Wed,16 September 2026,3:45 pm
Print
header

DCP નકુમ વિવાદ: જજ સામે વાંધાજનક ટિપ્પણી બદલ ભાજપ નેતા ચર્ચામાં

  • Published By
  • 2026-08-16 09:17:54
  • /
  • પોસ્ટથી કાયદાકીય અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી
  • પોસ્ટ વાયરલ થયા બાદ નેતાજીએ લુલો બચાવ કર્યો

સુરતઃ શહેરમાં આરોપીઓને જાહેરમાં ઢોર માર મારવાના મામલે હાઈકોર્ટ દ્વારા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામે કડક વલણ અપનાવ્યાં બાદ નવો વિવાદ સર્જાયો છે. પોલીસ અધિકારીના સમર્થનમાં ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયા પર હાઈકોર્ટના જજ વિરુદ્ધ અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

મુકેશ ગુજરાતીએ ફેસબુક એકાઉન્ટ પર બે પોસ્ટ શેર કરીને ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડતા નિવેદનો કર્યા હતા.પ્રથમ પોસ્ટમાં તેમણે લખ્યું કે, જજને જેહાદીઓને માર્યા તેમાં બળતરા આવી છે. સિમી ગેંગના આતંકના વીડિયો બાડાએ નહીં જોયા હોય ? એક વાર તે ઓછા ટકાવાળો જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે.

બીજી પોસ્ટમાં પ્રહાર કરતાં જણાવ્યું કે, DCP નકુમ જેવા અધિકારીઓના હાથ બાંધી જજ શું ક્રાઈમ વધારવા માંગે છે ? જજને વહીવટનો કીડો હોય તો એકવાર ચૂંટણી મેદાનમાં આવે. જનતા શું ઇચ્છે છે તે ખબર પડી જશે.

પોસ્ટ વાયરલ થયા બાદ મુકેશ ગુજરાતીએ બચાવ કરતા દાવો કર્યો હતો કે આ પોસ્ટ તેમણે તેમના એક અંગત મિત્ર માટે લખી હતી, જેને તેઓ અનૌપચારિક રીતે 'જજ' કહીને બોલાવે છે. સાથે જ તેમણે આતંકવાદી ઘટનાઓના સંદર્ભ આપીને પોલીસ અધિકારીની કામગીરીનું સમર્થન કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે 13 જુલાઈના રોજ સુરતમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી DCP રાજદીપસિંહ નકુમે જાહેરમાં વાળ પકડી દંડા ફટકાર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં એડવોકેટ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના ઉલ્લંઘન અંગે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો.  પત્ર અને અહેવાલોના આધારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો નોંધ લઈ પોલીસ તંત્રની જાહેરમાં માર મારવાની પદ્ધતિ સામે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch