Tue,16 April 2024,12:13 pm
Print
header

નીતિન પટેલ GST ઓફિસે ફોટા પડાવી આવ્યાં ! પરંતુ કરોડો રૂપિયાના બોગસ બિલિંગના મૂળ સુધી ક્યારે પહોંચશે તમારા અધિકારીઓ ?

મહેશ આર પટેલ, એડિટર 

કૌભાંડો થઇ ગયા પછી હવે સ્પોટ વેરિફિકેશનું ભાન થયું !

અત્યાર સુધી અધિકારીઓ અને સરકાર ઉંઘમાં હતા !

હજુ મોટી માછલીઓને બચાવવામાં આવી રહી છે, જુનિયર અધિકારીઓની બદલીઓ

અમદાવાદઃ રાજ્યમાં એક પછી એક જીએસટી બોગસ બિલિંગના કૌભાંડો સામે આવી રહ્યાં છે, કરોડો રૂપિયાના બોગસ બિલિંગના માસ્ટર માઇન્ડ આરોપીઓ હજુ બહાર ફરી રહ્યાં છે, હાલમાં જ માધવ કોપર, ભાવનગર-અલંગની કંપનીનું અંદાજે એક હજાર કરોડો રૂપિયા કરતા વધુનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે જેમાં કેટલાક આરોપીઓ ઝડપાયા છે પરંતુ માસ્ટર માઇન્ડ હજુ બહાર છે, જેને સુરતના ડાયમંડ સાથે જોડાયેલા એક ઉદ્યોગપતિની મદદ મળી રહી છે,આ ઉદ્યોગપતિ ભાજપના નેતાઓના સૌથી નજીક છે આ બધાની વચ્ચે નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ 2 દિવસ પહેલા જ અમદાવાદના આશ્રમ રોડ પર રાજ્યવેરા ભવનના રિનોવેટ નવા બિલ્ડીંગનું ઉદ્ધઘાટન કરી આવ્યાં છે જ્યાં તેમને અધિકારીઓ સાથે ફોટોગ્રાફી પણ કરાવી છે અત્યાર સુધી હજારો કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડો આવ્યાં પરંતુ નાણાં પ્રધાન નીતિન પટેલે અહીં જઇને અધિકારીઓને ક્યારેય પણ આ મામલે પૂછ્યું હોય તેવું મીડિયાના ધ્યાન પર નથી આવ્યું, જો કે નીતિન પટેલની ફરજ છે કે બોગસ બિલિંગના કૌભાંડો રોકવા માટે કોઇ એક્શન પ્લાન તૈયાર કરવો જોઇએ, પરંતુ અહીં તો કૌભાંડો અટકી જ રહ્યાં નથી. 

હાલના જ અંદાજે બોગસ બિલિંગના 2 હજાર કરોડ રૂપિયાના કૌભાંડો !

છેલ્લા થોડા જ સમયમાં ભાવનગર, અલંગ, પ્રાંતિજ, સુરત અને અમદાવાદના થઇને અંદાજે 2 હજાર કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડો સામે આવ્યાં છે,  જીએસટીના કેટલાક ઇમાનદાર અધિકારીઓને કારણે આ કાર્યવાહી શક્ય બની છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે માધવ કોપર જેવી કંપની અંદાજે 137 કરોડ રૂપિયાની આઇટીસી લઇને સરકારી તિજોરી ખાલી કરી નાખે છે અને અધિકારીઓને ત્યાં સુધી ખબર જ નથી હોતી કે કોઇ કૌભાંડ થઇ રહ્યું છે ! આ વાત માન્યામાં આવે તેમ નથી, આ કેસમાં હાલમાં જ રાજકોટમાં ફરજ બજાવી રહેલા બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે જેઓ પહેલા ભાવનગરમાં નોકરી કરતા હતા.તપાસનો વિષય એ પણ છે કે કૌભાંડીઓને અમદાવાદની જીએસટીની ઓફિસમાંથી મદદ મળે છે કે નહીં, મહિને-મહિને કયા અધિકારીને હપ્તો મળી રહ્યો હતો તે પણ તપાસ થવી જોઇએ.

શું નીતિન પટેલ ભ્રષ્ટ અધિકારીઓને છાવરે છે !

જીએસટી વિભાગના જ કેટલાક સારા  અધિકારીઓ કહી રહ્યાં છે કે માધવ કોપર જેવી કંપનીઓના કૌભાંડમાં સંડોવાયેલા ઉચ્ચ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરાતી નથી અને અનેક નિર્દોષ કર્મચારીઓ-અધિકારીઓની બદલીઓ કરી નાખીને તેમને હેરાન કરાયા છે. એક અધિકારીએ જણાવ્યું છે કે આવા કૌભાંડોમાં થોડા સમય કાર્યવાહી કરીને પછીથી તેને દબાવી દેવામાં આવે છે, આગળ ઉંડી તપાસ ન કરવાના પણ રૂપિયા પડાવી લેવામાં આવે છે. જીએસટીની ઓફિસના કેટલાક ઉચ્ચ અધિકારીઓને નેતાઓ છાવરી રહ્યાંના આરોપ છે, ચર્ચાઓ છે કે આવા કૌભાંડોની તપાસમાં નીતિન પટેલ કે ભાજપ સરકારને રસ નથી અથવા તો તેઓ આંખ આડા કાન કરી રહ્યાં છે, નાણાંપ્રધાન નીતિન પટેલે રાજ્યના હિતમાં સમજી લેવું જોઇએ કે સરકારી તિજોરી ખાલી કરી રહેલા અધિકારીઓની તપાસ કરીને જો બદલી નહીં કરવામાં આવે તો કરોડો રૂપિયાના બોગસ બિલિંગના કૌભાંડો હજુ આવતા જ રહેશે.

કૌભાંડો બાદ જીએસટી તંત્ર હવે નંબરોનું વેરિફેકેશન કરશે

જીએસટી નંબરો લઇને હજારો બોગસ પેઢીઓ ઉભી કરનારા કૌભાંડીઓએ છેલ્લા થોડા જ સમયમાં અંદાજે 6000 કરોડ રૂપિયાના કૌભાંડો કરીને કરોડો રૂપિયાની આઇટીસી ઘરભેગી કરી નાખી છે. અગાઉ પણ નિયમ મુજબ જો કોઇ વ્યક્તિ જીએસટી નંબર લે છે તો તેના ધંધાના સ્થળની તપાસ કરવાની જવાબદારી અધિકારીની જ હોય છે. તેમ છંતા ધંધાના સ્થળની તપાસ ન થતા જ આવા કૌભાંડો થઇ રહ્યાં છે, આવા કૌભાંડોમાં અધિકારીની જવાબદારી નક્કિ થવી જોઇએ,પરંતુ તેમની સામે કોઇ જ કાર્યવાહી કરાતી નથી.

હવે કરોડો રૂપિયાનો સરકારી તિજોરીને ચૂનો લાગ્યા પછી જીએસટી કમિશનર ઓફિસે નક્કિ કર્યું છે કે નવો જીએસટી નંબર લેનારા ધંધાદારીઓની ઓફિસ, ગોડાઉનની તપાસ કરીશું, તેમના દસ્તાવેજોની ઉંડી તપાસ પણ કરવામાં આવશે. સ્પોટ વેરિફિરેશન કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી કૌભાંડીઓ બીજાના ડોક્યુમેન્ટ ઉઘરાવીને કોઇ પણ દુકાન કે ગોડાઉનનો ભાડા કરાર બતાવીને બેંકમાં રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને માત્ર કાગળ પર ધંધો બતાવતા હતા કરોડો રૂપિયાની આઇટીસી લઇ લેતા હતા.

રાજકોટ, ગાંધીનગર, શામળાજી મોબાઇલ સ્કવોર્ડના કર્મચારીઓ બેફામ !

હાલમાં જ મોરબી-રાજકોટ જીએસટીની મોબાઇલ સ્કવોર્ડના લાંચિયા કર્મચારી વિક્રમ કનારાને લાખોની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે તેની સાથે અન્ય કર્મચારી પણ ઝડપાયા છે ઉપરાંત ગાંધીનગર મોબાઇલ સ્કવોર્ડ અને શામળાજીની આસપાસ ફરતી મોબાઇલ સ્કવોર્ડના કર્મચારીઓની પણ હેરાનગતિ વધી ગઇ છે. કોરોનાની આવી સ્થિતીમાં પણ કેટલાક લાંચિયાઓ વેપારીઓને કોઇને કોઇ રીતે હેરાન કરી રહ્યાં છે. રાજકોટના વિક્રમ કનારાના છેડા જીએસટી ઓફિસ અમદાવાદ સુધી હોવાથી અન્ય કર્મચારીઓ પણ તેનાથી ડરતા હતા પરંતુ તે હવે એસીબીના સકંજામાં આવી ગયો છે પણ તે કયા અધિકારીને હપ્તા પહોંચાડતો હતો તે તપાસ થઇ રહી નથી. કારણ કે મોરબીમાં ખાસ કરીને ટાઇલ્સોની ટ્રકો બિલ વગર જવા દેવાના કરોડો રૂપિયાના ઉઘરાણા થયાની ચર્ચાઓ છે. 

પોતાના કર્મચારીઓ સામે કોઇ કડક કાર્યવાહીં નહીં

કોઇ વેપારી જો આવા લાંચિયાઓ સામે અરજી કરે છે તો જીએસટી વિભાગ તેનો કોઇ યોગ્ય જવાબ નથી આપતું અને ઘણા કિસ્સાઓમાં અરજી પાછી ખેંચી લેવા દબાણ કરાય છે, જો કે તમે વેપારી છો અને તમારી ખોટી રીતે હેરાનગતિ થઇ રહી છે તો તમે ગુજરાત એસીબીનો સંપર્ક કરી શકો છો. જીએસટીના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સરકારને વેપારીઓને મદદ કરવામાં કોઇ રસ નથી દેખાતો,જેથી તમે એસીબીનો સંપર્ક કરીને લાંચિયાઓને સબક શિખવી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch