Sat,13 December 2025,12:11 am
Print
header

કોમનવેલ્થની જાહેરાત બાદ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક ડિમોલિશનની શરૂઆત થઇ

  • Published By Dilip patel
  • 2025-11-29 17:07:26
  • /

અમદાવાદઃ શહેરને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યાંની સત્તાવાર જાહેરાત થયાના બે દિવસમાં જ મોટેરા સ્ટેડિયમ નજીક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું સ્પોર્ટ્સ એન્કલેવ બનવાનું છે. જેના કારણે આજુબાજુના વિસ્તારને ડેવલપ કરવાની કામગીરીના ભાગરૂપે આ કાર્યવાહી થઈ હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરના મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી રહી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.

અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે. આ ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાંક મકાનોનો સમાવેશ થાય છે. મોટેરા બળદેવ નગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

મકાન માલિકોને અગાઉ નોટિસ આપીને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યાં ન હતા.  વહેલી સવારથી 4 હિટાચી મશીન, 2 જેસીબી અને મજૂરો સાથે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે તમામ રહીશોના મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન શરૂ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પંચમહાલના વાઘજીપુરમાં 200 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. વાઘજીપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch