Sat,17 October 2026,5:36 am
Print
header

શંકરસિંહ વાઘેલાના જાતિવાદી નિવેદનથી આક્રોશ, પાટીદાર,બ્રહ્મ અને જૈન સમાજે કહ્યું માફી માંગો

  • Published By
  • 2026-10-03 18:33:54
  • /
  • બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશ દવેએ શંકરસિંહના નિવેદન પર પલટવાર કર્યો
  • અલ્પેશ કથીરિયા અને પુરુષોત્તમ પીપળીયાએ પણ નિવેદન વખોડ્યું
  • બાપુએ કહ્યું માફી તો કેવી માંગવાની, ગમે તેમ બોલનારાઓને ચીમકી પણ આપી

અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે. નર્મદા જિલ્લાના સાગબારા સ્થિત ખોપી ગામે આયોજિત 'વન અધિકાર સત્યાગ્રહ' દરમિયાન તેમણે અનામત અને સવર્ણ જ્ઞાતિઓને લઈને આપેલા એક નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બાપુના આ નિવેદન સામે પાટીદાર, બ્રહ્મ અને જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને વિવિધ સમાજના અગ્રણીઓએ તેમની પાસે માફીની માંગણી કરી છે.

નર્મદામાં વન અધિકાર સત્યાગ્રહને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ આક્રમક અંદાજમાં કહ્યું કે, અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું કે તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોવ જે આના (અનામતના) વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને રૂ. 50,000 નો પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો.

તેમણે આદિવાસી સમાજની પડખે ઊભા રહેતાં કહ્યું કે જંગલ-જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને આ સરકાર નકામી હોય તો તેને આંદોલન કરીને બદલી કાઢવી જોઈએ. સાથે તેમણે અલગ 'ભીલિસ્તાન' રાજ્યની માગણીને પણ પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

ભાજપના નેતા અને બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશ દવેએ શંકરસિંહના નિવેદન પર આકરો પલટવાર કરતાં કહ્યું કે, શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યની શરૂઆત પોતાનાથી જ કરે. તમે મારા ઘરનું મેલું ઉપાડો, હું તમને દર મહિને 5 લાખ રૂપિયા આપીશ. યજ્ઞેશ દવેએ વધુમાં ઉમેર્યું કે દેશમાં માથે મેલું ઉપાડવાની પ્રથા વર્ષો પહેલાં જ નાબૂદ થઈ ચૂકી છે અને સરકારે આ વર્ગના ઉત્થાન માટે નક્કર કામગીરી કરી છે. માત્ર સસ્તી રાજકીય પ્રસિદ્ધિ મેળવવા અને કોંગ્રેસમાં પ્રવેશ પૂર્વે માઇલેજ લેવા સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું તદ્દન અયોગ્ય છે.

સુરતના જૈન અગ્રણી નીરવ શાહે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી જેવા ગરિમાપૂર્ણ પદ પર રહી ચૂક્યા હોવા છતાં આવું નિવેદન આપે તે અત્યંત શરમજનક છે. આ નિવેદનથી લોકોના મનમાં તેમના પ્રત્યે જે માન-સન્માન હતું તે પૂરું થઈ ગયું છે. તમામ સમાજને આદિવાસી સમાજ પ્રત્યે લાગણી અને આદર છે, પરંતુ જાતિઓ વચ્ચે ભેદભાવ ઊભો કરવાનો પ્રયાસ અસ્વીકાર્ય છે. જો બાપુ વહેલી તકે માફી નહીં માગે અને ત્રણેય સમાજ એક થશે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન ફાટી નીકળશે.

પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ પણ શંકરસિંહ વાઘેલાના નિવેદનનો સખત વિરોધ કરીને માફીની માગ કરી છે. જ્યારે અન્ય આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે વાઘેલા ઘણા સમયથી સત્તા બહાર અને રાજકીય રીતે અલગ પડી ગયા છે, જેથી ફરી ચર્ચામાં આવવા માટે આવા નિવેદનો આપી રહ્યાં છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભૂતકાળમાં પાટીદાર સમાજે ક્યારેય એસસી, એસટી કે ઓબીસી સમાજનો હક છીનવીને અનામત માગી ન હતી.

કોંગ્રેસમાં વાઘેલાની સંભવિત ઘરવાપસીની ચર્ચાઓ વચ્ચે તેમના આ વિવાદાસ્પદ નિવેદને રાજ્યમાં જ્ઞાતિગત સમીકરણો અને રાજકીય ચર્ચાઓને એકાએક તેજ બનાવી દીધી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch