Sat,08 August 2026,10:12 pm
Print
header

કેનેડામાં રસ્તા પર જ ભારતીય મૂળની મહિલાની ગોળી મારીને હત્યા, આરોપી મૂળ ભારતીયની ધરપકડ

  • Published By Panna Patel
  • 2026-07-27 17:09:16
  • /

કેનેડાઃ ટોરોન્ટોમાં ભારતીય મૂળની 26 વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ હુમલો પૂર્વ-આયોજિત હતો. આ હત્યાના સંબંધમાં ભારતીય મૂળના જ 37 વર્ષીય પુરુષની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની ઓળખ થઈ

શનિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં ટોરોન્ટો પોલીસ સર્વિસે જણાવ્યું કે શુક્રવારે સવારે હમ્બરવુડ બુલવાર્ડ અને રેક્સડેલ બુલવાર્ડના ચોક પર ગોળીબારની ઘટના બની હતી. મૃતક મહિલાની ઓળખ નવનીત કૌર તરીકે કરવામાં આવી હતી, જ્યારે ઓન્ટારિયો પ્રોવિન્શિયલ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ બ્રેમ્પટનના શરણજીત સિંહ તરીકે કરવામાં આવી હતી.

ઘટના સ્થળે જ મહિલાનું મોત

પોલીસે જણાવ્યું કે સવારે લગભગ સાડા 7 વાગ્યે ગોળીબારનો કોલ બાદ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને કૌર ઘાયલ હાલતમાં મળી આવ્યાં હતા. તેમનો જીવ બચાવવાના પ્રયાસો છતાં ઘટના સ્થળે જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ગોળીબાર કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો, બાદમાં ધરપકડ કરાઈ

મહિલા અને શંકાસ્પદ વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ તે વ્યક્તિએ મહિલા પર ગોળી ચલાવી અને પોલીસ આવે તે પહેલાં જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. બાદમાં તેને શોધી કાઢીને ધરપકડ કરવામાં આવી હતી.

પૂર્વ-આયોજિત હત્યા

આરોપી શરણજીત સિંહ પર હત્યાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના પૂર્વ-આયોજિત હતી અને હાલમાં અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ નથી. હોમિસાઇડ યુનિટ (હત્યાની તપાસ કરતું વિભાગ) આ કેસની તપાસ કરી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, એક સાક્ષીએ પોલીસને જણાવ્યું કે કૌર હમ્બરવુડ બુલવાર્ડ પર ચાલી રહ્યાં હતા ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવી, થોડી વાતચીત કરી, તેમને એક ગોળી મારી અને ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાને નીચે પડતી જોઈને સાક્ષીએ તરત જ ઈમરજન્સી સેવાઓને જાણ કરી હતી.

ગયા અઠવાડિયે પણ એક મહિલાની હત્યા કરવામાં આવી હતી

આ ઘટના આ મહિનાની શરૂઆતમાં આલ્બર્ટા પ્રાંતની રાજધાની એડમન્ટનમાં ભારતીય મૂળની અન્ય એક મહિલાની તેના પાર્ટનર દ્વારા હત્યા થયાના થોડા દિવસો બાદ બની છે. ગયા અઠવાડિયે, 22 વર્ષીય રિતેશ કુમારની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે સેકન્ડ-ડિગ્રી મર્ડર (ઈરાદાપૂર્વકની હત્યા)નો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેના પર તેની 23 વર્ષીય પાર્ટનર દમનપ્રીત કૌરનું ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ છે. પોલીસે આ ઘટનાને ઇન્ટિમેટ પાર્ટનર હોમિસાઇડ (જીવનસાથી કે પાર્ટનર દ્વારા કરાયેલી હત્યા) તરીકે વર્ગીકૃત કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch