Sat,13 December 2025,12:57 am
Print
header

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક: 4 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો, માથા સહિત 50થી વધુ ઈજા

  • Published By Panna patel
  • 2025-11-24 08:36:44
  • /

સુરત: શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે અને તેની હાલત નાજુક છે.

સચિન વિસ્તારમાં રહેતો 4 વર્ષીય બાળક શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ પ્રજાપતિ તેના પિતા સાથે સચિન ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી એક કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક શ્વાનના ટોળાએ માસૂમ શિવાય પર તીવ્ર હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકાં ભર્યા હતા, જેના કારણે તેને પૂરા શરીરમાં 50 થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે.

બાળક પર હુમલો થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યાં હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યું હતુ.લોહીલુહાણ હાલતમાં શિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યો છે. તબીબોના જણાવ્યાં મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે.

બનાવની જાણ થતાં જ શિવાયની માતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતા. દીકરાની ગંભીર હાલત જોઈને માતા આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. રખડતા શ્વાનોના વધી રહેલા આતંક પર અંકુશ મેળવવા માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch