Sat,08 August 2026,9:25 pm
Print
header

સુરતના ભાગળ ખાતે જર્જરિત મકાનનો સ્લેબ તૂટતાં મેડિકલ સ્ટોરના માલિકનું મોત

  • Published By dilip patel
  • 2026-07-28 16:41:18
  • /
  • કાટમાળ નીચે દબાયેલા 75 વર્ષીય વૃદ્ધને ફાયર વિભાગે બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યાં હતા
  • ટૂંકી સારવાર બાદ મોત થઇ ગયું 
  • આસપાસના જર્જરિત મકાનો ખાલી કરાવાયા

સુરત: શહેરના વ્યસ્ત અને ઐતિહાસિક એવા ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં વર્ષો જૂનું એક ગ્રાઉન્ડ પ્લસ વન માળનું મકાનનો પ્રથમ માળનો ભારેખમ સ્લેબ અચાનક તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ભાગદોડ કરવા લાગ્યા હતા.

આ જર્જરિત મકાન 75 વર્ષીય મૃતક ભરતભાઈ હસમુખભાઈ દલાલનું જ હતું. તેઓ મૂળ અડાજણ વિસ્તારના શિવ શક્તિ રો હાઉસમાં પરિવાર સાથે રહેતા હતા અને ભાગળ ખાતે આવેલા પોતાના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર વર્ષોથી મેડિકલ સ્ટોર ચલાવતા હતા. મકાનનો ઉપરનો માળ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતો. આજે રોજિંદા ક્રમ મુજબ ભરતભાઈ પોતાની દુકાનમાં બેઠા હતા, ત્યારે જ ઉપરનો સ્લેબ કડાકાભેર નીચે ચાલતી દવાની દુકાન પર તૂટી પડ્યો હતો.

અચાનક બનેલી આ ઘટનામાં સમગ્ર દુકાન કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી અને ભરતભાઈ દલાલ સ્લેબ તથા પથ્થરોના કાટમાળ નીચે ગંભીર રીતે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

ફાયર ઓફિસર બલવંતસિંહે જણાવ્યું હતું કે, મેસેજ મળતા જ અમારી ટીમ પહોંચી ગઈ હતી. પહેલા માળનો આખો સ્લેબ નીચે પડી ગયો હતો અને દુકાનમાં રહેલા વૃદ્ધ તેમાં સંપૂર્ણ દટાઈ ગયા હતા; માત્ર તેમના પગ બહાર દેખાતા હતા. ગણતરીની મિનિટોમાં કાટમાળ હટાવીને તેમને બહાર કાઢી 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચાડાયેલા ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈનું ટૂંકી સારવાર દરમિયાન જ કરૂણ મોત નીપજ્યું હતું. જે દુકાનમાં વર્ષો સુધી કામ કર્યું, ત્યાં જ કાળ ભેટતાં મૃતકના પરિવારજનો સહિત ભાગળ વિસ્તારના સ્થાનિક વેપારીઓમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અન્ય મકાનો પણ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. માત્ર આ એક મકાનમાં જ દવાની દુકાન ચાલુ હતી, જ્યાં આજે આ કમનસીબ હોનારત સર્જાઈ હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch