Sat,17 October 2026,5:46 am
Print
header

રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા

  • Published By
  • 2026-09-29 17:54:58
  • /
  • ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર
  • વાવડી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં અરેરાટી સાથે ભારે રોષ

રાજકોટ: શહેરના ઔદ્યોગિક વિસ્તાર તરીકે જાણીતા વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ખોડિયાર હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભગવતી ક્રેનના ચાલકે આડેધર વાહન હંકારીને રસ્તે જઈ રહેલા 39 વર્ષીય આમદભાઈ શેખને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ ગંભીર બેદરકારી દાખવી ચાલકે ક્રેનને રિવર્સ લેતાં આમદભાઈ ક્રેન નીચે કચડાઈ ગયા હતા, જેના પગલે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

39 વર્ષીય આમદભાઈ શેખ વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ખોડિયાર હોટલ પાસે ભગવતી ક્રેનના ચાલકે તેમને આગળથી જોરદાર ટક્કર મારી હતી. ક્રેનની ટક્કર વાગતાં જ આમદભાઈ ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ સમયે મદદ કરવાને બદલે ચાલકે ક્રેનને અચાનક રિવર્સ લેતાં આમદભાઈ તેના તોતિંગ પૈડાં નીચે આવી ગયા હતા. ક્રેન ફરી વળતાં તેઓ ગંભીર રીતે કચડાઈ જઈ લોહીલુહાણ હાલતમાં મુકાયા હતા.

અકસ્માત સર્જાતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આમદભાઈને તાબડતોબ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હોવાથી ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘરના મોભી સમાન 39 વર્ષીય આમદભાઈના અકાળે મોતના સમાચાર મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ ક્રેન ચાલકની બેદરકારી સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ચાલક સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. હાલમાં પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch