Tue,26 September 2023,4:56 am
Print
header

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી રદ્ કરાવવા માટે રાજકીય ષડયંત્રો થયાની ચર્ચાઓથી હડકંપ

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પર ચૂંટણી રફેદફે કરી નાખવા પ્રચંડ રાજકીય દબાણ હોવાના પ્રાથમિક શિક્ષકોના આક્ષેપો

કોરોનાનો રોગચાળો જતો રહ્યો પણ ત્રણ-ત્રણ વર્ષોથી એક યા બીજા બહાને ચૂંટણી ટાળવાના હથકંડાઓથી શિક્ષક આલમમાં ભારે રોષ

ચૂંટણીમાં દેખીતી હાર ભાળી ગયેલા એક હોદ્દેદારે આખા સંઘને બાનમાં લીધાના આક્ષેપો

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 5600થી વધુ પ્રાથમિક શિક્ષકોના બનેલા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ છ ઘટક સંઘોની અને જિલ્લા સંઘની લોકશાહી ઢબે યોજાનારી ચૂંટણીને ગળે ટૂંપો આપી ચૂંટણી રદ્ કરી નાખવા રાજકીય ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાની શરૃ થયેલી ચર્ચાઓથી શિક્ષક આલમમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ કરેલા આક્ષેપો પ્રમાણે કોરોનાનો રોગચાળો હતો ત્યારથી જિલ્લા સંઘની અને તમામ છ તાલુકાના ઘટક સંઘોની ચૂંટણી ડ્યુ થયેલી છે. કોરોનાનો રોગચાળો જતો રહ્યો તેને ત્રણ વર્ષનો સમય પસાર થઇ ચૂક્યો છે પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી એક વ્યક્તિના ઇશારે થઇ રહી નથી તે ભારે અફસોસજનક છે. ચૂંટણી ટાળવાના પ્રયાસોની શરુઆત બાયડ તાલુકાની ડેમાઇ ટીચર્સ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની વર્ષ 2022ના સાતમા મહિનામાં યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં પરિવર્તન સાથે એકચક્રી શાસનના અંતની શરુઆત સાથે થઇ હતી. આવું જ પરિણામ સંઘની ચૂંટણીમાં આવવાનું નક્કી છે તેવી ગંધ આવી જતાં ભયથી ફફડી ઉઠેલા એક હોદ્દેદાર ત્યારથી લઇને આજદિન સુધી વિવિધ ચાલબાજી કરી ચૂંટણી ટાળવાના પ્રયાસો કરતા આવ્યાં હોવાના આક્ષેપો શિક્ષકો કરી રહ્યાં છે.

થોડા સમય અગાઉ  જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી મળી હતી, જેમાં સંઘની ચૂંટણી યોજવા માટે પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને હાથો બનાવી કારોબારી બેઠક જ રદ્ કરાવી નાખી હતી. પ્રાથમિક શિક્ષક સંઘમાં આંતરિક લોકશાહી ત્યારે જ જળવાઇ રહે કે જ્યારે લોકશાહી ઢબે નિયમાનુસાર સમયસર ચૂંટણી થતી રહે. પરંતુ ધમપછાડા કરીને ગાંધીનગરથી રાજકીય દબાણ લાવીને પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે ગેરકાયદે આદેશ કરાવી દીધો હતો. આટલેથી ન અટકતાં ચૂંટણીની જાહેરાત થઇ અને કાર્યક્રમ પ્રસિદ્ધ થઇ ગયો તો ભિલોડા તાલુકા સંઘની મતદાર યાદી સ્વીકારી નથી તેવા પૂર્વયોજિત કાવતરાના ભાગરુપે વધુ એક વખત સંઘની આંતરિક લોકશાહીને ફટકો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણી કોઇપણ ભોગે રદ્ કરાવવા મરણિયા બનેલા આ હોદ્દેદાર છેલ્લે છેલ્લે વિદાય લઇ રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ પાસે સામાન્ય સભામાં ઠરાવ કરાવી નાંખી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રાથમિક શિક્ષક સંઘના માથે બેસાડી દેવામાં સફળ રહ્યાં હતા. એજન્ડા સ્પષ્ટ છે કે કોઇપણ ભોગે ચૂંટણી રદ્ કરી નાખો. જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં જોરશોરથી ચાલી રહેલી ચર્ચાઓ પ્રમાણે 16 સપ્ટેબરે ચૂંટણી થાય તે પહેલાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ નિમેલાં અને આ કહેવાતા હોદ્દેદારના ઇશારે કામ કરી રહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રચંડ રાજકીય દબાણ હેઠળ ભિલોડા તાલુકા સંઘનું બહાનું આગળ કરી ચૂંટણી રદ્ કરી નાખવાના છે અને તેનો તખ્તો પણ ઘડાઇ ચુક્યો છે. ચૂંટણી રદ્ કરી નાંખી મતદાન દ્વારા લોકશાહીનું પર્વ ઉજવવા થનગની રહેલા પ્રાથમિક શિક્ષકોના મનોબળ પર ફટકો મારવાનું રાજકીય ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ થઇ રહ્યાં છે. પોતે ચૂંટણીમાં ઉભા રહેવાની નૈતિક હિંમત બતાવી શક્યા નથી એટલે મુઠ્ઠીભર મળતિયાઓ મારફતે આખી ચૂંટણી રદ્ કરાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા હોવાના આક્ષેપો પણ શિક્ષકો કરી રહ્યો છે. જો કે, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા તમામ પ્રાથમિક શિક્ષકો કોઇપણ ભોગે જંગી મતદાન કરી આવા ષડયંત્રોને લપડાક મારવા મક્કમ બન્યા હોવાનું શિક્ષક આલમમાંથી જાણવા મળ્યું છે.

જિલ્લાના 5600થી વધુ પ્રાથમિક શિક્ષકોના સંઘમાં ચૂંટણી નહીં થવા દઇને લોકશાહીની ડોક મરડી નાખવા માટે શરુ થયેલી છેલ્લી કક્ષાની પેંતરાબાજીઃ જિલ્લા પંચાયત પ્રમુખ

પ્રાથમિક શિક્ષણાધિકારી લોકશાહીનું ગળુ ઘોંટવાનો હાથો બની ગયાનો શિક્ષકોનો આક્રોશ

મતદારયાદી જમા ન કરાવી તેમાં કોનો
વાંક ?

ભિલોડા તાલુકા સંઘની મતદાર યાદી સ્વીકારી નથી, તેવું બહાનું આગળ ધરવા પાછળનો મકસદ એકમાત્ર ચૂંટણી ઠેલવા માટેનો હતો તેવું શિક્ષકોનું માનવું છે. તેમના કહેવા પ્રમાણે લોકસભાની, વિધાનસભાની કે પછી ગ્રામ પંચાયતોની કે પાલિકાઓની ચૂંટણીમાં સરકાર જાહેરનામું બહાર પાડે છે અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવાથી લઇને મતદાન અને મતગણતરી સુધીના કાર્યક્રમો, તારીખ, સમય નિર્ધારિત કરે છે. જિલ્લા સંઘનીચૂંટણીમાં પણ તમામ વર્તમાનપત્રોમાં જાહેરખબર આપી હતી. પરંતુ કોઇ મતદાર મતદારયાદીની પ્રસિદ્ધિ સામે સુચનો રજુ ન કરે, મતદાનના દિવસે મત આપવા ન જાય તો તેમાં સરકારનો વાંક કેવી રીતે કાઢી શકાય. શિક્ષકોના કહેવા પ્રમાણે આ હોદ્દેદારના ઇશારે કામ કરતા ભિલોડા તાલુકા સંઘના પ્રમુખે ધરાર મતદાર યાદી જમા કરાવી ન હતી. શિક્ષણ સમિતિના ચેરમેનની હાજરીમાં તમામ બાબતોની ખરાઇ કરવામાં આવી છે અને તેનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું છે. પરંતુ જ્યારે નક્કી જ કર્યું હોય કે કોઇપણ રીતે ચૂંટણી રદ્ કરી નાખવા માટે બહાનુ જ જોઇએ છે તો તેનો ઇલાજ કેવી રીતે કરી શકાય તેવા સવાલો શિક્ષકો ઉઠાવી રહ્યા છે. જિલ્લાના છ પૈકી પાંચ તાલુકા સંઘોને કોઇ જ તકલીફ નથી પડી અને એકમાત્ર તાલુકામાંથી ખોટી ફરિયાદ ઉભી કરી ષડયંત્ર રચવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાંચ તાલુકા સંઘોને નજર અંદાજ કરીને એકમાત્ર તાલુકા સંઘના પ્રમુખની રજુઆત સાંભળી પોતાનો કક્કો ખરો સાબિત કરવા મથી રહ્યાં હોવાનો આક્રોશ જિલ્લાભરમાંથી શિક્ષકો ઠાલવી રહ્યાં છે.

મુખ્યમંત્રીને ગુહારઃ રાજકીય ષડયંત્રની જાણ
કરાઇ

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી આશિષ પટેલ અને ચૂંટણી અધ્યક્ષ પરેશ પટેલે મુખ્યમંત્રીને આ રાજકીય ષડયંત્રથી અવગત કર્યા છે એને લેખિતમાં રજુઆત કરી છે.તેમણે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સતીશ પટેલ રાજકીય કાવાદાવા કરી ચૂંટણી રદ્ કરાવવાની કોશિશ કરી રહ્યાં હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સતીશ પટેલ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને શાળામાં નોકરી કરવા જતા નથી અને રોજ ગાંધીનગર ઉપડી જાય છે. જિલ્લાની ચૂંટણીની અવધિ બે વર્ષ છે છતાં આજે ચાર વર્ષ થઇ જવા છતાં તેઓ કેમ મથામણ કરી રહ્યાં છે તેવા સવાલો પણ તેમણે પોતાની રજુઆતમાં ઉઠાવ્યાં છે.આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પાસે ખુલાસો માગવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch