Sat,08 August 2026,9:26 pm
Print
header

વડોદરામાં વિદ્યાર્થીએ શિક્ષકને હેપ્પી બર્થડે કહ્યું તો સામે થપ્પડ મારતા મામલો બિંચક્યો

  • Published By Panna Patel
  • 2026-07-12 10:04:05
  • /
  • અમદાવાદમાં પણ થોડા દિવસ પહેલા શિક્ષકે વિદ્યાર્થીને માર મારતાં કાનનો પડદો ફાટી ગયો હતો

વડોદરાઃ શહેરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લિટલ ફ્લાવર સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને તેના શિક્ષકે માત્ર હેપ્પી બર્થડે કહેવા જેવી સામાન્ય બાબતમાં ગુસ્સે થઈને બેરહેમીથી માર માર્યો હતો. શિક્ષકના ગંભીર મારના કારણે કાન અને ગળાના પાછલા ભાગે ઈજા પામેલા બાળકની તબિયત લથડતાં તેને સારવાર માટે તાત્કાલિક SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વાલીના આક્રોશ અને પોલીસ અરજી બાદ આરોપી શિક્ષક જયેશ પરમારને પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પીડિત બાળકના પિતાના જણાવ્યા અનુસાર, શાળાનો નિયમિત સમય બપોરે 12 થી 5 વાગ્યાનો હોય છે, પરંતુ ઘટનાના બીજા દિવસે સવારની સ્કૂલ હોવાથી જ્યારે બાળકને જગાડવામાં આવ્યો ત્યારે તેણે વારંવાર કહેવા છતાં ઉઠવાનો ઇનકાર કર્યો હતો. પિતાએ જોર-જબરદસ્તી કરતા બાળકે રડતા રડતા ગત દિવસે બપોરે સાડા ચાર વાગ્યે બનેલી ઘટનાની આપવીતી જણાવી હતી.

બાળકે જણાવ્યું કે, શાળાના ગુજરાતી વિષયના શિક્ષક જયેશ પરમારે તેને કાન પર બે લાફા અને ગળાના ભાગે એક લાફો ઝીંકી દીધો હતો. આ મારના ડર અને અસહ્ય દુખાવાના કારણે તે શાળાએ જવા માંગતો ન હતો. ઘટનાની જાણ થતાં જ પિતા પુત્રને લઈને તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ શિક્ષક હાજર ન મળતા તેઓએ પ્રિન્સિપાલને રજૂઆત કરી પોલીસ મથકે અરજી કરી હતી. પોલીસ તપાસ શરૂ થતાં જ શિક્ષકે પ્રિન્સિપાલ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

રિસેસ દરમિયાન ક્લાસના વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યાં હતા કે સરનો આજે બર્થડે છે. જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવ્યાં ત્યારે બાળકે પૂછ્યું, સર, આજે તમારો બર્થડે છે ? અને શિક્ષકે હા પાડી હતી. ત્યાર બાદ જ્યારે શિક્ષક જવા લાગ્યા ત્યારે બાળકે તેમને આદરપૂર્વક હેપ્પી બર્થડે કહ્યું. આ સાંભળતા જ શિક્ષક અચાનક ગુસ્સે થઈ ગયા અને બાળકનો હાથ પકડી ક્લાસની બહાર લઈ જઈ તેને બેરહેમીથી માર માર્યો હતો.

લિટલ ફ્લાવર સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે, શરૂઆતમાં આ મામલે શાળાના સ્ટાફને કોઈ જાણ ન હતી. સવારે 8 વાગ્યે વાલીઓ બાળકની ફરિયાદ લઈને આવ્યાં ત્યારે આખી ઘટના સામે આવી હતી. શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગી લીધી હતી, પરંતુ બાળકના પિતા આક્રોશમાં હતા. તેમણે મીડિયાને બોલાવવાની અને FIR કરવાની ચીમકી આપી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch