Thu,25 April 2024,5:52 am
Print
header

રાજકોટમાં ખોટા દસ્તાવેજ બનાવીને કરોડોની સરકારી જમીન બારોબાર વેચી મારી, લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી 2ની ધરપકડ

રાજકોટ: મોટા મવાના જમીન કૌભાંડમાં કરોડો રૂપિયાની કિમતી જમીન બોગસ દસ્તાવેજો બનાવીને હડપ કરવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું માલુમ પડતા કલેકટર તંત્ર દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી હતી, જેમાં તાલુકા મામલતદારે ફરિયાદી બનીને બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ એક ખેડૂત દ્વારા કરેલી અરજીની તપાસમાં સરકારી જગ્યા વેંચી નાખી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અશ્વિન પરસાણા નામના વ્યક્તિએ લેખિતમાં અરજી કરી હતી કે રાજકોટમાં મોટા મોવા ગામના સર્વે નંબર 135 પૈકી એકની જમીન જે સરકારી ખરાબો છે તે તેમને વેચવામાં આવી છે. જેવી અરજી કલેકટરને આપી હતી કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં સરકારી જમીનના બોગસ ડોક્યુમેન્ટ બનાવી વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું.

સમગ્ર રિપોર્ટને આધારે કલેકટર દ્વારા પોલીસને વધુ તપાસ કરવાનું જણાવ્યું હતું અને તેને આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. મોટા મવામાં જે સરકારી ખરાબાની જમીન આવેલી હતી. તેના ઉપર આરોપીઓએ કોઈનો પ્રત્યક્ષ કબજો કે માલિકી હક ન હતો અને કાયદેસરના અધિકાર વગર સરકારના નામે મહેસુલી વિભાગ, કલેકટર, મામલતદારના ખોટા સહી સિક્કા વાળા દસ્તાવેજો ઉભા કરી ફરિયાદીને સાચા દસ્તાવેજ વાળા બતાવી ફરિયાદી પાસેથી રૂ. 73 લાખ જેટલી માતબર રકમ લીધી હતી. જોકે સમગ્ર મામલે ફરિયાદીને શંકા જતા તેને કલેકટરને અરજી આપી હતી.

મામલતદારે સમગ્ર તપાસ કરી હતી જે બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે નિવૃત એસટી ડ્રાઈવર બહાદુરસિંહ અને ગેરેજ સંચાલક કેતન વોરાની ધરપકડ કરી છે. પોલીસે ખોટા દસ્તાવેજો કઈ રીતે બનાવ્યાં અને ખોટા સહી સિક્કા ક્યાં કરાવ્યાં તેમજ જમીન વેચાણમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar