Sat,17 October 2026,5:39 am
Print
header

હસાવનાર કલાકાર હંમેશ માટે રડાવી ગયો: ગુજ્જુ લવ ગુરુ ફેમ ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત

  • Published By
  • 2026-09-17 17:47:22
  • /

ગૌશાળા નજીક કાળમુખો અકસ્માત નડ્યો
મોત બાદ અંતિમ રીલ વાયરલ થઈ
ઇન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઇબર્સ હતા

 વાવ- થરાદ: બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે લોકપ્રિયતા મેળવનાર જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કોમેડિયન ચંદન રાઠોડનું ભાભર નજીક ગૌશાળા પાસે સર્જાયેલા બાઈક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. લાખો લોકોને પોતાના હાસ્યરસથી ડોલાવનાર આ યુવા કલાકારના આકસ્મિક નિધનથી સમગ્ર પંથક સહિત ડિજિટલ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ચંદન રાઠોડ બાઈક લઈને પસાર થઈ રહ્યાં હતા, ત્યારે ભાભર નજીક ગૌશાળા પાસે અકસ્માતનો ભોગ બન્યાં હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બાદમાં તેમનું મોત થઇ ગયું હતુ.અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં તેમના ચાહકો, સ્થાનિક આગેવાનો અને સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યાં હતા.

સુઈગામના એક સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે કોઈ પણ મોટા બેકગ્રાઉન્ડ વગર માત્ર પોતાની પ્રતિભાના બળે ડિજિટલ દુનિયામાં એક અલગ છાપ ઊભી કરી હતી. તેઓ વાવ-થરાદ પંથકના કદાચ પ્રથમ એવા પ્રભાવશાળી ઈન્ફ્લુએન્સર હતા, જેમણે સ્થાનિક બોલીને વૈશ્વિક ઓળખ અપાવી હતી. ઇન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવતા ચંદન રાઠોડની દેશી અંદાજવાળી કોમેડી માત્ર ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બની હતી. તેઓ માત્ર હાસ્ય જ નહીં, પરંતુ સામાજિક વાસ્તવિકતા અને સંદેશસભર વિડીયો પણ પીરસતા હતા.

ચંદન રાઠોડે મોતના ગણતરીના કલાકો પહેલાં સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી હતી. આ રીલમાં તેમણે અત્યંત ગંભીર ભાવ સાથે કહ્યું હતું કે, જેનો ભરોસો નથી એનું નામ જિંદગી અને જેનો 100 ટકા ભરોસો છે એનું નામ મોત. 

કોઈને અંદાજ પણ ન હતો કે પોતાના શબ્દો આટલી ઝડપે અને આ રીતે સાચા પડી જશે. આ છેલ્લી રીલ અત્યારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે અને લાખો ચાહકો આંસુ ભરી આંખે આ હસમુખા કલાકારને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch