Sat,05 September 2026,1:31 pm
Print
header

હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ

  • Published By Mahesh patel
  • 2026-03-11 19:55:34
  • /

ઓમાનની નેવીએ 20 ક્રૂ મેમ્બરોને બચાવ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવ વચ્ચે આજે એટલે કે 11 માર્ચના રોજ હોર્મુઝની ખાડીમાં એક મોટી ઘટના બની છે. થાઈલેન્ડનો ધ્વજ ધરાવતું એક માલવાહક જહાજ ગુજરાત તરફ આવી રહ્યું હતું, તે દરમિયાન એક પ્રોજેક્ટાઈલ વડે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના ઓમાનના ઉત્તરી કિનારાથી લગભગ 11 નોટિકલ માઈલ દૂર બની હતી. દરિયાઈ સુરક્ષા સૂત્રો અને શિપ ટ્રેકિંગ ડેટાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

જહાજની ઓળખ મયૂરી નારી તરીકે થઈ છે. થાઈલેન્ડ સરકારે જણાવ્યું કે હુમલા બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જહાજ પર કુલ 23 ક્રૂ મેમ્બર સવાર હતા. ઓમાનની નૌસેનાએ સતર્કતા દાખવીને તેમાંથી 20 સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જોકે, ત્રણ સભ્યો હજુ પણ જહાજ પર જ છે. અધિકારીઓએ હજુ સુધી તેમની સ્થિતિ અથવા જહાજને થયેલા નુકસાન વિશે સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી.

રોયલ થાઈ નેવી અને યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સએ આ હુમલાની જાણકારી આપી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ એક 'બલ્ક કેરિયર' જહાજ છે, જેની માલિકી 'પ્રેસિયસ શિપિંગ' નામની કંપની પાસે છે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન નંબર અને જહાજની બનાવટ પરથી તેની ઓળખ પાકી કરવામાં આવી છે. હુમલા બાદ લાગેલી આગ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો.

મેરીટાઇમ ટ્રેકિંગ સિસ્ટમના ડેટા મુજબ, આ હુમલો હોર્મુઝની ખાડીની અંદર થયો હતો. આ માર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ રૂટમાંથી એક છે, જ્યાંથી દુનિયાભરના ઉર્જા પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. 11 માર્ચના રોજ જહાજનું છેલ્લું લોકેશન ઓમાનના કિનારા પાસે જ નોંધાયું હતું.

હાલમાં આ હુમલાની તપાસ ચાલી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલામાં કયા પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ દેશ કે સંગઠને હજુ સુધી આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જોકે, દરિયાઈ સુરક્ષા નિષ્ણાતો આ ઘટનાને આ વિસ્તારમાં ચાલી રહેલા રાજકીય તણાવ સાથે જોડીને જોઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નૌસેના અધિકારીઓ પણ આ સંવેદનશીલ વિસ્તારની સુરક્ષા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch