Sat,13 June 2026,2:18 pm
Print
header

વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ

  • Published By
  • 2026-05-08 16:55:04
  • /

(demo pic)

વડોદરા: ગોત્રી રોડ વિસ્તારના વતની અને હાલ યુકે સ્થાયી થયેલી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને આર્થિક છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદીના લગ્ન વર્ષ 1999માં શાર્દૂલ અરવિંદભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં સાસરીમાં નાની-નાની બાબતોમાં ઝઘડા કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વર્ષ 2004માં તેઓ ડિપેન્ડન્ટ વિઝા પર પતિ સાથે યુકે ગયા હતા.

ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ, વર્ષ 2005થી 2007 દરમિયાન પતિ કોઈ કામ કરતા ન હતા. આ સમયગાળામાં અવનીબેને મજૂરી કરી જે કમાણી કરી હતી, તેમાંથી આશરે 75,000 પાઉન્ડ (ભારતીય રૂપિયા મુજબ અંદાજે 77 લાખથી વધુ) પતિએ ખર્ચી નાખ્યાં હતા.

જ્યારે અવનીબેને આ આર્થિક બાબતે વિરોધ કર્યો, ત્યારે પતિ દ્વારા તેમને લાફા-ગડદાપાટુનો માર મારવામાં આવતો હતો. વર્ષ 2014માં પતિ પત્ની અને પુત્રને મૂકીને એકલા કેનેડા રહેવા જતા રહ્યાં હતા.

અવનીબેન જ્યારે વર્ષ 2019માં ભારત આવ્યાં ત્યારે પણ વિવાદ હતો. પતિએ તેમને છૂટાછેડા લેવા માટે દબાણ કરી મારઝૂડ કરી હતી. આટલું જ નહીં, સાસરી પક્ષ દ્વારા લગ્ન સમયે આપેલું દહેજ અને કિંમતી દાગીના પણ પરત આપવામાં આવ્યાં નથી.

વારંવારના ત્રાસ અને આર્થિક પાયમાલીને કારણે અવનીબેન ડિપ્રેશનમાં આવી ગયા હતા. અંતે તેમણે હિંમત કરી પતિ શાર્દૂલ પટેલ અને સાસુ સરીયુબેન પટેલ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દહેજની માંગણી અને ત્રાસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch