Fri,29 May 2020,11:01 pm
Print
header

કોરોનાને રોકવા સ્વીડન પેટર્ન લાગુઃ ગુજરાત સરકાર હવે કરી રહી સૌથી ખતરનાક પ્રયોગ

લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી કરે તો સ્થિતિ બેકાબુ થશે 

ફાઇલ ફોટો

અમદાવાદઃ શરુઆતના તબક્કામાં કોરોના વાઇરસને કાબુમાં રાખવામાં સફળતા મળી પણ લોકડાઉનના ત્રીજા તબક્કામાં કોરોના સંક્રમણનાં કેસો વધ્યા, લોકડાઉનના ચોથા તબક્કામાં વિજય રુપાણી સરકારે કોરોના સામે માથું ટેકવી દીધુ હોય તેમ છુટછાટોની લ્હાણી કરી અને સીએમ રુપાણીએ હું પણ કોરોના વોરિયર્સ કેમ્પેઇન શરુ કર્યુ, તે આ વાતનો સીધો સંકેત છે કે હવે કોરોના સામે લડવા માટે સરકારે તેમનું છેલ્લુ શસ્ત્ર પણ ઉપયોગમાં લઇ લીધું છે. આમ, કોરોનાની મહામારી સામે લડવા વિજય રુપાણી સરકારે અત્યાર સુધીનો સૌથી ખતરનાક પ્રયોગ શરુ કર્યો છે.જેમાં લોકોને છુટા મુકી દીધા છે અને હવે જો લોકો જાતે ધ્યાન નહી રાખે તો અમદાવાદ શહેરની હાલત તો કલ્પી ન શકાય તેવી થવાની છે, રાજ્યના અન્ય શહેરોની સ્થિતિ પણ જોખમમાં આવી શકે છે.તાજું ઉદાહરણ એ છે કે  અરવલ્લી, મહિસાગર, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાં પોઝિટિવ કેસોમાં થતો વધારો છે, સૌથી આઘાતજનક બાબત છે કે હું પણ કોરોના વોરિયર્સ માટે વિજય રુપાણીએ નવરાત્રીનાં નવ દિવસની જેમ સાત દિવસનો કાર્યક્રમ બનાવીને જાણીતી ગુજરાતી હસ્તીઓની  મદદ લઇને લોકોમાં જાગૃતતા ફેલવાવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ વિજય રુપાણી સરકાર એ ભુલી ગઇ છે કે જે સેલેબ્રેટીઓને સાથે રાખીને કાર્યક્રમો યોજી રહી છે તે બધા ઘરમાં જ હતા. આ સેલેબ્રેટી કરતા આપણા સાચા કોરોના વોરિયર્સ તો પોલીસ, મેડીકલ સ્ટાફ છે, વહીવટી તંત્રનો સ્ટાફ છે કે જેમણે પોતાના જીવની ચિંતા કર્યા વિના કામગીરી કરી છે. વિજય રુપાણી.. તમારે ખરેખર કોરોના વોરિયર્સ અભિયાનમાં સાચા ફાઇટર્સને પ્રમોટ કરવા જોઇતા હતા. નહીં કે સેલિબ્રિટીઓને....

વાત કરીએ સરકારના ખતરનાક પ્રયોગની , વિજય રુપાણી સરકારે ચોથા લોકડાઉનને  નામ માત્ર રહેવા દીધું છે, અને ગુજરાતમાં સ્વીડન પેટર્ન અપનાવી છે જેમાં  લગભગ તમામ દુકાનો, ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરાયા છે, પણ 65 વર્ષથી ઉપરના વૃધ્ધોને ઘરમાં જ રહેવાનું, 15 વર્ષના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને પણ બહાર ન  નીકળવા અપીલ કરાઇ છે, બાકી તમામ લોકો તેમની રીતે કામ ધંધે જઇ શકે છે. જેથી તેમને કોરોના સંક્રમણ થવાનો ભય 100 ટકા વધી ગયો છે, અને જો બહાર નીકળતા લોકોને કોરોનાનો ચેપ લાગે તો તેમને સારવાર આપી દેવાની.બસ આ પેટર્ન સ્વીડનમાં લાગુ છે. પણ સ્વીડનમાં ફર્ક એટલો છે કે ત્યાં લોકો લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને માસ્ક સાથે ઉભા રહે છે અને ટ્રાન્સ્પોર્ટેશનમાં ભીડ નથી થતી. જ્યારે ગુજરાતમાં એક લાખ રૂપિયાની લોન લેવા માટે ભીડ કરીને કલાકો લાઇનો લાગે છે, સૌથી નવાઇની વાત એ છે કે ફોર્મ લેવા માટે આવેલા 70 ટકાથી વધારે લોકોને ખબર જ નથી કે લોન કોને મળી શકે છે તે માટેના નિયમો શું છે કંઇ પણ જાણ્યા વગર લોકો ટોળાં કરી રહ્યાં છે. ત્યાર ડિજીટલ ગુજરાતની મોટી મોટી વાતો કરતી સરકારને એમ ખ્યાલ કેમ ન આવ્યો કે  બેંકોમાં લાઇનો કરાવવાને બદલે  ઓનલાઇન ફોર્મ ડાઉન લોડ થાય તેવી કોઇ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે. મોદી સરકારે જ્યારે આરોગ્ય સેતુ એપને પ્રમોટ કરવા માટે જાહેરાત કરી ત્યારે ભાજપના કાર્યકરો સોસાયટીઓમાં જઇને આ કામગીરી કરાવતા હતા ત્યારે  બેંક લોનના ફોર્મ ડાઉન લોડ કરાવવામાં તે મદદ કરી શક્યા હોત.  આમ રાજ્યમાં સ્વીડન પેટર્નનો અમલ શરુ કર્યો પણ તેના માટેની અપુરતી તૈયારીઓ ગુજરાતને ખતરનાક સ્થિતિમાં મુકી શકે છે,  લોકોએ હવે કોરોના સામે જાતે જ સતર્ક થવુ પડશે, નહીંતર દરરોજના સરેરાશ અંદાજે 400 કેસ આવી રહ્યાં છે તે વધીને 500 થી 600 સુધી થઇ શકે છે.   

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->