Sat,20 April 2024,7:10 pm
Print
header

અયોધ્યા રામ મંદિર જમીન કૌભાંડઃ શિવસેનાએ કહી આ વાત, રામજન્મભૂમિ ટ્રસ્ટે શું કર્યો ખુલાસો

(અયોધ્યામાં બનનારા રામ મંદિરની થ્રીડી તસવીર)

મુંબઈઃ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે ખરીદવામાં આવેલી જમીન કૌભાંડનો મુદ્દો વધુ ચગી રહ્યો છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું, જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવવાથી અમારી શ્રદ્ધા અને આસ્થાને ઠેસ પહોંચી છે કારણ કે અમે મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયા આપ્યાં છે.

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું, અમારા પક્ષે પણ એક કરોડ રૂપિયા આપ્યાં છે. આવી જ રીતે દાનના પૈસાનો દુરુપયોગ કરવામાં આવે તો લોકોની શ્રદ્ધાનો કોઈ મતલબ નથી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ સભ્યો ભાજપ સાથે જોડાયેલા છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને વિશ્વ હિન્દુ પરિષદે આરોપોમાં તથ્ય છે કે નહીં તે અંગે જણાવવું જોઈએ.

રામ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિર માટે બધી જ જમીન ખરીદી સંપૂર્ણપણે પારદર્શી છે.બધી જ લેવડ-દેવડ બેન્ક ખાતા મારફતે થઈ છે. એટલું જ નહીં જમીન વર્તમાન બજાર મૂલ્ય કરતાં ઓછા ભાવમાં ખરીદવામાં આવી છે. જે જમીનના વિવાદની વાત થઈ રહી છે તેનું વર્તમાન મૂલ્ય અંદાજે રૂ. 20 કરોડ છે. વર્ષ 2011 માં આ જમીનના માલિક કુસુમ પાઠક અને હરીશ પાઠકે તે સમયના બજાર મૂલ્યના હિસાબે 2 કરોડ રૂપિયામાં સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીની તરફેણમાં 'એગ્રીમેન્ટ ટુ સેલ' કર્યાં હતા. નવ વર્ષના સમય સાથે સુપ્રીમ કોર્ટના ચૂકાદા અને શ્રીરામજન્મભૂમિ મંદિર ટ્રસ્ટ તથા ઉત્તર પ્રદેશ સરકારે નવી અયોધ્યાની રચનાનું કામ હાથ પર લેતાં ત્યાં જમીનના ભાવ અનેક ગણા વધી ગયા હતા.

વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે આ આક્ષેપો રામને કાલ્પનિક ગણાવનારા તથા દરેક તબક્કે ભવ્ય મંદિર નિર્માણમાં અવરોધો ઊભા કરનારા લોકો કરી રહ્યાં છે. વિહિપના કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે આ એ જ રામદ્રોહી લોકો છે, જે રામને કાલ્પનિક ગણાવી રહ્યાં છે દરેક તબક્કે ભવ્ય મંદિર નિર્માણમાં અવરોધો ઊભા કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા માટે વિપક્ષ દ્વારા આધારહીન આક્ષેપો કરાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch