Sat,08 August 2026,9:50 pm
Print
header

ઉપવાસ તોડ્યાં કર્યા બાદ સોનમ વાંગચુકે આપ્યું નિવેદન, સરકાર તરફથી તેમને આ ખાતરી મળી છે

  • Published By Panna Patel
  • 2026-07-24 09:53:25
  • /

સોનમ વાંગચુકે સરકાર તરફથી લેખિત ખાતરી મળ્યાં બાદ ઉપવાસ સમાપ્ત કર્યા

શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરનારા અથવા પાર્લામેન્ટ માર્ચમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં

સરકારે એ પણ ખાતરી આપી છે કે પેપર લીક થવાની ઘટનામાં જીવ ગુમાવનારા 20 થી વધુ યુવાનોના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે.

નવી દિલ્હીઃ સોનમ વાંગચુકે મોડી રાત્રે તેમના ઉપવાસ સમેટી લીધા છે. સરકાર તરફથી લેખિત ખાતરી મળ્યાં બાદ તેઓ ઉપવાસ સમાપ્ત કરવા માટે તૈયાર થયા હતા. મોડી રાત્રે, કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલ ખાતે સોનમ વાંગચુક સાથે મુલાકાત કરીને અને ઉપવાસ સમાપ્ત કરવા માટે મનાવી લીધા હતા. સોનમે જણાવ્યું હતું કે વિવિધ શરતો અંગેની લાંબી ચર્ચાઓ અને દેશમાં હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમણે ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે હવે સરકારના પ્રસ્તાવ અંગે એક વિગતવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં આ બાબતના દરેક પાસાની રૂપરેખા આપવામાં આવી છે.

સરકાર તરફથી લેખિત ખાતરી મળીઃ સોનમ

સોનમ વાંગચુકે તેમના ઉપવાસ સમાપ્ત કર્યા છે. ત્યાર બાદ જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, આજે, 26 મા દિવસે, હું તમારી સાથે કેટલીક મહત્વપૂર્ણ માહિતી વહેંચવા માંગુ છું. કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે અહીં મુલાકાત લીધી હતી, તેમજ લદ્દાખની એપેક્સ બોડીના નેતાઓએ પણ મુલાકાત કરી હતી. તે પહેલાં વિવિધ રાજકીય પક્ષોના લગભગ 65 સાંસદોએ મુલાકાત લીધી હતી અને અમને ઉપવાસ પાછા ખેંચવાની વિનંતી કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા હતા.

તેમણે અમને ખાતરી આપી કે તેઓ સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરશે, જેમાં NEET પેપર લીક અને પરીક્ષા પદ્ધતિને લગતી બાબતોનો પણ સમાવેશ થાય છે. સરકારનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીઓએ પણ અમને ખાતરી આપી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન અમારી વચ્ચેની ચર્ચા ઘણી ગંભીર રહી હતી. મૂળભૂત રીતે આ સ્થિતિ સોદાબાજી જેવી હતી. હું ખાતરી ઈચ્છતો હતો, જ્યારે તેઓ ઈચ્છતા હતા કે હું લેખિત ખાતરી સ્વીકારું. આ પ્રક્રિયામાં બે દિવસ લાગ્યા, અને તેથી જ મારે તે વધારાના સમયગાળા દરમિયાન પણ મારા ઉપવાસ ચાલુ રાખવા પડ્યા. હું ભૂખ હડતાળ હજુ વધુ લાંબા સમય સુધી ચાલુ રાખી શક્યો હોત, પરંતુ આખરે આજે તેમણે મને લેખિત ખાતરી આપી છે.

મોદી સરકારે શું વચન આપ્યું ?

સોનમ વાંગચુકે જણાવ્યું કે, આજે તેમણે લેખિત ખાતરી આપી છે. જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા અથવા 20 જુલાઈએ સંસદ કૂચમાં ભાગ લેનારા અમારા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ કાનૂની કાર્યવાહી, એફઆઈઆર (FIR) કે તેવા અન્ય પગલાં લેવામાં આવશે નહીં. પેપર લીકની આ ઘટનામાં જીવ ગુમાવનારા 20 થી વધુ યુવાનોના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે. આ મુદ્દા અંગે તેમજ શિક્ષણ અને પરીક્ષાઓ બાબતે સરકારની જવાબદારી અંગે સંસદમાં સંપૂર્ણ ચર્ચા અને વિચાર-વિમર્શ કરવામાં આવશે, જેથી આવી ઘટના ફરી ન બને અને જે કંઈ બન્યું છે તે માટે સંપૂર્ણ જવાબદારી નક્કી કરી શકાય. 

રાજીનામું એ સૌથી મહત્વનો મુદ્દો નથીઃ સોનમ

સોનમ વાંગચુકે કહ્યું, મારા માટે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સૌથી મહત્વનો મુદ્દો ન હતો. તે તો આપમેળે ઉકેલાઈ જશે. મારા માટે વધુ મહત્વની બાબત એ સુનિશ્ચિત કરવાની હતી કે આપણાં બાળકો ખોટી રીતે ન ફસાય. મેં જોયું છે કે કેવી રીતે વર્ષો દરમિયાન લદ્દાખમાં બાળકોનું ભવિષ્ય FIRને કારણે બરબાદ થયું છે. તેવું હવે નહીં થાય. અમે તેમની પાસેથી આ બાબત સુનિશ્ચિત કરી છે, હું આનાથી ખુશ છું અને જીવ ગુમાવનારા બાળકોના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે. આ મુદ્દા અને જવાબદારીના વિષય પર ભારતીય લોકશાહીના સર્વોચ્ચ મંદિર આપણી સંસદમાં સંપૂર્ણ ચર્ચા થશે. આ આંદોલનને સમર્થન આપવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધતો એક વીડિયો સંદેશ જાહેર કર્યોહતો. તેમણે વિદ્યાર્થીઓને ખાતરી આપી કે પેપર લીક જેવી ઘટનાઓ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.  યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને બક્ષવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક પગલાં લેવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. શુક્રવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં પેપર લીક સામે વધુ કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch