Wed,15 July 2026,12:06 am
Print
header

ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ?

  • Published By Panna Patel
  • 2026-06-06 17:53:03
  • /
  • પાલિકાએ ડિમોલિશન કર્યાનો સાફ ઈન્કાર કર્યો
  • પોલીસની ભૂમિકા સામે સવાલો ઉભા થયા 
  • ધારાસભ્ય વિનુ મોરડીયા પણ ચોંકી ગયા, આખરે કોણ તોડી ગયું આ મકાનો ?

સુરતઃ કતારગામ વિસ્તારમાં આવેલા વેડદરવાજા નાસીરનગર સ્લમ એરિયામાં થયેલી ડિમોલિશનની કામગીરી પુરા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. ગરીબોના આશરે 100 જેટલા મકાનો તોડી પાડીને અનેક લોકોને રસ્તા પર લાવી દેવાયા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, આ મકાનો આખરે તોડ્યા કોણે ? કારણ કે, ડિમોલિશન સમયે મહાનગરપાલિકા અને પોલીસની હાજરી હોવા છતાં, હવે વહીવટી તંત્ર આ કામગીરી પોતે કરી હોવાનો સાફ ઇન્કાર કરી રહ્યું છે.

આ ગંભીર વિવાદમાં હવે સ્થાનિક ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયાની એન્ટ્રી થઈ છે. ધારાસભ્યે પોતે પણ સ્વીકાર્યું છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. આ ખુલાસા બાદ એ સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે, ભારે સુરક્ષા વચ્ચે એકથી વધુ જેસીબી અને હિટાચી મશીનો સાથે ધોળા દિવસે આખો સ્લમ વિસ્તાર સાફ કરી જનાર મિસ્ટર ઇન્ડિયા કોણ છે ?

સમગ્ર વિવાદના મૂળ સુધી પહોંચવા માટે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઉચ્ચ વહીવટી અધિકારીઓ પાસેથી સત્તાવાર અને વિસ્તૃત માહિતી મંગાવી હતી. અધિકારીઓ સાથેની ચર્ચામાં જે સત્ય સામે આવ્યું તે અત્યંત આઘાતજનક છે. સેન્ટ્રલ ઝોનના ઓફિશિયલ્સે સ્પષ્ટ કર્યું છે કે પાલિકાની ટીમ ત્યાં માત્ર કાયદેસરની લાઇન દોરી (રોડ માર્જિન અને માપણી) ની કામગીરી કરવા માટે જ ગઈ હતી.

ધારાસભ્યે ઉમેર્યું કે, સેન્ટ્રલ ઝોન દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ ડિમોલિશન કે પાકા-કાચા મકાનો તોડવાનો આદેશ આપવામાં આવ્યો ન હતો,  પાલિકાની વહીવટી ફાઇલોમાં પણ આ પ્રકારના કોઈ તોડકામની નોંધ નથી. આ પરિસ્થિતિ જોતા ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી છે કે જો પાલિકાએ આ તોડફોડ નથી કરી, તો શું આની પાછળ કોઈ લેન્ડ માફિયા કે બિલ્ડર લોબી કામ કરી રહી છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને સીધો પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું છે કે, મારી પાસે ડિમોલિશન સમયના વીડિયો અને સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે. તેમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ દેખાઈ રહ્યાં છે તેમને તાત્કાલિક વહીવટી વિભાગ બોલાવે, તેમની આકરી પૂછપરછ કરે અને ગુનાહિત બેદરકારી બદલ તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch