Sat,20 April 2024,6:57 pm
Print
header

સુપ્રીમ કોર્ટમાં EWS અનામત પર સુનાવણી પૂરી, ટૂંક સમયમાં આવશે ચૂકાદો- Gujarat post

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગના (EWS) વ્યક્તિઓને 10 ટકા અનામત આપતી 103માં બંધારણ સુધારાની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો.મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે એટર્ની જનરલ કે કે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિતના વરિષ્ઠ વકીલોને સાંભળ્યાં પછી EWS ક્વોટાએ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે અંગેના કાયદાકીય પ્રશ્ન પર ચૂકાદો અનામત રાખ્યો હતો.આ સુનાવણી જે 7 દિવસ સુધી ચાલી હતી. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત(Uday Umesh Lalit) ની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 7 દિવસ સુધી તમામ પક્ષકારોની વિસ્તારથી સાંભળ્યાં.

જાન્યુઆરી 2019માં, કેન્દ્ર સરકારે સંસદમાં 103મો બંધારણીય સુધારો ઠરાવ પસાર કરીને આર્થિ ક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી. તેને પડકારતી અરજીઓ પર બંધારણીય બેંચે 13 સપ્ટેમ્બરથી આ મામલે વિગતવાર સુનાવણી શરૂ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત, આ બંધારણીય બેંચના અન્ય ચાર સભ્યો છે- જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ રવિન્દ્ર ભટ, બેલા એમ ત્રિવેદી અને પારડીવાલા.

5 ઓગસ્ટ 2019ના રોજ, સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ સામે દાખલ કરેલી અરજીઓને બંધારણીય બેંચને સોંપી હતી. આ કેસમાં એનજીઓ જનહિત અભિયાન સહિત 30થી વધુ અરજીકર્તાઓએ કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીઓમાં બંધારણની કલમ 15 અને 16માં સુધારાને પડકારવામાં આવ્યો હતો. અરજદાર પક્ષે દલીલ કરી હતી કે આરક્ષણનો હેતુ સદીઓથી સામાજિક ભેદભાવનો ભોગ બનેલા વર્ગના ઉત્થાનનો હતો.તેથી,આર્થિક આધારો પર આરક્ષણએ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. જો કોઈ વર્ગ આર્થિક રીતે નબળો હોય તો તેને અન્ય રીતે મદદ કરવી જોઈએ.

અરજદાર પક્ષ તરફથી હાજર રહેલા વકીલોએ કહ્યું કે જો સરકારે ગરીબીના આધારે અનામત આપવી હોય તો આ 10 ટકા આરક્ષણમાં પણ એસસી, એસટી અને ઓબીસી માટે સિસ્ટમ બનાવવી જોઈતી હતી. વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે સરકારે જરૂરી ડેટા એકત્ર કર્યાં વિના અનામત માટે કાયદો બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનામતને 50 ટકા સુધી સીમિત કરવાનો નિર્ણય આપ્યો હતો, આ જોગવાઈ દ્વારા તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

શું છે સરકારની દલીલ ?

કુલ અનામતના 50 ટકાની મર્યાદા રાખવી એ બંધારણીય જોગવાઈ નથી. માત્ર સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. તમિલનાડુમાં 68 ટકા અનામત છે આ નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો નથી. અનામતનો કાયદો બનાવતા પહેલા બંધારણની કલમ 15 અને 16માં જરૂરી સુધારા કરવામાં આવ્યાં હતા. આર્થિક રીતે નબળા વર્ગોને સમાનતાનો દરજ્જો આપવા માટે આ વ્યવસ્થા જરૂરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch