Sat,13 June 2026,2:10 pm
Print
header

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા: કોર્ટે ફટકાર્યો રૂ.10 લાખનો દંડ

  • Published By PANNA PATEL
  • 2026-05-30 15:49:13
  • /

ઘટનાના સાડા પાંચ મહિનામાં જ આવ્યો ચૂકાદો 

ગાંધીનગર: સેક્ટર-24માં આવેલી ઈન્દિરા નગર છાપરા વિસ્તારની હૃદયકંપાવનારી ઘટનામાં કોર્ટે માત્ર સાડા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને કોર્ટે કડક સજા ફટકારી છે.

આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કારાવાસની સજા સંભળાવી છે. કોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે આરોપી જેલમાં મૃત્યુ પામશે ત્યાર બાદ જ તેની લાશ પરિવારને સોંપવામાં આવશે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

આરોપી રામનીત યાદવ જ્યારે કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી પ્લાન ઘડ્યો હતો, સતત બાળકીની રેકી કરતો હતો. 15 ડિસેમ્બર 2025ના રોજ રાત્રિના સમયે આરોપી ઘરમાં ઘૂસ્યો અને સૂતેલી માસૂમ બાળકીનું અપહરણ કરી નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

નરાધમ આરોપી બાળકીને મૃત સમજીને ઝાડીઓમાં જ છોડીને ભાગી ગયો હતો. બાળકી હોશમાં આવતા જ તે લથડતા પગે પોતાના પરિવાર પાસે પહોંચી ગઈ હતી. બાળકી સહીસલામત ઘરે પહોંચતા જ નરાધમના પાપનો પર્દાફાશ થયો હતો. ગુનો આચર્યા બાદ આરોપી પોતાના વતન બિહાર ભાગી જવાની પેરવીમાં હતો. પરંતુ ગાંધીનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને માત્ર 5 દિવસમાં જ ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન જ્યારે પોલીસ આરોપીને ઘટના સ્થળે ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આત્મરક્ષણમાં અને આરોપીને ભાગતો રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી રિમાન્ડ મેળવાયા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch