Wed,18 February 2026,12:23 pm
Print
header

સુરતમાં દીકરીના લગ્નના દિવસે જ બિલ્ડર તુષાર ઘેલાણીની અંતિમ યાત્રા નીકળી, ચાર દિવસ પહેલા ખુદને મારી હતી ગોળી

  • Published By panna patel
  • 2026-02-05 18:06:18
  • /
  • અંગદાનની ઈચ્છા છતાં માત્ર ચક્ષુદાન થઈ શક્યું
  • અંતિમ યાત્રા નીકળતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું

સુરતઃ શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના નિધનથી શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને સામાજિક વર્તુળમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. જીવન- મરણ વચ્ચે ચાર દિવસની જંગ લડ્યા બાદ ગતરોજ તેમનું અવસાન થયું હતું. 5 ફેબ્રુઆરીએ જ તેમની દીકરીના લગ્ન હતા, પરંતુ જે ઘરે જાનનું સ્વાગત થવાનું હતું ત્યાંથી જ તેમની અંતિમ યાત્રા નીકળતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

ગત 1 ફેબ્રુઆરીના રોજ દીકરીના લગ્નની કંકોતરી લેખનનો પ્રસંગ હતો. તેની આગલી રાત્રે જ તુષારભાઈએ પોતાના નિવાસસ્થાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ચાર દિવસની સારવાર બાદ ડોક્ટરોએ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા હતા.

આ કપરી ઘડીમાં પણ ઘેલાણી પરિવારે અપ્રતિમ માનવતા દાખવી તુષારભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે અંગો મેળવવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યારે જ અચાનક તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હૃદય બંધ પડી જવાને કારણે શરીરના મહત્વના અંગો ફેઈલ થવા લાગ્યા હતા, જેના કારણે કિડની, લિવર કે હૃદયનું દાન શક્ય બન્યું ન હતું. માત્ર તેમના ચક્ષુઓનું દાન જ સ્વીકારી શકાયું હતું.

અંગદાનની પ્રક્રિયા અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાનૂની વિધિ પૂર્ણ થયા બાદતેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં સુરતના અગ્રણી બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં મિત્ર વર્તુળ જોડાયું હતું. જે દિવસે દીકરીના લગ્નનો મંગળ અવસર હતો, તે જ દિવસે પિતાની ચિતાને અગ્નિદાહ અપાતા હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch