Thu,21 May 2026,4:08 am
Print
header

સુરત AAPમાં ભંગાણ: ટિકિટ મળ્યાંના ગણતરીના કલાકોમાં જ ડો.પ્રીતિ સાદડિયા 500 કાર્યકરો સાથે કોંગ્રેસમાં ચાલ્યાં ગયા

  • Published By Panna Patel
  • 2026-04-10 18:46:22
  • /

સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં સુરત આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. આપ દ્વારા જેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતા, તેવા મહિલા નેતાએ પક્ષ સામે ગંભીર આક્ષેપો કરી છેડો ફાડી નાખતા રાજકારણ ગરમાયું છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગઈકાલે સવારે ડો. પ્રીતિ સાદડિયાને ટિકિટ આપી ઉમેદવાર જાહેર કર્યા હતા. જો કે, ટિકિટ મળ્યાંના ગણતરીના કલાકોમાં જ તેમણે યુ-ટર્ન લીધો હતો. સાંજ પડતાની સાથે જ તેઓ પોતાના 500 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધના વાલા અને અન્ય ટોચના અગ્રણીઓની હાજરીમાં ડો.પ્રીતિ સાદડિયા અને તેમના કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસે આ ઘટનાને પોતાની મજબૂતી અને 'આપ'ના પતન તરીકે ગણાવી છે.

પક્ષ છોડતા પહેલા ડો.પ્રીતિ સાદડિયાએ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના નેતૃત્વ સામે આકરા પ્રહારો કર્યા હતા.તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો ફક્ત ઉઘરાણા કરવામાં જ માને છે.

ડો.પ્રીતિ સાદડિયા વ્યવસાયે જાણીતા હોમિયોપેથિક તબીબ છે. તેમની સુરતમાં એક યુવા અને શિક્ષિત મહિલા નેતા તરીકે તેમની ગણના થાય છે. ચૂંટણી ટાણે જ ઉમેદવાર દ્વારા કરવામાં આવેલા આ પક્ષપલટા અને ગંભીર આક્ષેપોએ સુરત આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આપ માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch