Sat,20 April 2024,8:48 am
Print
header

કેજરીવાલની અમદાવાદમાં મોટી ગેરંટી, પ્રાઇવેટ નોકરીઓમાં ગુજરાતીઓ માટે 80 ટકા આરક્ષણ આપીશું- Gujaratpost

જો અમારી સરકાર આવશે તો જુલાઈ મહિનામાં શિક્ષકોને તેમના પસંદગી જિલ્લાઓમાં પોસ્ટિંગ મળી જશે

2023માં પોલીસ ભરતી, દરેક પરીક્ષામાં જાહેર કરાશે વેઇટિંગ લિસ્ટ 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ચૂંટણીનો જોરદાર માહોલ જામ્યો છે. દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે, દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, તેમની સાથે પંજાબ સીએમ ભગવંત માન પણ અમદાવાદ મુલાકાતે છે. કેજરીવાલે મહત્વની ગેરંટી આપતા કહ્યું કે, 80 ટકા પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે. ગુજરાતમાં એટલા આંદોલનો છે કે આખું ગુજરાત રોડ પર છે. હું આજે ભરતી કેલેન્ડર જાહેર કરું છું સરકાર બન્યાં બાદ તલાટી, ટેટની પરીક્ષાઓ યોજાશે.જુલાઈ મહિનામાં શિક્ષકોને તેમના પસંદગી જિલ્લાઓમાં પોસ્ટિંગ મળશે.ઓક્ટોબર સુધી તમામ શિક્ષકોની ભરતી, 2023માં પોલીસ ભરતી, વેઇટિંગ લિસ્ટ દરેક પરીક્ષામાં જાહેર કરાશે.સરકારી ભરતીની પરીક્ષા આપવા માટે બસ ભાડું માફ હશે.જેવી અમારી સરકાર બનશે ભરતી ચાલુ કરી દેવાશે.

કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં મોટી નોકરીની તકો સર્જાશે. ગુજરાતમાં 21 પેપર લીક થયા, 31 જેટલા પેપર ઘોટાળા થયા અને ભાજપ વાળા મનીષ સિસોદિયાને ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ગુજરાત પોલીસની નોકરી અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, મેં અહી જોયું કે કેટલાક પોલીસ જવાનો વર્દીમાં છે. કેટલાક સિવિલ ડ્રેસમાં છે. મને જાણવા મળ્યું છે કે, વર્દીવાળા પોલીસ કાચી નોકરી વાળા છે. સિવિલ ડ્રેસવાળા પાક્કી નોકરી વાળા છે. તેમની સાથે પણ અન્યાય થઇ રહ્યો છે.

માને કહ્યું, શિક્ષક દેશના બાળકોનું ભવિષ્ય ઘડે છે. ગુજરાતના શિક્ષકોનું જ ભવિષ્ય સુરક્ષિત નથી. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને મંત્રી બનતા સમયે લેવાતી શપથ પણ બદલાવી જોઈએ. શપથમાં બધું ગુપ્ત રાખવાનું કહેવાય છે, વોટસએપના જમાનામાં ગુપ્ત શેનું ? અંગ્રેજોએ 200 વર્ષમાં નથી લૂંટ્યો એટલો આઝાદી પછી આપણા જ લોકોએ દેશ લૂંટ્યો છે. ભગતસિંહના સપનાની આઝાદી આપણને મળી જ નથી. આમ આદમી પાર્ટી પ્રજા વચ્ચે જઈને પ્રજાની સમસ્યાઓ સાંભળે છે જ્યારે ભાજપ વાળા ફક્ત તેમના મનની વાતો જ રજૂ કરે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch