Wed,16 September 2026,2:43 pm
Print
header

નેપાળમાં ફરી તબાહીની આશંકા: ભોટેકોશી નદીની જળસપાટી વધતાં NDRRMA દ્વારા એલર્ટ જારી

  • Published By
  • 2026-08-30 09:46:51
  • /
  • 275 થી વધુ ભારતીયો હજુ પણ ગુમ
  • તિબેટમાં હિમશિલા તૂટતાં ફરી પૂરનું જોખમ
  • ભારતે 11 ટન રાહત સામગ્રી અને ફોરેન્સિક ટીમ સાથે ચોથું વિમાન મોકલ્યું

કાઠમંડુ: નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરમાં 900 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં પણ વિવિધ સ્થળોએ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને હજારો લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન દેશમાં ફરી એકવાર ભયાનક પૂરની ચેતવણી આપવામાં આવી છે. તિબેટના પહાડોમાં હિમશિલાં તૂટવાના કારણે ભારે તબાહી મચી હતી. પાણી સાથે ભારે માત્રામાં કાટમાળ અને વિશાળ ખડકો વહી આવતાં મોટા પાયે નુકસાન થયું હતું. હવે ફરીથી તિબેટમાં આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી ભારે માત્રામાં પાણી અને કાટમાળ આવી શકે છે.

નેપાળની 'નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી' (NDRRMA) એ લોકોને સતર્ક કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે, રસુવા જિલ્લા વહીવટી કચેરીને માહિતી મળી છે કે ભોટેકોશી નદીમાં પૂરના વહેણનો તીવ્ર અવાજ સંભળાયો છે. આથી, અમે નદી કાંઠાના વિસ્તારો જેવા કે રસુવા, નુવાકોટ અને ધાદિંગ સુધી સાવચેતી રાખવા અપીલ કરીએ છીએ. વધુ માહિતી મળતાં જ અપડેટ આપવામાં આવશે.

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, આ ભયાનક પૂર બાદ 275 થી વધુ ભારતીયો ગુમ છે, જ્યારે 108 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ઉપરાંત ભારતીય મૂળના 128 લોકો પણ લાપતા છે. છેલ્લા બે દિવસમાં 598 ભારતીય નાગરિકો ચીનથી સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે, જ્યારે આશરે 900 ભારતીયો હજુ પણ ચીનમાં છે, જો કે તેઓ સુરક્ષિત છે, પૂરથી ખરાબ રીતે પ્રભાવિત રસુવાના એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાંથી ચાર ભારતીય નાગરિકોને બચાવી લેવાયા છે અને તેઓ ટૂંક સમયમાં કાઠમંડુ પહોંચશે.

ભારતે શનિવારે ભારતીય વાયુસેનાના C-130J મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મારફતે 11 ટન રાહત સામગ્રીનો ચોથો જથ્થો નેપાળ મોકલ્યો હતો. વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે, વિમાનમાં સર્ચ અને રેસ્ક્યું ઓપરેશન માટેના સાધનો સાથે એક ટેકનિકલ ટીમ તેમજ ડીએનએ (DNA) એનાલિસિસ માટે ફોરેન્સિક એક્સપર્ટ્સની ટીમ અને સાધનો પણ મોકલવામાં આવ્યાં છે. આ ફોરેન્સિક ટીમ પૂરમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરવામાં નેપાળી અધિકારીઓને મદદ કરશે.

ઉપરાંત, 230 ફૂટના 'સિંગલ લેન મોડ્યુલર સ્ટીલ બ્રિજ' માટે સામગ્રી લઈ જતા 16 ટ્રકો પણ નેપાળ પહોંચી ગયા છે. વધુ સાત બેઈલી બ્રિજ બનાવવા માટેના સાધનો પણ ટૂંક સમયમાં મોકલાશે અને તેને સ્થાપિત કરવા ટેકનિકલ ટીમો પણ પહોંચશે. ભારતે અત્યાર સુધીમાં નેપાળને કુલ 68.5 ટન રાહત સામગ્રી પૂરી પાડી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch