Sat,08 August 2026,9:31 pm
Print
header

જામનગરમાં લગ્નના પાંચ મહિના બાદ પત્નીની હત્યા, ધારદાર હથિયારથી ઘા માર્યા

  • Published By Panna Patel
  • 2026-07-26 09:19:43
  • /

જામનગરઃ શહેરમાં લગ્નના માત્ર પાંચ મહિના બાદ એક નવપરિણીતાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં કૌટુંબિક ઝઘડો એટલી હદે વણસી ગયો કે પતિએ ધારદાર હથિયાર (દાતરડા) વડે હુમલો કરીને પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

આરોપી પતિ મનીષ કછેટિયાને તેની પત્ની સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ ઝઘડો એટલો વકરી ગયો કે આવેશમાં આવીને આરોપીએ પોતાની પત્ની પર ધારદાર હથિયાર વડે સળંગ છ વાર ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘટના અંગે માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી પતિ મનીષ કછેટિયાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોલીસે હત્યામાં વપરાયેલ ધારદાર હથિયાર તેમજ આરોપીના લોહીથી ખરડાયેલા કપડાં જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યાં છે.

જામનગર પોલીસના જણાવ્યાં અનુસાર હત્યા પાછળ કૌટુંબિક વિવાદ સિવાય અન્ય કોઈ કારણ કે ઈરાદો હતો કે કેમ તે જાણવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. લગ્નના માત્ર પાંચ મહિના બાદ બનેલી આ દુઃખદ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. પોલીસે આરોપી સામે હત્યા સહિતના આરોપો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch