Thu,25 April 2024,10:48 am
Print
header

ખુદ CM વિજય રૂપાણીએ કહેવું પડશે કે GPCB ભ્રષ્ટાચારમાં નંબર-1 તો નવાઇ નહીં હોય !

અગાઉ સીએમ વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર મામલે કડક વલણ અપનાવ્યું હતું

ગાંધીનગરઃ કેન્દ્રની મોદી સરકાર પ્રદુષણ ઓછું કરવા લોકજાગૃતિ અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે ગુજરાતની GPCB કચેરી પ્રદુષણના નામ પર મલાઈ તારવી રહી છે, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના કેટલાક અધિકારીઓ તેમના મળતિયાઓ સાથે મળીને કંપનીઓ પાસેથી લાખો રૂપિયા પડાવીને કોરોનાની મહામારીમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યાં છે, થોડા દિવસ પહેલા જ કલોલ જીઆઇડીસી માં આવેલી આદિત્ય અને મજેઠીયા પેપર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ઝેરી પ્લાસ્ટિક કચરો લઈને જઈ રહેલી ટ્રક ગાંધીનગર પાસે દહેગામ પોલીસે પકડી લીધી હતી, ડ્રાઇવરની આકરી પૂછપરછમાં પોલીસ ટીમને જે જગ્યા પર કચરો ઠલવાયેલ હતો ત્યાંથી અન્ય ટ્રક અને જેસીબી પણ મળ્યું હતુ. 

ટ્રક ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું કે આ ઝેરી પ્લાસ્ટિકનો કચરો મજેઠીયા અને આદિત્ય કંપનીમાંથી ભરીને દહેગામ પાસેના વટવા ગામમાં મલ્હાર એક્ઝોટિકા ક્લબ એન્ડ રિસોર્ટના (અહી રહેણાંક મકાનો પણ આવેલા છે) કેમ્પસમાં જ ગામની ખરાબાની જમીન અને કેમ્પસમાં જ ઠાલવ્યો હતો, જેમાંથી ઝેરી દુર્ગંધ નીકળી રહી હતી, પોલીસે બંને મીલ માલિકોની અટકાયત કરી હતી અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને જાણ કરી હતી, જેથી જીપીસીબી દ્વારા બંને પેપર મીલને સાઈટ પરથી તમામ કચરાનો સરકારી નિયમો મુજબ નિકાલ થાય, નિયમ પ્રમાણે ભૂસ્તરશાસ્ત્રી દ્વાર અભિપ્રાય આપવાનો હોય છે અને પકડાયેલી ટ્રકનું પાર્સિંગ રદ કરવાની પણ જોગવાઇ છે, સાથે જ કંપનીને ક્લોઝર નોટિસ પણ પાઠવી હતી

પરંતુ જેવો જ વરસાદ થયો ત્યારે જ જીપીસીબી બોર્ડનાં ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત બહાર આવી અને દુર્ગંધ મારતું ગંદુ ઝેરી પાણી ગામમાં વહેવાનું શરૂ થઇ ગયું, જેની લોક ફરિયાદ થઇ છે. હાલમાં પણ આ જગ્યાએ ઝેરી કચરો પડ્યો છે, અમુક કચરો જમીનમાં જ દાટી દેવામાં આવેલો છે જે પાણી સાથે બહાર આવી રહ્યો છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે જીપીસીબીને અનેક વખત રજૂઆત કરી હોવા છંતા અહી કોઇ આવ્યું જ નથી. બીજી તરફ બંને કંપનીઓને ફરીથી ચાલુ કરવા માટે ઓર્ડર પણ આપી દેવાયા છે, ઓર્ડર આપતા પહેલા જીપીસીબીની પ્રાદેશિક કચેરી દ્વારા મુલાકાત પણ લેવામાં આવી નથી.ચર્ચાઓ છે કે કેટલાક અધિકારીઓએ લાખો રૂપિયાની લાંચ લઇને કેટલીક બેદરકાર કંપનીઓને ફરીથી ધમધમતી કરવા મદદ કરી છે, આ મામલે ઉચ્ચ કક્ષાએ જો તપાસ થાય તો અનેક અધિકારીઓ સસ્પેન્ડ થાય તેમ છે. કારણ કે કચરાનો નિયમો પ્રમાણે આજે પણ નિકાલ થયો નથી. સાથે જ આ કેસમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો હોવાના પણ આરોપ લાગ્યા છે.

જીપીસીબીનાં ચેરમેન પદેથી રાજીવ ગુપ્તાની બદલી અને કે.સી.મિસ્ત્રીની નિવૃત્તિ પછી જીપીસીબી ગેરરીતિનો અડ્ડો બની ગયું છે. સંસ્થામાં ઉચ્ચ પદ માટે એક સમયે અધિકારીઓ મારામારી પર ઉતરી આવ્યાં હતા, તે કિસ્સો આજે પણ સ્ટાફમાં ચર્ચાતો હોય છે. ત્યારે પ્રદુષણ ફેલાવતી કંપનીઓને અધિકારીઓ મદદ કરી રહ્યાં છે, તે મામલે હવે કેટલીક સામાજિક સંસ્થાઓ NGT કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. જો જીપીસીબીનો આ ભ્રષ્ટાચાર કાબૂમાં નહીં આવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહેવું પડશે કે પોલીસ અને મહેસૂલ પછી ભ્રષ્ટ ખાતું હોય તો તે અમારૂં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ છે !

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch