Sat,14 March 2026,2:14 am
Print
header

Acb ટ્રેપઃ 15 લાખ રૂપિયાની લાંચના કેસમાં સુરત પાલિકાના ભ્રષ્ટ ઇજનેર અને પત્રકાર સામે કાર્યવાહી

  • Published By Mahesh patel
  • 2026-02-20 13:28:42
  • /
સુરતઃ મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ ગોઠવેલી ટ્રેપમાં લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વતી લાંચ સ્વીકારતા એક પત્રકાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
 
એક જાગૃત નાગરિકના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 134-135 પરના બાંધકામ સામે પાલિકાએ ગત નવેમ્બર માસમાં મનાઈ હુકમની નોટિસ આપી હતી. ત્યાર બાદ 13 ફેબ્રુઆરી 2026ના રોજ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ડિમોલિશન ચાર્જ પેટે રૂ. 1,70,000 વસૂલીને લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલાની સૂચનાથી કામગીરી અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી.
 
બાંધકામનું ડિમોલિશન કાયમી ધોરણે અટકાવવા ઇજનેર ગણેશવાલાના ખાસ માણસ તરીકે પત્રકાર અને નિષ્પક્ષ ગુજરાત પત્રિકાના સંચાલક મહંમદ ઇસ્માઈલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં 21 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી, જે રકઝક બાદ 15 લાખમાં નક્કી થઈ હતી. જેમાં પ્રથમ હપ્તા તરીકે 4 લાખ રૂપિયા 19  ફેબ્રુઆરીના રોજ આપવાનું નક્કી થયું હતું.
 
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના ઇન્ચાર્જ અધિકારી બલદેવ દેસાઈ (IPS) અને પીઆઈ કે.જે. ધડુકના નેતૃત્વમાં સલાબતપુરા સ્થિત પત્રકારની ઓફિસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન પત્રકાર મહંમદ ઇસ્માઇલે 4 લાખ રૂપિયા સ્વીકાર્યા હતા, જો કે એસીબીના અધિકારીઓ ત્રાટકે તે પહેલાં તેને શંકા જતાં તે લાંચની રકમ સાથે ફરાર થઈ ગયો હતો.
 
એસીબીની તપાસમાં મુખ્ય સૂત્રધાર કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ સ્થળ પરથી ફરાર છે. રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ અને વચેટીયા સાથે મળીને લાંચ લેવાના ગુના હેઠળ એસીબીએ બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
 
ટ્રેપીંગ અધિકારી: કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ
 
સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
 
ઇન્ચાર્જ અધિકારી: બલદેવ દેસાઇ, IPS, નાયબ નિયામક, વડોદરા રેન્જ
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch