Sat,25 June 2022,10:41 pm
Print
header

પાકિસ્તાનઃ ઈમરાન ખાનની આઝાદી માર્ચ બની હિંસક, સમર્થકોએ મેટ્રો સ્ટેશનને લગાવી દીધી આગ- Gujarat Post

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ થઇ રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તેમના સમર્થકો સાથે ચૂંટણીની માંગ સાથે ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે. ઈમરાન ખાનની આ આઝાદી માર્ચને રોકવા પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદને રેડ ઝોન જાહેર કરી દીધો છે. ગૃહ મંત્રાલયે સેના તૈનાત કરવાનો આદેશ આપ્યાં બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે. હજારોની સંખ્યામાં ભેગા  થયેલા પીટીઆઈ સમર્થકો મોડી રાત્રે પાકિસ્તાનની રાજધાનીમાં પ્રવેશ્યા ત્યારે લાંબો ટ્રાફિક જામ થયો હતો અને અહીં ઘણી હિંસા થઈ હતી. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તેમના સમર્થકો સાથે ડી-ચોક તરફ આગળ વધી રહ્યાં છે. હાલમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમની પ્રાથમિકતા સરકારી ઈમારતોની સુરક્ષા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકોને રોકવાના પ્રયાસો થઈ રહ્યાં છે. પાકિસ્તાન મુસ્લિમ લીગના (એન) કાર્યકર્તાઓએ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા છે.

ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ) માંગ કરી રહી છે કે શાહબાઝ શરીફની 13 પાર્ટીઓની ગઠબંધન સરકાર તાત્કાલિક રાજીનામું આપે. રખેવાળ સરકારની રચના થવી જોઈએ અને વહેલી તકે ચૂંટણી યોજાવી જોઈએ. સંસદની મુદત આવતા વર્ષે ઓગસ્ટ સુધી છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સમર્થકોની પોલીસે ધરપકડ કરી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સમર્થકો હજારોની સંખ્યામાં માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં છે.

સમર્થકોને રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યાં હતા,લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જવાબમાં નારાજ સમર્થકોએ  પથ્થરમારો કર્યો હતો. પીટીઆઈ કાર્યકર્તાઓ પાકિસ્તાનમાં વહેલી ચૂંટણીની માંગ સાથે ઈસ્લામાબાદ પહોંચી રહ્યાં છે.

શાસક પક્ષના નેતા મરિયમ નવાઝે ઈમરાનની સ્વતંત્રતા કૂચ પર નિશાન સાધ્યું છે. મરિયમે કહ્યું કે પૂર્વ પીએમના કહેવા પર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકર્તાઓ હિંસા ભડકાવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે, તેનો સ્વીકાર કરવામાં આવી રહ્યો નથી. સરકારે ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરી છે, જેથી લોકોને મોટી સંખ્યામાં એકઠા થતા અટકાવી શકાય. લાહોર, રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં રસ્તા પર નાકાબંધી કરી દેવામાં આવી છે. અનેક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

પંજાબના ગૃહ સચિવ સૈયદ અલી મુર્તઝાએ પત્રકારોને જણાવ્યું કે સૌથી મોટા પ્રાંતમાં શાંતિ જાળવવામાં પોલીસને મદદ કરવા માટે અર્ધલશ્કરી દળના રેન્જરને બોલાવવામાં આવ્યાં હતા. પંજાબના અન્ય જિલ્લાઓમાંથી 4,000થી વધુ પોલીસ કર્મીઓને ઈસ્લામાબાદ બોલાવવામાં આવ્યાં છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને અમેરિકા પર તેમની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. શાહબાઝ શરીફ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ ચોરોએ દેશને કબ્જે કરી લીધો છે. મને આશા છે કે સુપ્રીમ કોર્ટ અને સેના સત્યની સાથે રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch