Sat,14 March 2026,2:20 am
Print
header

Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર

  • Published By dilip patel
  • 2026-02-15 14:09:04
  • /

અમદાવાદઃ નારોલ વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું. નારોલની બાગે કૌશર સોસાયટીમાં પત્નીને તેડવા ગયેલા 27 વર્ષીય જમાઈએ ઉશ્કેરાટમાં આવીને સસરાની ઘાતકી હત્યા કરી નાખી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

ઇબ્રાહિમ મન્સુરી નામના યુવકના લગ્ન નારોલ વિસ્તારમાં થયા હતા. ઇબ્રાહિમની પત્ની છેલ્લા 10 દિવસથી તેના પિયરમાં હતી, કારણ કે તેના ભાભી અને માતા બીમાર હોવાથી તે તેમની સેવા કરવા રોકાઈ હતી. પત્ની ઘણા દિવસોથી પરત ન આવતા ઇબ્રાહિમ તેને તેડવા સાસરીમાં પહોંચ્યો હતો.

સાસરીમાં પહોંચેલા ઇબ્રાહિમે બુમાબુમ શરૂ કરી હતી. જ્યારે તેના સસરાએ તેને શાંત રહેવા ટોક્યો, ત્યારે ઇબ્રાહિમ ગાળો આપી ત્યાંથી જતો રહ્યો હતો. જો કે, અડધા કલાક બાદ તે અન્ય બે શખ્સો સાથે પરત આવ્યો હતો. ત્રણેય શખ્સોએ આવીને સસરા સાથે ઝઘડો કરી ગાળો ભાંડી હતી.

ઝઘડો વધુ ઉગ્ર બનતા ઇબ્રાહિમે પોતાની પાસે રહેલી છરી સસરાને મારી દીધી હતી. હુમલાખોર જમાઈ આટલેથી ન અટકતા, તેણે લોહીલુહાણ સસરાને નીચે પાડીને નિર્દયતાથી લાતો મારી હતી. ઇજાગ્રસ્ત સસરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

ઘટના બાદ આરોપી ઇબ્રાહિમ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નારોલ પોલીસે મૃતકના પરિવારના નિવેદન નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch