Sat,17 October 2026,5:51 am
Print
header

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર 4 લાખ રૂપિયા પડાવી લેવાનો આરોપી, પોલીસમાં થઇ અરજી

  • Published By
  • 2026-10-03 18:40:54
  • /
  • રાજસ્થાન ચૂંટણીની ટિકિટ માટે રૂ. 4 લાખ લીધાનો દાવો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે નાણાંકીય લેવડદેવડ અને ગંભીર છેતરપિંડીના આક્ષેપો સાથે પાલનપુર પોલીસ મથકે લેખિત અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરસિયા દ્વારા કરવામાં આવતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

અરજદાર અને ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરસિયાએ પોતાની અરજીમાં ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના જણાવ્યાં મુજબ, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન ટિકિટ અપાવવા અથવા ચૂંટણી સંબંધિત કામકાજના નામે ધારાસભ્ય મેવાણીએ રૂ. 4 લાખ લઇ લીધા હતા.

પૂર્વ સરપંચનો આક્ષેપ છે કે, આ નાણાં આપ્યાને બે વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં તે રકમ પરત કરવામાં આવી નથી. વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં નાણાં પાછા ન મળતાં, આખરે કંટાળીને તેમણે ન્યાય મેળવવા પોલીસનો સહારો લેવાની ફરજ પડી છે.

પાલનપુર પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં યાકુબ શેરસિયાએ માંગ કરી છે કે, સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. એક લોકપ્રતિનિધિ દ્વારા નાણાં લીધા બાદ પરત ન કરવા એ જનતા સાથેના વિશ્વાસઘાત સમાન હોવાથી મેવાણી સામે એફઆઈઆર  દાખલ થવી જોઇએ.

કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને વડગામના ધારાસભ્ય સામે આ પ્રકારના આક્ષેપો સામે આવતાં બનાસકાંઠા સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી નેતા સામે આક્ષેપ થતાં રાજકીય વિરોધીઓ સક્રિય બન્યાં છે. બીજી તરફ, આ ગંભીર આરોપો અંગે ધારાસભ્ય મેવાણી કે તેમના સમર્થકો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા સામે આવી નથી. જો કે એવું કહેવામાં આવે છે કે આ નાણાં કોંગ્રેસ  પાર્ટીમાં ગયા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch