધા અને વ્યવસ્થા મુજબ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. અત્યાર સુધી આરોપી વિનોદ પટેલે BZની મોડાસા શાખામાં રૂ. 70 કરોડનું રોકાણ કર્યું છે. હાલ આચાર્ય વિનોદ પટેલની ધરપકડ થતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક શિક્ષકો લાંબી રજા લઈને ફરાર થઈ ગયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch