Mon,09 December 2024,11:52 am
Print
header

ઊંઝા APMC ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભરતી કૌભાંડ ગાજ્યું, 16 કરોડ રૂપિયાનું સેસ કૌભાંડ પણ સરકાર ભૂલી ગઇ

(ફાઇલ ફોટો)

મહેસાણાઃ એશિયાના સૌથી મોટા એપીએમસી ઊંઝામાં થોડા જ દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, અંદાજે ત્રણ જૂથો આ ચૂંટણી જીતવા તનતોડ મહેનત કરી રહ્યાં છે, આ વખતે સૌથી મોટો મુદ્દો એપીએમસીમાં થયેલી ગેરકાયદેસર ભરતી અને 16 કરોડ રૂપિયાના સેસ કૌભાંડનો છે, જેની તપાસ કરવામાં સરકારે ઢીલી નીતિ અપનાવી છે, ખુદ એપીએમસીના પૂર્વ હોદ્દેદારે સરકારને પત્ર લખીને કૌભાંડના અનેક પુરાવા થોડા સમય પહેલા જ સોંપ્યાં છે, જેમાં સેસ કૌભાંડ, એપીએમસીમાં મરતિયાઓએ સગાવાદ ચલાવીને કરેલી ભરતી, ટેન્ડર પ્રક્રિયાઓની કટકી સહિત અનેક મુદ્દાઓના પુરાવા સોંપ્યાં છે.

પૂર્વ ચેરમેન દિનેશ પટેલને ગાંધીનગરના એક મંત્રી બચાવી રહ્યાં હોવાની ચર્ચા

એપીએમસીની સેસની અંદાજે 16 કરોડ રૂપિયાની આવક ઘરભેગી કરનારાઓ સામે રાજ્ય સરકારે અત્યાર સુધી કોઇ યોગ્ય કાર્યવાહી કરી નથી, રૂપિયા કેવી રીતે ઘરભેગા કરવામાં આવતા હતા તેનો વીડિયો પણ જે તે સમયે સરકાર અને મીડિયા પાસે પહોંચી ગયો હતો, રાજ્ય સરકારના સહકાર વિભાગે એક સમયે એપીએમસીના તત્કાલિન ચેરમેન સામે તપાસના આદેશ આપીને પછી તપાસ પાછી ખેંચી લીધી હતી, એક રીતે ભાજપના રાજમાં કૌભાંડીઓને બચાવવાની યોજનાઓ તૈયાર જ હોય છે, ગાંધીનગરથી એક મંત્રી હવે ઊંઝા એપીએમસીના કૌભાંડીઓને બચાવી રહ્યાં હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે, પરંતુ આ મંત્રીશ્રીએ લાખો ખેડૂતોનું હિત નજર અંદાજ કરવું જોઇએ નહીં.

કૌભાંડીઓ ફરીથી ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડે તેવી શક્યતા

ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇને કૌભાંડીઓએ ત્રણ દિવસ પહેલા બેઠક કરીને કોઇ પણ ભોગે ભાજપમાંથી મેન્ડેટ લાવવાનું નક્કિ કર્યું છે, કોઇ પણ ભોગે એટલે ઊંઝાના વેપારીઓ અને ખેડૂતો બધું જ સમજે છે, રૂપિયાના જોરે પહેલા સત્તા મેળવી લો અને પછી ખેડૂતોના હિસ્સાના કરોડો રૂપિયા ઘરભેગા કરવાના, પરંતુ આ વખતે ઊંઝા એપીએમસીના જૂના કૌભાંડો સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાઇરલ થઇ રહ્યાં છે, ભાજપ પણ કદાચ કોઇ જોખમ ઉઠાવવા માંગતી નથી, જેથી કૌભાંડીઓને છોડીને ભાજપના જે સાચા અને ઇમાનદાર કાર્યકર્તાઓ, નેતાઓ છે તેમનું સાંભળીને જ આ ચૂંટણીમાં કૂદવું ભાજપ માટે હિતાવહ છે.

અંદાજે 16 કરોડ રૂપિયાનું સેસ કૌભાંડ દબાવી દેવાયું, ભરતી કૌભાંડની તપાસ ન થઇ

થોડા વર્ષો પહેલાનું ઊંઝા એપીએમસીનું કરોડો રૂપિયાનું સેસ કૌભાંડ હવે ભૂલાવી દેવાયું છે, કેમેરાના ફૂટેજ હોવા છંતા અને રશિદોના પુરાવા હોવા છંતા તેની યોગ્ય તપાસ ન કરાઇ, તે વખતનું ભરતી કૌભાંડ પણ હવે દબાઇ ગયું છે, ટેન્ડરની પ્રક્રિયાઓમાં ગોટાળા હોવાના પણ પુરાવા સીએમઓ સુધી પહોંચીને ફાઇલમાં ધૂળ ખાઇ રહ્યાં છે, ખેડૂતોએ અને ભાજપના સાચા નેતાઓ- કાર્યકર્તાઓએ હવે એ માની લેવું જોઇએ કે શિસ્તની અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરતી તેમની પાર્ટી ભાજપને હવે આ બધી વાતોમાં રસ નથી અને ફરીથી આ કૌભાંડીઓ સામે કાયદાકીય લડત ચલાવવા ભાજપના મૂળ કાર્યકર્તાઓએ તૈયાર રહેવું પડશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch