Sat,17 October 2026,5:57 am
Print
header

ખંભાળિયાના ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટરમાં ACB ટ્રેપ: વાહન ફિટનેસ સર્ટી. માટે લાંચ લેતાં બે શખ્સો ઝડપાયા

  • Published By
  • 2026-10-02 19:24:41
  • /
  • ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ આપવા સરકારી ફી ઉપરાંત રૂ. 2120 ની લાંચ માંગી હતી
  • એસીબી લાંચિયા લોકોને સતત લઈ રહ્યું છે સકંજામાં

દેવભૂમિ દ્વારકાઃ  ખંભાળિયા ખાતે આવેલા વાહન ફિટનેસ સેન્ટરમાં વાહનના પાસિંગ પેટે વધારાના નાણાં ખંખેરવાના ચાલતા ખેલ પર લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ તવાઈ બોલાવી છે. એમ.જે.એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર ખાતે ફરજ બજાવતા બે ખાનગી કર્મચારીઓને ટ્રકના ફિટનેસ સર્ટીફિકેટ પેટે નિયત સરકારી ફી ઉપરાંત રૂ. 2120ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે.

બનાવની વિગત મુજબ, એક જાગૃત નાગરિકને પોતાના ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટીફિકેટ કઢાવવું હતું. આ માટે ખંભાળિયા સ્થિત એમ.જે. એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર ખાતે વર્ષ 2024થી મેન્યુઅલી ગાડી ચેકિંગનું કામ સંભાળતા ખીમાભાઇ રાયસુરભાઇ ધારાણી (ઉં.વ. 33, રહે. સંજયનગર, ખંભાળિયા)એ સરકારી ફી રૂ. 1500 ઉપરાંત વધારાના રૂ. 2000ની લાંચની માંગણી કરી હતી. આરોપીએ અરજદારને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ટ્રકનું પાસિંગ કરાવવા આવે ત્યારે કુલ રૂ. 3500 ચૂકવવા પડશે.

સરકારી ફી સિવાયની લાંચની રકમ ચૂકવવા અરજદાર તૈયાર ન હતા. જેથી તેમણે તાત્કાલિક લાંચ રુશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક સાધી વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એસીબી દ્વારા30 સપ્ટેમ્બરના રોજ ખંભાળિયા સ્થિત એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

લાંચના છટકામાં આરોપી ખીમાભાઇ ધારાણીએ અરજદારને સરકારી ફી સહિતની કુલ રકમ રૂ. 3500 ત્યાં લાઇન ઓપરેટર તરીકે ફરજ બજાવતા અન્ય સાથી કુલદિપસિંહ મહિપતસિંહ વાઢેર (ઉં.વ. 19, રહે. સોડસલા ગામ, વાઢેરવાસ, તા. ખંભાળિયા)ને આપી દેવા જણાવ્યું હતું. જેથી કુલદિપસિંહે અરજદાર પાસેથી ફી પેટે રૂ. 1380 તથા લાંચની રકમ રી. 2120 મળી કુલ રૂ. 3500 સ્વીકાર્યા હતા. નાણાં સ્વીકારતાં જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ પકડી પાડ્યા હતા અને લાંચની પૂરેપૂરી રકમ કબ્જે કરી હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch